પોતાનાથી વધારે તકલીફવાળા લોકોને જોઇને બળ મળે છે: પ્રવીણભાઈ વાઘેલા

જાગૃત પ્રવીણભાઇએ અનેક પ્રશ્નો બાબતે મોરચા માંડીને લોકોને ન્યાય અપાવ્યો છે - ઉત્કંઠા ધોળકીયા' સ્વામી વિવેકાનંદ યુવક મંડળ' ના પ્રમુખ, 'વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ'માં મહામંત્રી હૉસ્પિટલના સેવાભાવી ગ્રુપમાં સક્રિય સદસ્ય, વાંઝા જ્ઞાતિ મંડળના મહામંત્રી, આ પરિચય છે જામનર જિલ્લાના જામખંભાળિયાના પ્રવીણભાઈ લાલજીભાઈ વાઘેલાનો. 20 વર્ષથી વિકલાંગતાનાં ક્ષેત્રમાં કામ કરનારા પ્રવીણભાઈને પોતાને પણ પગની તકલીફ છે. પણ મજબૂત મનોબળ અને અતૂટ-અખૂટ આત્મવિશ્વાસ તેમના બે પગની જગ્યા સંભાળી લે છે. જીવનમાં સતત સંઘર્ષ કર્યો છે. 

પ્રવીણભાઈ કહે છે. પણ એ સંઘર્ષે તેમને તોડી નાખવાને બદલે વધારે મજબૂત બનાવ્યા છે. દસમા ધોરણની બૉર્ડની પરીક્ષાનો સમય તેમને હજી પણ યાદ છે. શાળામાં તેમનો નંબર ઉપરના માળે આવેલો. આચાર્યને મળીને તેમણે પોતાની જગ્યા નીચેના વર્ગમાં આપવાની રજૂઆત કરી. આચાર્યએ સંમતિ પણ આપી. પરીક્ષાના પહેલા જ દિવસે પેપર શરૂ થવાના થોડા સમય પહેલાં જ પ્રવીણભાઈ પોતાના ભાઈ સાથે શાળાએ પહોંચ્યા. આચાર્યશ્રીને મળ્યા. આચાર્ય અચાનક ફરી ગયા. તેમણે જડ વલણ અપનાવીને પ્રવીણભાઈને કહી દીધું કે, જગ્યા નહીં બદલાય. પ્રવીણભાઈ એક મિનિટ હચમચી ગયા. પણ હાર માને એ પ્રવિણભાઈ શેના? પરીક્ષા તો તેમણે આપી દીધી. પરીક્ષા પછી તેઓ આખા જામખંભાળિયામાં ફર્યા અને શારીરિક તકલીફવાળી વ્યક્તિઓની યાદી બનાવી. નાનકડું મંડળ શરૂ કર્યું. દર વર્ષે બૉર્ડની પરીક્ષા સમયે દરેક શાળાને પત્ર મોકલાવે કે તમારી શાળામાં આ વર્ષે કોઈ વિકલાંગ વિદ્યાર્થી છે? તેને યોગ્ય સગવડ આપશો. તે જ રીતે સામે પક્ષે જે વિકલાંગ વિદ્યાર્થી હોય તેને પણ મળે, સમજાવે. 'હવે તો ઘણો ફરક આવી ગયો છે' પ્રવીણભાઈ કહે છે, 'કાયદાઓ પણ છે, જાગૃતિ પણ છે.' 

 ચાર વર્ષ પહેલાં તેમણે ' વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' ની સ્થાપના કરી. જે જામનગર જિલ્લાના જામખંભાળિયા, જામકલ્યાણપુર, લાલપુર, ભાણવડ અને જામજોધપુર એમ પાંચ તાલુકાને આવરીને અંદાજે 300 ગામોમાં કાર્યરત છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ વિવિધ પ્રકારની કામગીરી કરે છે. જેમ કે, જનજાગૃતિના કાર્યક્રમો, વ્યવસાયિક તાલીમ, રોજગારલક્ષી સેવાઓ, કારકિર્દી, વૈવાહિક જીવન જેવા મુદ્દાઓ માટે સલાહ-સૂચન તથા પરામર્શન, કાર્યકર્તાઓને વિવિધ તાલીમો અપાવવી, સહાયક સાધનો તથા ઉપકરણો મેળવવા માટે સંકલન તથા જોડાણ કરી આપવું, પ્રમાણપત્રો તથા યોજનાઓના લાભ મેળવવા માટે સહયોગ, વિકલાંગતાની આકારણી અને પ્રમાણપત્રીકરણ માટે શિબિરોનું આયોજન, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે વાચકો કે લહિયા પૂરા પાડવા જેવી અનેક કામગીરી તેમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 

2009માં અમદાવાદ ખાતે આયોજિત એક સેમિનારમાં તેમને ' હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ' સંસ્થાનો પરિચય થયો. " સંસ્થા સાથે કામગીરી કરવાની તક મળી. સંસ્થા પાસેથી પ્રવીણભાઈને ઘણી જાણકારી મળી. સંસ્થાના પ્રતિનિધિઓ એકએક વિકલાંગને રૂબરૂ મળતાં" તેમ પ્રવીણભાઈ કહે છે. પ્રવીણભાઈ કહે છેઃ મારું ટ્રસ્ટ લડાયક મૂડવાળું મંડળ છે. વિનંતીની વાત જ નહીં. હા, ઉપવાસના ગાંધીચીંધ્યા માર્ગે રજૂઆત કરે કરવામાં આવે છે. જેની સામે વાત રજૂ કરવાની હોય તેની સામે માંડવો નાખીને બેસી જવાનું. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના પ્રશ્ને ખંભાળિયા તાલુકા પંચાયત તથા વિકલાંગતાના પ્રમાણપત્રના પ્રશ્ને ખંભાળિયા સિવિલ હૉસ્પિટલ સામે આવા માંડવા નાખીને જ તેમણે સફળતા મેળવી હતી. વિકલાંગતા માટે કાર્યરત સંસ્થાઓ માટે પ્રવીણભાઈ માને છે કે સાધન સગવડ આપે તે નહીં, પણ વિકલાંગતાને રોજીરોટી, સ્વમાન, લાગણી, સહાનુભૂતિ આપે તે જ સાચી સંસ્થા. આ જ લક્ષ્ય સાથે કામ કરતાં પોતાનાં ટ્રસ્ટનો પરિચય આપતાં પ્રવીણભાઈ ઉમેરે છે કે, " આ તો જેહાદ છે વિકલાંગોને જે સહેવું પડે છે તેના માટે બાકી વસ્તુઓ આપનારા તો ઘણા મળી રહેશે." 

ત્રીજી ડિસેમ્બરના ' વિશ્વ વિકલાંગ દિવસ' ની ઉજવણી માટે પ્રવીણભાઈ દર વર્ષે દરેક પ્રકારની તકલીફ ધરાવતી વ્યક્તિઓને આમંત્રણ આપે છે. હું માનું છું કે પોતાનાથી વધારે તકલીફવાળા લોકોને જોઈને બળ મળે. પોતાની તકલીફને સહન કરવાની તાકાત મળે તેવું પ્રવીણભાઈ કહે છે. ફિલ્મો તથા જૉક્સની ઑડિયો કેસેટ્સ જેવાં માધ્યોમોમાં વિકલાંગ ધરાવતા લોકો તથા વિકલાંગતાને ખૂબ ખરાબ રીતે રજૂ કરવામાં આવે છે. તે બાબત માટે પ્રવીણભાઈને ખૂબ આક્રોશ છે. તેમણે ફિલ્મ દિગ્દર્શકને તથા હાસ્ય કલાકારોને આ વિશે પત્ર લખીને વિરોધ નોંધાવેલો. ' મને જવાબ પણ મળેલો. પણ હું માફી મંગાવવા નથી માગતો. લોકોને સંવેદનશીલ કરવા ઈચ્છું છું.' પ્રવિણભાઈ ઉમેરે છે. જામખંભાળિયાની લાયન્સ ક્લબ દ્વારા અપાતું તેજસ્વી, વિશિષ્ટ વ્યક્તિ માટેનું પારિતોષિક પ્રવીણભાઈને મળ્યું છે. પ્રવીણભાઈ અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે, 35 વાર તો તેઓ રક્તદાન કરી ચૂક્યા છે. 

વિકલાંગો માટે રોજી અને તે માટે લોનને અગત્યનો મુદ્દો જણાવતા પ્રવીણભાઈ કહે છે કે ' એચઆઇ ' જેવી સંસ્થા આ ક્ષેત્રમાં સહયોગ આપી શકે. જેમ કે, વિકલાંગ કાર્યકર્તાને નિમણૂક આપવા માટે સમસંવેદનાથી બીજી વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમજાવી શકાય. તેમને આવક પણ મળે અને માન પણ. પ્રવીણભાઈની મુલાકાત લેવાનું થયું ત્યારે તેમનો ત્રણ મહિનાનો પુત્ર ન્યુમોનિયાની અસર હેઠળ હતો અને તેમનાં 70 વર્ષીય માતા શ્વાસની તકલીફથી હૉસ્પિટલમાં દાખલ હતાં. આવા સંજોગો વચ્ચે પણ મુલાકાતનું વચન આપેલું હોવાથી પૂરતી ધીરજ, લાગણી, પ્રેમ અને નિસબતથી પ્રવીણભાઈએ શાંતિથી વાત કરી. તેમની આ સંવેદનશીલતા અને ધીરજને સો સો સલામ.