સુરેન્દ્રનગર જિલ્લાના ઉજાગર કરવા જેવા વિકાસલક્ષી મુદ્દાઓ અને કાર્યો

ચરખા દ્વારા ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ત્યાંના પ્રદેશ-વિશેષ વિકાસલક્ષી મુદ્દાઓ વિશે જાણકારી મેળવવા માટે અને તેને સમૂહમાધ્યમો મારફતે વાચા આપવાના હેતુથી અનુભવોના આદાન-પ્રદાનની બેઠકો યોજાય છે. આ બેઠકોમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ યોજાય છે. ક્યારેક પત્રકારોને પણ તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આવી બેઠકો જાન્યુઆરીથી મે 2012 દરમ્યાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાઈ ગયેલી બેઠકમાંથી ઉભરી આવેલા વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો અંગેની માહિતી નીચે મુજબ છેઃ

સુરેન્દ્રનગર જિલ્લાની બેઠકમાં જિલ્લામાં કાર્યરત 11થી વધુ સંસ્થાઓના 22 પ્રતિનિધિઓએ ભાગ લીધો. ઉપસ્થિત વિકાસકર્મીઓએ પોતાના કાર્યક્ષેત્રના અનુભવોની આપ-લે કરી. આ પ્રકારની મિટિંગોથી વિકાસકર્મીઓને એકબીજાને મળવાનો અવસર મળે છે તથા એકબીજાના કામથી માહિતગાર થવાય છે તેથી આ પ્રકારની મિટિંગો અવારનવાર યોજવી જોઈએ એવો સૌ કોઈનો સૂર હતો. વિકાસકર્મીઓએ રજૂ કરેલા વિષય-સૂચનો સ્ટોરી આઈડિયા-કથાબીજ) નીચે મુજબ છેઃ  

1. ફાલ્ગુનીબહેન જાડેજા (સ્વાતિ સંસ્થા) 
- છેલ્લાં બે વર્ષ દરમ્યાન જિલ્લાનાં જુદાં જુદાં ગામોની 28 બહેનો સાથે ખેતીને લગતો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. તેમાં ખેતીના સાધનો માટે લોન આપવામાં આવી છે અને ખેતી દ્વારા આવક ઊપાર્જન થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બહેનોને થયેલી આવક ક્યાં વાપરવી તે હવે બહેનો જ નક્કી કરે છે એ રીતે બહેનોનું સશક્તિકરણ થયું છે એમ કહી શકાય. સંસ્થાએ નાની ઉંમરની વિધવા બહેનો માટે 'મહિલા સુરક્ષા યોજના' શરૂ કરી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 21 બહેનોએ લાભ મેળવ્યો છે. દરેક બહેનના ખાતામાંથી બચતના 10 રૂપિયા ફેડરેશનમાં જમા થાય છે. એ રીતે 'મહિલા વિકાસ સંઘ'ની આવક વધે છે અને તે વિધવા બહેનોને ટેકારૂપ બને છે. દર વર્ષે મહિલાઓના આ ફેડરેશન દ્વારા સંમેલન પણ યોજાય છે. 
- બચત ધિરાણની પ્રવૃત્તિ હેઠળ 9 મહિલાઓએ લોન લઈને પોતાની ગીરવી જમીન છોડાવી છે. ઉપરાંત, બચતના આધારે ટ્રેક્ટર વગેરે પણ ખરીદ્યાં છે. 
- સંસ્થા દ્વારા ઘરેલું હિંસાના મુદ્દે 8 તાલુકામાં બહેનોને ટેકો આપવાનું કામ થયું છે. છેલ્લા 6 માસ દરમ્યાન કૉર્ટ દ્વારા બહેનોને ભરણપોષણની આવક ઊભી કરાવીને તે નાણાં બહેનોના બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે. બહેનોને ફરજિયાત રીતે બચત મંડળમાં સભ્ય બનવાનું હોય છે. આમ કરવાથી બહેનોની બચત ઊભી થાય છે અને તે મુસીબતના સમયમાં તેમનો સધિયારો બને છે. પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાનાં 4 ગામોની 6 બહેનોને હિંસા અને મારઝૂડના કિસ્સાઓમાં બચત ધિરાણની મદદથી ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. 
-'સ્વાતિ' સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં માહિતી અધિકાર, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના તેમ જ અન્ન સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. 
- માહિતી અધિકાર કાયદા હેઠળ કુલ 63 લોકોને જાહેર ભંડોળમાંથી લોન અને ટ્રેક્ટરનો લાભ મળ્યો છે. 
- જૈનાબાદ વિસ્તારના 13 આદિવાસી કુટુંબોને રાશન કાર્ડ અને 25 વ્યક્તિઓને ચૂંટણી કાર્ડ અપાવવામાં આવ્યાં છે. 
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના હેઠળ અનેક લોકોના બાકી રહેલા પેમેન્ટ છૂટાં કરાવવામાં મદદ પૂરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત સામાજિક અન્વેષણ (સોશ્યલ ઑડિટ) કરીને તળાવ ખોદવા, બાવળ કટીંગ કરાવવાં જેવાં અનેક કામો કરાવવામાં આવ્યાં છે. આ કામ ધ્રાંગધ્રા તાલુકાનાં 3 ગામો અને પાટડી તાલુકાનાં 6 ગામોમાં થઈ શક્યું છે.