વિકાસલક્ષી પત્રકારત્વના વ્યવહારુ તત્વો

પ્રો. હેમન્તકુમાર શાહ
વિકાસલક્ષી પત્રકારત્વ એ ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ બાદ ઊભી થયેલી વિકાસની સાર્વત્રિક માગનું સંતાન છે. જે સંસ્થાનો સ્વતંત્ર થતાં ગયાં ત્યાં વ્યાપક ગરીબી પ્રવર્તમાન હતી તેથી વિકાસનો માર્ગ અપનાવવાનું તેમને માટે ત્યારે આસાન બને કે જ્યારે વિકાસ વિશે માધ્યમો પ્રચાર-પ્રસાર કરે એમ સમજાવવામાં આવ્યું. એટલે માધ્યમોની ભૂમિકા વિકાસની દિશા નક્કી કરવામાં અને વિકાસને વેગ આપવામાં વિધાયક છે એમ સ્વીકારવામાં આવ્યું અને તેથી જ માધ્યમોની આ ક્ષેત્રની ભૂમિકા કેવી રીતે સુગઠિત કરી શકાય તે મહત્ત્વનો મુદ્દો બની ગયો. વિકાસલક્ષી પત્રકારત્વમાં તેથી પ્રકાશક સંગઠન અને તેમાં લેખનકાર્ય કરનારા પત્રકારો અને લેખકોની વિશેષ જવાબદારી ઊભી થાય છે પણ વિકાસ કોનો, વિકાસ કેવો, વિકાસ શાને માટે, વિકાસ કોને માટે, વિકાસ કોને ભોગે અને વિકાસ કેવી રીતે એ બધા મુદ્દાઓ વિશે પણ પ્રકાશક અને માલિકની દૃષ્ટિ કેળવાવી જોઈએ અને એ જ રીતે આ પ્રશ્નો વિશે પત્રકાર કે લેખક પણ સુસજ્જ હોવા જોઈએ. તેથી કેટલાંક મૂલ્ય વિધાનો સાથે બંનેએ વર્તવું પડે છે અને જે તે સમાજ, સમુદાય અને રાજ્યની ભૂમિકા વિકાસમાં શી હોય તેને ખ્યાલમાં રાખીને તેમણે લેખનકાર્ય કરવાનું રહે છે. આ સંદર્ભમાં વિકાસલક્ષી પત્રકારત્વનાં વ્યવહારુ તત્ત્વો નીચે મુજબ જણાય છેઃ હકીકતો  કોઈ પણ સમસ્યા વિશે કે વિકાસના કોઈ કાર્ય વિશે લેખનકાર્ય કરતા હોઈએ ત્યારે હકીકતોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આ હકીકતો બે પ્રકારની હોય છેઃ  1. ગુણાત્મક હકીકતો આ પ્રકારની હકીકતો આંકડામાં દર્શાવી શકાતી નથી, પણ તે ખૂબ જ અગત્યની છે. તેનાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પાસાંનો સમાવેશ થાય. જેમ કે, પંચાયતનાં મહિલા સરપંચે કરેલાં વિકાસનાં કામો વિશે લેખન કરતા હોઈએ ત્યારે કામોનો જથ્થો એટલે કે પ્રમાણ જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વનું મહિલા સરપંચે કયા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય અવરોધો વચ્ચે અને વહીવટી ગૂંચવણો વચ્ચે કામ કર્યું તે છે. એ અવરોધોને પાર કરવાની કઈ વ્યૂહરચનાઓ તેમણે અપનાવી, એમાંની કઈ વ્યૂહરચનાઓ સફળ થઈ અને કઈ નિષ્ફળ ગઈ, સફળતા અને નિષ્ફળતાનાં કારણો કયાં છે અને સાથે સાથે તેમાં સફળતા અને નિષ્ફળતાનું પ્રમાણ કેટલું રહ્યું એની વિગતો મહત્ત્વની બને છે. અહીં આંકડા કરતાં વધુ મહત્ત્વ પ્રક્રિયાનું છે. કઈ રીત, કઈ પ્રક્રિયા જે તે વ્યક્તિને સફળતા તરફ લઈ જાય છે એ અગત્યનું બને છે, કારણ કે તે જ બીજા લોકો માટે ઉદાહરણરૂપ બનતું હોય છે. વળી, જ્યારે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા કે જૂથ કે સમુદાયના વિકાસની પ્રક્રિયા વિશે લેખન કરતા હોઈએ ત્યારે એવા જ પ્રકારની વિકાસની પ્રક્રિયા કે અન્ય પ્રકારની વિકાસની પ્રક્રિયા સાથે તેની તુલના પણ કરી શકાય. આવું ઉદાહરણ સમગ્ર બાબતને વધુ સ્પષ્ટ અને ઉજાગર કરવામાં ઘણી વાર ખૂબ મદદરૂપ થાય છે. જોકે, આવી તુલના કરતી વખતે એ બાબત ધ્યાનમાં રખાય કે તુલનાથી કોઈ ચડિયાતું કે ઊતરતું છે એવો સંદેશો વાચક સુધી અનાયાસે પ્રસારિત ન થઈ જાય. તુલનાનો ઉદ્દેશ કઈ પ્રક્રિયાથી વધુ સફળતા કે નિષ્ફળતા મળે છે તે સ્પષ્ટ કરવાનો જ હોય તો વધુ સારું. તુલનાને કર્તા (સબ્જેક્ટ) સાથે નહિ, પણ વિષયવસ્તુ (ઓબ્જેક્ટ) સાથે સંબંધ હોવો જોઈએ.  2. જથ્થાત્મક હકીકતો  જથ્થાત્મક હકીકતો એ આંકડાકીય હકીકતો છે. કોઈ પણ વિકાસલક્ષી કાર્યમાં એ કાર્યનું પરિણામ શું આવ્યું તે જથ્થામાં દર્શાવી શકાય તેમ હોય ત્યારે તે દર્શાવવું જ જોઈએ. જેમ કે, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનાના અમલ ઉપર દેખરેખ રાખવાનું કામ કોઈ સંસ્થાએ કર્યું હોય તો તેમાં નીચે મુજબની આંકડાકીય વિગતો જોઈએઃ કેટલી વ્યક્તિઓએ રોજગારી મેળવી, કેટલા દિવસ રોજગારી મેળવી, તેમને કેટલું વેતન મળ્યું, તેમને અગાઉ જે વેતન મળતું હતું તેમાં વધારો થયો કે નહિ, જો એ વધારો થયો હોય તો કેટલો થયો, કામની પસંદગી કોણે કરી, ગ્રામસભાની બેઠકોમાં એ કામ વિશે ચર્ચા થઈ કે નહિ, થઈ હોય તો કેટલી વાર થઈ, તેમાં તે માટે કેટલી વાર કેટલા ઠરાવો થયા, ગ્રામપંચાયતની બેઠકોમાં તે માટે કેટલા ઠરાવો થયા અને એ ઠરાવોની વિગતો શી હતી; સામાજિક ન્યાય સમિતિઓએ આ સમગ્ર યોજનાના અમલમાં શી ભૂમિકા કેવી રીતે ભજવી, તે માટે તેની બેઠકો કેટલી મળી અને તેમાં કેવા અને કેટલા ઠરાવો થયા, યોજના હેઠળ જે કામ હાથ ધરાયું તેમાં કેટલું ખર્ચ થયું, તેની ગુણવત્તા કેવી છે, એ કામનો લાભ કોને મળશે, કેટલો મળશે, કેટલા સમયગાળા સુધી મળશે વગેરે. ઉપરોક્ત તમામ માહિતીઓ એ ક્ષેત્રીય સ્તરની માહિતી છે, અને તે ભેગી કરવી પડે છે. એ ઉપરાંત, ઉપરોક્ત યોજનાના અમલ અંગે જે સત્તાવાર માહિતી એકત્ર કરાઈ હોય તે માહિતી પણ ભેગી કરાય અને તેની સરખામણી આ ક્ષેત્રીય સ્તરની માહિતી સાથે કરાય એ જરૂરી છે. એમ થવાથી વાસ્તવિકતાનો વધુ સારો ખ્યાલ આવી શકે છે. સરકારી દસ્તાવેજોમાંથી બે પ્રકારની માહિતી પ્રાપ્ત થતી હોય છેઃ એક છે સ્થાનિક કે સૂક્ષ્મ સ્તરની અને બીજી છે વ્યાપક કે સમષ્ટિ સ્તરની. ઉપરોક્ત કિસ્સામાં કોઈ એક ગ્રામપંચાયતના વિસ્તારમાં શું થયું તેની માહિતી મળે એ જ રીતે સમગ્ર જિલ્લામાં કે સમગ્ર રાજ્ય અને દેશમાં શી પરિસ્થિતિ પ્રવર્તે છે તેની માહિતી પણ મળે. સ્થાનિક માહિતીને તેનાથી ઉપલા સ્તરની માહિતી સાથે જોડવાથી વ્યાપક સ્તરનું ચિત્ર ખડું થાય છે અને તે સમગ્ર પરિસ્થિતિને સમજવા માટે ઉપયોગી થાય છે. જોકે, સ્થાનિક સ્તરે જે પરિસ્થિતિ હોય તેવી જ પરિસ્થિતિ જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાએ હોય જ એવું જરૂરી નથી, પરંતુ કોઈ પણ વિકાસકાર્યમાં યોગ્યતા કે અયોગ્યતાનું પ્રમાણ કેટલું હોઈ શકે છે તેની ખબર તેનાથી પડે છે. અનેક પ્રકારનાં સંશોધનો, લેખો, અહેવાલો, સરકારી પ્રગતિના અહેવાલો અને અર્ધ-સરકારી કે ખાનગી સંસ્થાઓના દસ્તાવેજો પણ પૂરક માહિતી પૂરી પાડે છે. એ જ રીતે ખાનગી ક્ષેત્રના દસ્તાવેજો પણ અગત્યના થઈ પડે છે. વિકાસની ઘણી ખરી પ્રક્રિયા ખાનગી ક્ષેત્ર દ્વારા થતી હોય ત્યારે ખાનગી કંપનીઓના દસ્તાવેજો પણ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. સરકારી દસ્તાવેજો અને ખાનગી ક્ષેત્રના દસ્તાવેજો વચ્ચે તુલના પણ થઈ શકે.   મુલાકાત  જ્યારે કોઈ સમસ્યા વિશે લેખનકાર્ય કરતા હોઈએ ત્યારે એ સમસ્યાને માનવીય દૃષ્ટિકોણ આપવા માટે એ સમસ્યાથી અસરગ્રસ્ત એવા લોકોની મુલાકાત ખૂબ જ અગત્યની બની જાય છે. આવી મુલાકાત લેવાથી સમસ્યાને માનવીય સ્પર્શ મળે છે અને તે શુષ્ક રહેતી નથી. જેમ કે, બાળમજૂરીની સમસ્યા વિશે કશુંક લખવાનું હોય ત્યારે બાળમજૂરોની મુલાકાત લેવામાં આવે અને સમસ્યાને તેમના જ શબ્દોમાં રજૂ કરવામાં આવે તો તે વધુ અસરકારક બને છે. આવી મુલાકાતમાં અસરગ્રસ્તના અનુભવો જાણવાનું મહત્ત્વનું છે. એ ઉપરાંત, તેઓ પોતે એમની પોતાની સમસ્યાને કેવી રીતે જુએ છે એ જાણવાનું મહત્ત્વનું છે અને એ સમસ્યાનો ઉકેલ તેમના પોતાના મતે શું છે એ જાણવાનું અગત્યનું બને છે. એમને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બંને ઉકેલો વિશે પૂછી શકાય. મુલાકાતનો ઉદ્દેશ હકીકતોની ચકાસણી કરવાનો પણ હોઈ શકે. જેમ કે, સરકારની કોઈ કલ્યાણલક્ષી યોજનાના લાભો ખરેખર અસરગ્રસ્તો સુધી પહોંચ્યા છે કે નહિ તેની તપાસ કરી શકાય. એ સમયે તેમને નિશ્ચિત પ્રકારના પ્રશ્નો પૂછીને માહિતી મેળવવી જરૂરી બની જાય છે. આ માહિતી જે તે સત્તાવાર માહિતીની સાથે જ મૂકવી જોઈએ અને તે સાચી છે કે ખોટી તે આ રીતે આપોઆપ જ સ્પષ્ટ થઈ જાય છે. મુલાકાતનો હેતુ અસરગ્રસ્તોને મદદ કરવાનો નથી એ મુલાકાત લેનારે મુલાકાત લેતાં પહેલાં જ સ્પષ્ટ કરી દેવું જોઈએ. જો અસરગ્રસ્ત વ્યક્તિ એવા ભ્રમમાં રહે તો તે છેવટે નાસીપાસ થાય છે. હા, મુલાકાત લેનાર વ્યક્તિ પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરી શકે છે. અસરગ્રસ્ત વ્યક્તિ જે કંઈ માહિતી આપશે તેનો ઉપયોગ મુલાકાત પછી કેવી રીતે કરવામાં આવશે તેની સ્પષ્ટતા પણ તેની આગળ થઈ જવી જોઈએ. તેથી તેને પણ ખબર પડી શકે કે લેખનકાર્યથી ભવિષ્યમાં શું પરિણામો આવી શકે છે.   વિકાસલક્ષી કાર્યનો નીતિવિષયક પ્રભાવ  વિકાસલક્ષી કાર્ય પ્રવર્તમાન સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવેશમાં થતું હોય છે. આ પરિવેશને બદલવાની તેની નેમ હોય છે. ઉપરાંત, આ પરિવેશ સરકારી નીતિઓ, કાયદાઓ, કાર્યક્રમો, યોજનાઓ વગેરે દ્વારા બદલાય એવો પણ ઉદ્દેશ હોય છે. તેથી વિકાસલક્ષી કાર્યનો પ્રભાવ આ સરકારી નીતિઓ પર પડ્યો કે નહિ, કેટલો પડ્યો અને કેવી રીતે પડ્યો તે વિશેનો ઉલ્લેખ અગત્યનો બની જાય છે. તેથી એકાદ લેખ આ બાબત વિશે જ તૈયાર કરી શકાય. નીતિવિષયક પરિવર્તન લાવવા માટે અસરગ્રસ્તો, કર્મશીલો, નેતાઓ, બિન-સરકારી સંગઠનો વગેરે કાર્યરત હોય છે. એ દરેકે નીતિવિષયક પ્રભાવ ઊભો કરવા માટે શું કર્યું એ અગત્યનું છે. સરઘસ કાઢ્યું, પત્રો લખ્યા, વાટાઘાટો કરી, રજૂઆતો કરી, આવેદનપત્રો આપ્યાં, બહોળા સમાજને પોતાના પ્રશ્નની જાણકારી અને સમજ કેવી રીતે આપ્યાં વગેરે તમામ બાબતો એ હિમાયત (એડવોકસી) સાથે સંબંધિત બાબતો છે. આ તમામ બાબતો એક પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે કે જે નીતિવિષયક ફેરફારનો ઉદ્દેશ ધરાવતી હોય છે. વિકાસલક્ષી લેખનમાં આ પ્રક્રિયાનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. હિમાયતની આ પ્રક્રિયા સફળ થાય જ એવું જરૂરી નથી, અથવા સંપૂર્ણપણે નિષ્ફળતા જ મળે એવું પણ જરૂરી નથી. અમુક પ્રમાણમાં સફળતા મળે છે એમ બને છે. તો લખાણમાં સફળતા-નિષ્ફળતાની આ માત્રા અને તેની જનસમુદાયમાં આવેલી પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય તો એ સમગ્ર મુદ્દા વિશેનું લખાણ પૂર્ણતાને વરેલું ગણાય. ઘણી વાર નિષ્ફળ પ્રક્રિયા પણ સફળતાનો માર્ગ કંડારે છે, કારણ કે નિષ્ફળતા તરફ લઈ જનારી પ્રક્રિયા પણ એક પ્રકારની સમજણ સમુદાયમાં ઊભી કરે છે. એટલે લેખકે કે પત્રકારે કોઈ મુદ્દે સફળ કહાણીનું આલેખન કરતી વખતે કઈ કઈ નિષ્ફળતાઓએ મહત્ત્વની ભૂમિકા સફળતા માટે ભજવી તેમનું પણ આલેખન કરવું જોઈએ.   નીતિવિષયક સૂચનો  કોઈ પણ વિકાસલક્ષી કાર્ય સાથે જાહેર નીતિઓ એટલે કે સરકારી નીતિઓ એક યા બીજા સ્વરૂપે જોડાયેલી હોય છે. એ કાયદો, નીતિ, નિયમો, નિયમનો, હુકમો, આદેશો, પરિપત્રો, ઠરાવો, કાર્યક્રમો, યોજનાઓ, પરિયોજનાઓ, આયોજનો વગેરેથી પ્રભાવિત થાય છે. આ બધું જ ક્યાંક વિકાસલક્ષી કાર્યને અંકુશિત કરે છે, તેનો પ્રારંભ કરાવે છે, તેનો અંત આણે છે. તેમાં ફેરફાર કરે છે અને તેની સફળતા કે નિષ્ફળતા તથા તેમની માત્રા નક્કી કરે છે. તે લોકભાગીદારીની રીત પણ નક્કી કરે છે. આવા સંજોગોમાં જે વિકાસલક્ષી કાર્ય વિશે લેખન કરવાનું હોય એ કાર્ય વધુ સફળ થાય તે માટે સરકારની ઉપરોક્ત નીતિઓમાં કેવા ફેરફારની આવશ્યકતા છે તે મહત્ત્વનું છે. આ ફેરફારો લખાણમાં જે તે મુદ્દાની ચર્ચા સમયે કે લખાણને અંતે સૂચવી શકાય છે. જોકે, આ સૂચનો પણ શક્ય તેટલા વધુ પ્રમાણમાં અસરગ્રસ્તો કે સ્થાનિક સ્તરના કામમાં સામેલ લોકો પાસેથી આવવાં જોઈએ. જો તેઓ એ સૂચનોને તારવીને જણાવી શકવાની ક્ષમતા ન ધરાવતા હોય તો વાસ્તવિક પરિસ્થિતિમાં શા ફેરફારની આવશ્યકતા છે અને એ ફેરફાર કયા નીતિવિષયક ફેરફારથી શક્ય બને તેમ છે એ જણાવવું જોઈએ. ઘણી વાર વિવિધ પ્રકારના સંશોધન અભ્યાસોએ પણ આ અંગેનાં સૂચનો કર્યાં હોય છે. એ સંશોધનો બિન-સરકારી સંગઠનોએ કરેલાં પણ હોઈ શકે અને શૈક્ષણિક કે સંશોધન સંસ્થાઓએ કરેલાં પણ હોઈ શકે. આ સૂચનો તળ વાસ્તવિકતામાં પરિવર્તન લાવવા માટે કેટલાં ઉપયોગી છે એ ક્ષેત્રીય મુલાકાતોને આધારે જણાવી શકાય છે. સમગ્ર લેખને બળ પૂરું પાડવા માટે અને હાલનાં સૂચનોને પુષ્ટિ આપવા માટે પણ આવાં સંશોધનોના સંદર્ભો સહાયરૂપ થાય છે. જો કાયદાની જોગવાઈઓમાં ફેરફારની આવશ્યકતા જણાય તો જે તે કાયદાની કઈ કલમમાં કેવી જોગવાઈ છે, તેનું શું પરિણામ આવે છે, હવે કયા ફેરફારની જરૂર છે અને તેનાથી કેવું પરિણામ આવવાની સંભાવના છે એ વિગતો સાથે લખવાની જરૂર હોય છે. આ સૂચન ઘણી વાર કાયદાકીય ભાષામાં અને શૈલીમાં હોવું જરૂરી બની જાય છે, પણ તેવે સમયે તેને પણ લોકભોગ્ય ભાષામાં જણાવવું જોઈએ કે જેથી વાચકને માટે તે સમજવાનું આસાન બને. ઉપરોક્ત બાબતોમાં સહભાગી સંશોધનોનાં તારણો વધારે ઉપયોગી સાબિત થતાં હોય છે, કારણ કે તેમાં લોકોની ભાગીદારી હોય છે. કાયદા કે નિયમોની આંટીઘૂંટીની સમજ બધી વ્યક્તિઓને હોતી નથી, પરંતુ જનસમુદાયના સભ્યોએ રજૂ કરેલી બાબતો તેમાં ફેરફારો માટેનાં દિશાસૂચનો આપે છે. આવાં દિશાસૂચનો ઘણી વાર સહભાગી સંશોધનોમાંથી સ્પષ્ટ રીતે મળતાં હોતાં નથી, લેખકે એ તારવવાની તસ્દી લેવી પડે છે.