નવી શક્યતાઓ: સમાજ માટે અને પોતાના માટે પણ

- સુખદેવ પટેલ
આપણી આજુબાજુ જ્યાં ક્યાંક પણ નજર નાખીએ તો કશું જ સ્થિર નથી. જડ દેખાતી વસ્તુઓમાં ઋતુગત અસરો અને વિવિધ પરિબળોના કારણે ઘસારો થતો જોવા મળે છે. ફેરફાર એ નિયતિ છે. સ્થળકાળ અને દેશકાળમાં બદલાવની ગતિમાં તફાવતો જરૂર હોય છે. બદલાવથી ઊભી થતી નવી અવસ્થા ઉત્ક્રાંતિની ઓળખ બને છે. માનવસભ્યતા આવા ફેરફારોથી વધુ ને વધુ સમૃદ્ધ થતી રહી છે. જીવનની ગુણવત્તા અને સુખાકારીમાં તેના લાભો જોવા મળે છે. કુદરતનાં અગણિત રહસ્યોને જાણવા અને તેમાંથી હાડમારીઓ ઓછી કરીને આનંદ માણવો તે માનવીય પ્રકૃતિ રહી છે. ક્યારેક તેમાંથી મળતી ક્ષમતાઓનો નકારાત્મક ઉપયોગ પણ થતો જોવા મળે છે, ત્યારે દુઃખ, હતાશા અને વિનાશની સ્થિતિ પેદા થાય છે. આમ ચાલતી રહેતી વત્તીઓછી કામગીરી પછી પણ એકંદરે અનુકૂળતાઓ વધતી રહી છે, અગવડો ઘટતી રહી છે. જેને સાદી સમજણમાં વિકાસ કહીએ છીએ.

વિકાસ સકારાત્મક વલણોનો પરિપાક છે. સકારાત્મકતા મેંદી જેવી છે. જેના હાથમાં તે મુકાય છે, તેના હાથમાં તેની ચમક આવે જ છે, પણ જે મેંદી મૂકનાર છે, તેના હાથ પણ લાલાશથી ખીલે છે. વિકાસના આલેખનથી એક જરૂરી સુકૃત્ય થાય છે, ત્યારે તે લખાણના મુદ્દાઓ સાથે સંકળાયેલી બાબતોની ખૂબીઓ, લખનારના મનને સ્પર્શ કરીને ટપકે છે. તેમાંથી કેટલીક સમજણો નીપજે છે, જે લખનારની પરિપકવતાને ઘડનારી હોય છે.

વિકાસનું આલેખન મહદ્ અંશે સાંપડેલી સફળતાનું આલેખન હોય છે. સફળતા એ પ્રક્રિયાનું એક પરિમાણ છે. એક કક્ષાએ પહોંચતાં પહેલાં ઘણી મથામણો, પ્રયાસો અને સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. અથાક પરિશ્રમ અને ધીરજનો સથવારો લેવો પડે છે. એકધારી ચાલતી રહેતી કામગીરીના ચઢાવ-ઉતારમાં જ થાક ખાઈ લેવાનો હોય છે. લક્ષ્ય આધારિત આવી યાત્રા કોઈ ગહન દર્શન વગર આરંભાતી હોતી નથી, આમ દર્શનથી શરૂ થયેલી પ્રક્રિયામાં સફળતાના પરિમાણ સુધી પહોંચવાની તમામ બાબતો, હકીકતો અને આવડતોનાં ઘણાં પાસાંઓને સ્પર્શ કરે છે, જે નિરૂપણ માટેની એક ઉત્તમ કથાવસ્તુ હોય છે. આલેખનકાર જ્યારે લખવાનું શરૂ કરે તે પહેલાં આ અંગેની તમામ માહિતી મેળવે, સમજે અને તેને ક્રમમાં ગોઠવે, ત્યારે તેની પોતાની અંદર પણ એક યાત્રાનો આવિષ્કાર થતો હોય છે. જે સ્થિતિએ પહોંચવા માટે અસંખ્ય લોકોએ, અસંખ્ય દિવસો સુધી પાડેલા પરસેવાથી મેળવેલા અનુભવો આલેખનકારને ઘણી ઓછી મહેનતે સુલભ થાય છે. તેને લખતી વખતે આલેખનકારે પોતાની જાતને આ અનુભવ જગતથી અળગો રાખીને કોરા ન રહેવું જોઈએ. જો એમ થાય તો તેના પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. જે ઘેર બેઠા ગંગા જેવો લાભ છે.

વિકાસ બહુઆયામી હોય છે. તેમાં કહેવાતા વિકાસ કે ગણાવાતા વિકાસનો આભાસી ચહેરો દેખાય છે, તો ક્યારેક માનવીય ચહેરો પણ જોવા મળે છે. તે સંવેદનશીલ સમાજની રચનાનું કારણ બને છે. વિકાસ સાધન છે, તે લક્ષ્ય કે સાધ્ય ન હોઈ શકે. માનવ માત્રની સુખાકારી અને તેની નીપજ પેટે શાંતિ તેમ જ આનંદ પામતા સમાજના લક્ષ્ય માટે, વિકાસ સાધનની જરૂરિયાત પૂરી પાડે, તેની સમજણ આલેખનકાર પાસે હોવી જોઈએ. આ દૃષ્ટિથી જ્યારે વિકાસનું આલેખન થાય ત્યારે તેમાંથી સ્વસ્થ સમાજની છબીનું નિર્માણ થાય છે. જીવ માત્રની ઊંડાણમાંથી ઉઠતી લાગણીઓ આવા જીવનની જ હોય છે. જ્યારે આવા સ્પર્શથી આલેખન કરવામાં આવે તો વિકાસનું સમતોલ દર્શન આપી શકાય છે. વિકાસની દોડમાં લાગેલા ગાડરીયા પ્રવાહમાં આવું આલેખન એક દૃષ્ટિનિર્માણ કરે છે, તેમ જ લેખન-કૌશલ્ય પણ આપે છે. આવી રીતે થયેલું આલેખન સમગ્ર સમાજને સંવેદનશીલ બનાવવા ઉપરાંત, આશાવાદી પણ બનાવે છે. લખવાનું છે તેથી લખાય છે, તેના બદલે વિકાસના આવા અભિગમથી લખતાં એક સાથે ઘણી બધી નવી શક્યતાઓનું નિર્માણ થાય છે.

વ્યક્તિ, માત્ર પોતાની સમજણે કેળવેલા હિતનું સંવર્ધન કરવા મથતો હોય છે. સમાન હિતો ધરાવતા વ્યક્તિઓથી બનેલાં વિવિધ જૂથોની જુદી જુદી ઓળખ પ્રસ્થાપિત થયેલી છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રદેશ, ભાષા, રંગથી આગળ વધીને બનેલી સામાજિક, આર્થિક કે રાજકીય ઓળખોએ જીવનની મર્યાદાઓ ઊભી કરેલી જોવા મળે છે. પોતાના માટે મહત્તમ લાભો અંકિત કરી લેવાની ગણતરીથી થતાં પ્રયત્નો અને પરાક્રમોમાં બીજાને થતાં નુકસાન કે બેહાલીનો નજરઅંદાજ થતો જોવા મળે છે. બળિયાના બે ભાગના ન્યાયે વિવિધ પરિબળોને કારણે પાછળ રહી જનારના માનવીય ગૌરવ કે સામાજિક ન્યાયનો વિચાર નામશેષ થયેલો દેખાય છે. વ્યવહારવાદના જમાનામાં સબળાના સૌ સાથીદાર હોય છે, ત્યારે પાછળ રહી ગયેલા (કે પાછળ રાખી દેવાયેલા) અને પછાત તરીકેની ઓળખ ધરાવતા સમાજમાં થતો વિકાસ, આલેખન માટેની અગ્રતા ધરાવનાર ઠરે છે. આમ, આલેખનનો હેતુ વજનસભર ઠરે છે.

વિપરીત સંજોગો અને સમાન તકોનો અભાવ નિરાશાવાદને જન્મ આપે છે. પ્રોત્સાહક પરિબળોની ગેરહાજરી અને જીવનને ટકાવવામાં ખર્ચાઈ જતો પરિશ્રમ નિરાશાવાદને મજબૂત બનાવે છે, ત્યારે હેતુસરના વિકાસલક્ષી આલેખનથી નવી શક્યતાઓ ઊભી થતી જોવા મળે છે. નિરાશાના વાદળમાં ચમકતાં આશાકિરણ જેવી ઘટના આલેખનથી આકાર પામે છે. આવા દૃષ્ટિકોણથી લખાયેલા લેખની ધારદાર અસરો ઘણી વાર સમાજમાં જોવા મળે છે. તેમાંથી નવી શક્યતાઓ ઊભી થાય છે, ત્યારે આલેખનકારને પોતાની લેખનકર્મની મર્યાદિત કામગીરીને બદલે એક યુગકાર્યના વાહકનો અહેસાસ થાય છે. આશાના સંચારની ઉપકારકતા લેખનકાર્યથી નવા ઇતિહાસની કામગીરીનું અંકુરણ કરે છે, ત્યારે વિશેષ કાર્ય કર્યાનો આનંદ આલેખનકાર મેળવે છે.

અને છેલ્લે આપણી કહેવતનો સથવારો લઈએ તો -'આંગળી ચીંધ્યાનું પુણ્ય' તો આલેખનકાર માટે છે જ. આપણાથી જેટલું સારું થાય તેટલું કરવું તે માનવકર્મ છે. તેમાં યોગ્ય દિશાનિર્દેશ કરીને થયેલું આલેખન અનેકને ઉપયોગી બની રહેનારું હશે અને આપણને વ્યક્તિગત સંતોષ આપનારું પણ હશે જ.

(શ્રી સુખદેવભાઈ પટેલ, 'ગિજુભાઈ બધેકા બાળ અકાદમી' અને 'ગણતર'ના વડા છે.)