કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ નાગરિક ડૉ. રાધાકૃષ્ણન જાટ

અનેક વિકલાંગતા ધરાવતા લોકો પોતાના અધિકારોથી વંચિત રહી જાય છે: ડૉ. રાધાકૃષ્ણન જાટ - હિમાલી સિધ્ધપુરા 
ડૉ. રાધાકૃષ્ણન કે. જાટ અમરેલી જિલ્લાના ડી.ક્યુ.એ.એમ.ઓ. (ડિસ્ટ્રીક્ટ ક્વૉલિટી અસ્યોરન્સ મેડિકલ ઑફિસર) છે. છેલ્લાં 11 વર્ષથી તેઓ અહીં આ કામગીરી બજાવે છે. આ પહેલાં તેઓ ધારી તાલુકામાં દલખાણીયા વિસ્તારના બ્લૉક હૅલ્થ ઑફિસર હતા. માર્ચ 2008થી તેઓ અમરેલી જિલ્લામાં મેડિકલ ઑફિસર તરીકે સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત છે. ખૂબ જ સરળ અને રમૂજવૃત્તિ ધરાવનાર શ્રી જાટ સાહેબ એક કુશળ વહીવટકર્તા છે એટલું જ નહીં, પરંતુ એક સંવેદનશીલ નાગરિક પણ છે. આજે તેઓ જે સત્તા પર બેઠેલા છે તેનો કઈ રીતે યોગ્ય ઉપયોગ કરી શકાય તે વાત શ્રી જાટ સાહેબ ખૂબ સારી રીતે જાણે છે. 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ' (એચ.આઈ.) સાથેનો તેમનો સંપર્ક 2009ની સાલના જાન્યુઆરી મહિનાથી છે. ત્યારથી તેઓ પોતે પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણાં પરિવર્તનો આવેલાં અનુભવે છે.  

જાન્યુઆરી 2009માં 'એચઆઈ' સંસ્થા દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તેમાં મુખ્ય કામગીરી ડૉ. રાધાકૃષ્ણનની હતી. ગ્રામ સ્તરે આ સમયે એક સર્વે કરવામાં આવ્યો હતો. અને આ સર્વેથી જ સરકારનું 'એચઆઈ' સાથે સીધું જોડાણ થયું. આ સર્વેમાં કેટલીક મહત્ત્વની આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થઈ હતી. તે મુજબ શૂન્યથી એક વર્ષની વયનાં 3 ટકા બાળકો, 1થી 6 વર્ષની વયનાં 1.6 ટકા બાળકો, 6થી 14 વર્ષની વયનાં 13.7 ટકા કિશોર-કિશોરીઓ, 14થી 60 વર્ષની વયના 72.8 ટકા લોકો તથા 60થી વધુની વય ધરાવતા 61 ટકા લોકોમાં વિકલાંગતા જોવા મળી હતી. ત્યારબાદ આ સર્વેમાં જાતિ આધારે પણ ગણતરી કરવામાં આવી હતી. તો જનરલ કેટેગરીના 36 ટકા લોકોમાં, એસ.ટી.ના 16.9 ટકા લોકો તેમ જ અન્ય પછાત વર્ગના 40.1 ટકા લોકોમાં વિકલાંગતા જોવા મળી હતી. અભ્યાસની દૃષ્ટિએ આ સર્વેમાં કંઈક આ પ્રમાણેની માહિતી મળી: 46.1 ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાવ નિરક્ષર હતા, બારમા ધોરણ સુધી અભ્યાસ કરેલો હોય તેવા 37.9 ટકા લોકો, 10થી 12 ધોરણ સુધી ભણેલા 5.6 ટકા લોકો, 12થી સ્નાતક થયેલા 3.7 ટકા લોકો, પોસ્ટ ગ્રેજ્યુએશન કે તેથી વધુ અભ્યાસ કરેલા માત્ર 1.9 ટકા લોકો જોવા મળ્યા હતા. 

ડૉ. રાધાકૃષ્ણનના જણાવ્યા અનુસાર તેમને આ સર્વે દ્વારા મળેલી માહિતી ખૂબ અગત્યની હતી. કારણ કે હવે આ માહિતીના આધારે જ તેઓ પોતાની આગળની કામગીરી હાથ ધરવાના હતા. આ માટે તેમણે શરૂઆત કરી મિટિંગ તથા વર્કશોપથી. આ માટે તેમણે બ્લૉક હૅલ્થ ઑફિસરો, સુપરવાઈઝર, સીડીપીઓ તથા અન્ય અધિકારીઓને બોલાવ્યા. ત્રણ દિવસના વર્કશોપનું આયોજન કર્યું. આ વર્કશોપમાં દરેક અધિકારીને 'એચઆઈ' દ્વારા હાથ ધરાનાર કામની તમામ માહિતી અપાઈ. વિકલાંગતા શું છે, તેમાં કેટલી અને કઈ કેટેગરી આવે છે, તેમાં ફૉર્મ કઈ રીતે ભરવા, ક્યાંથી લાવવા વગેરે જેવી માહિતી આપી. ત્યાર બાદ આ જ વર્કશોપ નીચલા સ્તરે આંગણવાડીના કાર્યકરો તથા બ્લૉક લેવલ પર યોજવામાં આવ્યો. ત્યાં પણ તમામ લોકોને આ જ માહિતીથી વાકેફ કરવામાં આવ્યા. આ વર્કશોપનું કામ પૂર્ણ થતા તાલીમ અપાવવાની શરૂઆત કરવામાં આવી. આ તાલીમ શિબિરો સૌપ્રથમ અમરેલીમાં યોજાઈ. ત્યારબાદ બ્લૉક લેવલે તેના ફૉર્મ ભરાયા. ત્યારબાદ તેની આંકડાકીય માહિતી મેળવવામાં આવી. અને અંતમાં એ તમામનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. 

'એચઆઈ'ના સંપર્કમાં આવ્યા પહેલાં અને પછીમાં શું ફરક આવ્યો? આ પ્રશ્નના જવાબમાં શ્રી જાટ જણાવે છે, "પહેલાં તો અમને પોતાને જ નહોતી ખબર કે ખરેખર આ લોકોને કયા લાભ મળવા જોઈએ? તેમના કાયદાઓ કયા છે? તેમની જરૂરિયાતો કઈ છે? અને તેને કઈ રીતે પૂરી કરવી? પરંતુ, હવે જરૂર પ્રમાણે બધાને બધું જ આપી શકીએ છીએ." 'એચઆઈ'ની આ પ્રવૃત્તિઓ બાદ આવેલાં પરિવર્તન વિશે જણાવતા ડૉ. જાટ કહે છે, "આ પ્રકારના કાર્યક્રમોથી અમારા કાર્યકરો પણ હવે જાગૃત બન્યા છે અને તેઓ હવે સીધા જ જે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ આવે તેને બધા દસ્તાવેજો એક સાથે જ લાવવાનું માર્ગદર્શન આપે છે. જેથી વારેઘડીએ તેમને અહીં આવીને હેરાન ન થવું પડે." એચઆઈના કાર્યક્રમોથી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓમાં પણ ઘણી જાગૃતિ આવી છે. તાલુકા સ્તરે સર્ટિફિકેટ વહેંચવા માટે હવે નિયમિત રીતે કૅમ્પનું પણ આયોજન થાય છે. શ્રી જાટ સાહેબ જણાવે છે, 'અમે એ બાબતે સંવેદનશીલ બન્યા છીએ કે વાસ્તવમાં આ લોકોની સમસ્યા શું છે અને તેની સમસ્યાનું મૂળ ખબર પડતાં તેનો હવે ઉકેલ શોધવાનું સરળ બન્યું છે." શરૂઆતમાં વૉલ પેઇન્ટિંગ, પોસ્ટરો વગેરે દ્વારા જાગૃતિ કાર્યક્રમોમાં કામ કરવામાં આવતું. જેથી લોકો તેના વિશે જુએ, સમજે અને આવા કાર્યક્રમોમાં આવે, પરંતુ ડૉ. રાધાકૃષ્ણન જણાવે છે તેમ હવે જાતે જ લોકો આવતા થયા છે, પોતાની જરૂરિયાતો જણાવતા થયા છે અને સવાલો પણ પૂછતા થયા છે. અત્યારે નવા તૈયાર થઈ રહેલા તમામ સરકારી કે જાહેર બાંધકામો કે ઇમારતોમાં રૅમ્પ મૂકવામાં આવે છે અને જે જૂની ઇમારતો કે મકાનોમાં તે નથી તેમાં નવેસરથી તેની ગોઠવણી કરવામાં આવે છે. 

લોકોમાં તેના વિશે જાગૃતિ કેળવવામાં આવે છે. આ સંદર્ભમાં ડૉ. રાધાકૃષ્ણનને થયેલા એક અનુભવ વિશે વાત કરતા તેઓ જણાવે છે, "જ્યારે હું દલખાણીયામાં હતો ત્યારે ત્યાં એક પ્રોજેક્ટ થયો હતો. ત્યાં 11 વર્ષના એક છોકરાને પણ આવવાનું હતું. તેને બે પગ નહોતા. મને વિચાર આવ્યો તે કઈ રીતે આવશે. પરંતુ, ત્યારે મને આવી રૅમ્પની સુવિધા પણ હોવી જોઈએ તેની પણ માહિતી નહોતી." શ્રી જાટના કહેવા મુજબ મોટાભાગના વિકલાંગતા ધરાવતા લોકો જાગૃતિના અભાવે પોતાના હક અને ફરજોથી વંચિત રહી જાય છે. તેથી તેમના મા-બાપ અને પરિવારને આ બાબતે જાગૃત કરવા તથા માહિતી આપવી જરૂરી છે. પોતાને થયેલા સારા કે ખરાબ અનુભવો વિશે જણાવતા ડૉ. રાધાકૃષ્ણન કહે છે, "મને હંમેશાં સારા અનુભવો જ થયા છે અને સૌથી મોટી વાત એ છે કે મને એ ખબર પડી કે હું લોકોના કામમાં આવું છું." ડૉ. રાધાકૃષ્ણન વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સમાજને સંદેશ આપતા જણાવે છે, "સમાજે આવા લોકો પ્રત્યે જરા પણ ભેદભાવ ન રાખવો જોઈએ કે તેમને મજબૂર લાચાર પણ ન સમજવા જોઈએ. તેમની આવડતનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તેમનો આઈ.ક્યુ. લેવલ ક્યારેય ઓછો નથી હોતો. વાસ્તવમાં તો મૂળ ઑફિસરો પોતે નથી જાણતા તો તેઓ લોકોને ક્યાંથી કહેશે!" અને અંતમાં જીવનની ફિલસૂફી અને વાસ્તવિકતા જણાવતા ડૉ. રાધાકૃષ્ણન કહે છે, "સંઘર્ષ તો દરેક જગ્યાએ રહેવાનો જ છે. પરંતુ તમે જે કામ કરો છો તેમાં જો 80 ટકા સારું કામ થાય તો બાકીના 20 ટકા ખરાબ કામને ભૂલી જવું જોઈએ."