વિકલાંગોનું સમાજમાં પુનર્વસન થાય તે જરૂરી

વિકલાંગોની દશા જોઇને તેને દિશા આપવી જોઇએ: રાજેશભાઇ બારોટ  
- દિલીપ વસાવ

વિકલાંગ વ્યક્તિઓને સામાન્ય વ્યક્તિની જેમ જીવવાનો હક પૂરો પાડવા કે તેના પુનર્વસન માટે તેની દશા જોઇને દિશા આપવી જોઇએ." આ શબ્દો છે વલસાડ ખાતે આવેલા 'રાષ્ટ્રીય અંધ જન મંડળ'માં શિક્ષક તરીકે છેલ્લાં બાવીસ વર્ષથી ફરજ બજાવતા રાજેશભાઇ બારોટના. રાજેશભાઇ મૂળ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની છે. આઠ સભ્યોના પરિવારમાં પાંચ બહેનોની વચ્ચે એક માત્ર ભાઇ હતા. જેના પગલે સ્વાભાવિક રીતે જ પરિવારમાં લાડકોડથી ઉછર્યા હતા.

આર્થિક રીતે પરિવારની પરિસ્થિતિ ખૂબ સારી ન હતીસ, પરંતુ અભ્યાસ સારો હોવાના કારણે ગામથી દોઢ કિલોમીટરના અંતરે આવેલી પીપલ ગભાણા ગામની સાર્વજનિક હાઇસ્કૂલમાં ધોરણ-11માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કર્યો હતો. બારમા ધોરણમાં હતા તે સમયગાળામાં મિત્રો સાથે ગિલ્લી ડંડા રમતી વેળા ડાબી આંખમાં ગિલ્લી વાગી હતી. ઘણી સારવાર કરવા છતાં આંખને પાછી મેળવવામાં નિષ્ફળતા મળી. એક આંખ ગુમાવ્યા બાદ જમણી આંખને પણ અંદરના ભાગે તેની અસર થઇ. પરિવાર ખૂબ ગરીબ હોવાના કારણે આંખની સારવાર માટે નાણાંની સગવડ ન થઇ એટલે દેશી દવાઓ ચાલી રાખી. તેનાથી કોઇ ફરક નહીં પડતાં આખરે જમણી આંખ પણ ગુમાવી અને વર્ષ 1987માં સંપૂર્ણ અંધત્વ આવી ગયું. 


માત્ર 20 વર્ષની ઉંમરમાં આવી તકલીફ થતાં તેમનો પરિવાર પણ મૂંઝવણમાં મુકાઇ ગયો. છતાં એ જ વર્ષે મુંબઇના વરલી સ્થિત 'અંધ જન મંડળ' ખાતે સંપર્ક કરી રિહેબિલિટેશન, હોમ સાયન્સ, બ્રેઇલ લિપિ, ઑબેસિટી, ટેલિફોન ઑપરેટિંગ,વૉકર્સ સહિતની ટ્રેનિંગ મેળવી હતી. રાજેશભાઇ વર્ષ 1988માં 'અંધ જન મંડળ'માં જોડાયા. બાદમાં બીજા વર્ષથી પુખ્તવયના વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ શિક્ષક તરીકે કામગીરી શરૂ કરી. વર્ષ 1994થી તેમને ઑપરેટર ઇન્સ્ટ્રક્ટર તરીકેની પણ કામગીરી સોંપવામાં આવી છે. રાજેશભાઇ હાલમાં પણ આ જ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ'(એચઆઇ) સાથેના સંપર્ક અંગે તેઓ જણાવે છે કે, "એપ્રિલ 2010માં વલસાડની મદિના પેલેસ ખાતે 35 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે 'એચઆઇ'એ મિટિંગ યોજી હતી. તેેમાં હાજર રહેવાથી તેમના પ્રોજેક્ટ અંગે માહિતી મળી. બાદમાં આ માધ્યમ થકી વિકલાંગો સાથે કામ કરવાની તક મળશે તેવું જણાતા 'એચઆઇ' સાથે જોડાયો" સમાજમાં વિકલાંગો પ્રત્યે પ્રવર્તી રહેલી માન્યતાઓ સંદર્ભે તેઓ પોતાની જ વાત આગળ માંડતા જણાવે છે કે, " મને જ્યારે બન્ને આંખે અંધત્વ આવ્યું ત્યારે પરિવાર પણ ભાંગી પડ્યો હતો. આવા સંજોગોમાં સમાજનું વલણ પણ જાણે તુચ્છતાભર્યું લાગ્યું હતું. જોકે, ખૂબ ઝડપથી વૉકેશનલ ટ્રેનિંગ લઇ 'અંધ જન શાળા'માં જોડાયો ત્યારે એવું લાગ્યું કે, લોકોએ જાણે એક વ્યક્તિ તરીકે મને સ્વીકૃતિ આપી છે. 

શિક્ષક તરીકેની ફરજ વેળા સોનગઢથી વલસાડ સુધી છ વર્ષ એસ.ટી.બસમાં અપડાઉન કર્યું. આ સમયગાળા દરમિયાન બસમાં થતા ચિત્ર-વિચિત્ર અનુભવો વિકલાંગો પ્રત્યેની સામાન્ય લોકોની માનસિકતા સહજતાથી બતાવી દેતા હતા." પોતાની વાતને આગળ ધપાવતા તેઓ કહે છે,"લગ્ન માટે ચિખલી તાલુકાના સાદકપોર ગામે રહેતા પરિવારમાંથી ભારતીબહેને તૈયારી દાખવતા ઘણા વિરોધો થયા હતા. બે વર્ષની રકઝકને અંતે બન્ને પરિવારની સહમતિથી લગ્ન થયાં. પત્નીને કોઇ પણ પ્રકારની વિકલાંગતા ન હોવાથી જીવનમાં એક સહારો મળી ગયો. આજે એક દીકરો અને એક દીકરી સાથેનો ચાર સભ્યોનો પરિવાર સુખેથી જીવન પસાર કરી રહ્યા છે. બન્ને બાળકો નોર્મલ છે, તેમને કોઇ પણ પ્રકારની વિકલાંગતા નથી. જ્યારે પત્ની પણ વિકલાંગ બહેનોની સેવા અર્થે 'અંધ જન મંડળ'ની બહેનોના છાત્રાલયમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવી રહ્યા છે." 'એચઆઇ'ના સંપર્કમાં આવ્યા બાદ સંસ્થા સિવાયના અન્ય વિસ્તારોમાં વિકલાંગો માટે કામ કરવાની તક મળી, જેની ખુશી વ્યક્ત કરતાં રાજેશભાઇ કહે છે કે, "ડિસેમ્બર 2010માં યોજાયેલી વિકલાંગતા જાગૃતિ યાત્રામાં સક્રિયતાથી ભાગ લઇ એનાઉન્સર તરીકે કામગીરી કરી હતી.આ સમય દરમિયાન 15 જેટલાં ગામોમાં ફરતાં 400 કરતાં વધુ વિકલાંગો મળી આવ્યા હતા. કેટલાક વિસ્તાર-ગામોમાં વિકલાંગોને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં રખાતા હોવાની વાત બહાર આવતા તેમની આવી સ્થિતિ જાણી ખૂબ દુઃખ થયું હતું." પરંતુ, આનંદની લાગણી સાથે તેઓ જણાવે છે કે, " આવા વિકલાંગો સાથે મળી તેમનામાં તથા વાલીઓમાં જાગૃતિનો અભાવ હોઇ ધરમપુર ખાતે ખાસ કૅમ્પ યોજવામાં આવ્યો. તેમાં 300 કરતાં વધુ વિકલાંગોને એક સાથે વિકલાંગતાનું પ્રમાણપત્ર અપાવતા ઘણો આનંદ થયો હતો." 

જાગૃતિ યાત્રા દરમિયાન થયેલા અન્ય એક અનુભવની વાત માંડતા તેઓ જણાવે છે કે,"વલસાડની ખૂબ જ નજીકમાં આવેલા અને આધુનિક ઢબ વચ્ચે રહેતા 500 લોકોની વસ્તીવાળા ડુંગરી ગામમાંથી 100 જેટલા વિકલાંગો મળી આવ્યા હતા. તેમની પાસે ન તો કોઇ સર્ટિ હતું કે ન કોઇ સરકારી લાભ લીધો હતો." લોકોમાં જાગૃતિના અભાવને કારણે તેમ જ સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ દ્વારા ખવડાવવામાં આવતા ધક્કાને કારણે વિકલાંગ વ્યક્તિઓને મળવાપાત્ર લાભ મળતા નથી. વિકલાંગોને સામાન્ય વ્યક્તિની જેમ સ્વમાનભેર જીવવાનો હક અપાવવા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સહભાગી બની શકે તેવું તેમનું કહેવું છે. ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓને સરકાર તરફથી અનેક સહાયની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ માહિતીના અભાવે તેનો લાભ વિકલાંગો લઇ શકતા નથી. આવા સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ વિકલાંગોને યોજનાઓથી માહિતગાર કરી તેનો લાભ અપાવી શકે છે. ટૂંકાગાળાની ધંધાકીય તાલીમ આપી પગભર કરી શકે છે. વિકલાંગો પ્રત્યે લોકોમાં હજી જાગૃતિનો અભાવ જોવા મળે છે. જેના માટે સામાન્ય લોકોમાં પણ વિકલાંગો પ્રત્યે હકારાત્મક વલણ ઊભું કરવા માટે વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો થકી તેમાં બદલાવ લાવી વિકલાંગોને સામાન્ય પ્રવાહ સાથે જોડી શકાય. વિકલાંગતા જાગૃતિ માટે ગ્રામ સભા કે અન્ય કોઈ સામૂહિક કાર્યક્રમમાં વિકલાંગતાના મુદ્દા ઉપર ચર્ચા કરી તેમને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેની વિચારણા કરી વિકલાંગોને સ્વમાનભેર જીવવા માટે તક આપવી જોઇએ. 

વધુમાં રાજેશભાઇએ જણાવ્યું કે," વિકલાંગોને બે પ્રકારના જૂથમાં વહેંચી તેમની જરૂરિયાત મુજબની તાલીમ આપવી જોઇએ. બે જૂથો પૈકી પ્રથમ વિભાગમાં શૂન્યથી 18 વર્ષની ઉંમરના અને બીજા વિભાગમાં 19થી ઉપરના તમામ વિકલાંગોને સમાવી વયમર્યાદા મુજબ વિવિધ પ્રકારની તાલીમ આપી તેમને પગભર કરી શકાય. જેના થકી વિકલાંગો પોતે પગભર બની સામાન્ય વ્યકિતની માફક જીવન વ્યથિત કરી શકે." 'એચઆઇ' સાથે જોડાયા બાદ રાજેશભાઇ પાંચ કરતાં વધુ શિબિરોમાં ભાગ લઇ ચૂક્યા છે. હજી પણ સરકારી કચેરીઓના ધક્કા ખાતા વિકલાંગોને તેમની ઓળખનાં પ્રમાણપત્રો અપાવવા સહિત અન્ય લાભોથી માહિતગાર કરવા માટે સતત તત્પર રહે છે. 'એચઆઇ' સાથે કામ કરવા માટે સમય ખૂબ ઓછો પડે છે. વિકલાંગોની વસતિના પ્રમાણમાં તેમના સુધી પહોંચવા માટે ખૂબ સમય જોઇએ. વસતી ગણતરીમાં જે વિકલાંગોની વસતી દર્શાવવમાં આવે છે તેતો માત્ર કહેવા પૂરતી છે. સાચી સ્થિતિ તો ઘરે ઘરે જઇએ તો જ ખ્યાલ આવે. જો હજી પણ વધારે સમય મળ્યો હોત તો ઘણું કામ આટોપી શક્યા હોત, કારણ કે ખૂબ ઓછા સમયની અંદર પણ ઘણું કામ આટોપી શકાયું છે. 

વર્ષો સુધી કોઇ સંસ્થા એક જ વિસ્તારને કેન્દ્રમાં રાખીને કામ કરે તો સારી પેઠે કામ થાય તેમ છે. 'એચઆઇ'સાથે કામ કરતા થયેલા સુખદ અનુભવોને યાદ કરતા તેઓ આનંદભેર કહે છે," ખૂબ ઓછા સમયમાં પણ 400 જેટલા વિકલાંગોને પ્રમાણપત્રો અપાવી શક્યા. કેટલાક પરિવારોમાં મુખ્ય વ્યક્તિ વિકલાંગતા ધરાવતી હોય તો તેવા પરિવારોને બીપીએલમાં સમાવવા માટે પ્રયાસ કર્યો, વિકલાંગતા ધરાવતા પુખ્ત વયના લોકોને જોબકાર્ડ અપાવ્યા એમ 'એનઆરઇજી'નો પણ લાભ અપાવ્યો. જો આમ કોઇ એક પ્રવાહમાં કામ થતું રહે તો ભવિષ્યમાં ખૂબ સારાં પરિણામો મેળવી શકાય તેમ છે." તેમના ભાવિ આયોજન અંગે કહે છે કે,"બને એટલા વધુ વિકલાંગ વ્યકિતઓ સુધી પહોંચવું, આવા વિકલાંગોનું પુનર્વસન થાય તે મારો મુખ્ય ઉદ્દેશ છે. જેના માટે હવે દિશા મળી ગઇ છે તો તે માર્ગ ઉપર ચાલી સંસ્થામાં શિક્ષક તરીકેની મુખ્ય જવાબદારીની સાથે સ્વૈચ્છિક રીતે પણ કામ કરવાની માનસિકતા કેળવી લીધી છે.