સુરેન્દ્રનગર વિકાસલક્ષી મુદ્દાઓ.... વિભાગ-2

રીટાબહેન (પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ)
- જસદણ તાલુકાનાં 55 સંગઠનોને ખેતી અને પશુપાલન અંગેની મૂલ્યવર્ધિત યોજનાઓ પહોંચાડવામાં આવી છે. તેના થકી અનેક પરિવારોને ખૂબ લાભ મળ્યો છે.
-દર વર્ષે 400થી વધુ ખેડૂતોને જે-તે યોજનાઓના લાભ પહોંચાડવા અંગે મિટિંગ યોજવામાં આવે છે. -તાલુકામાં ઊભાં કરવામાં આવેલાં દરેક સ્વ-સહાય જૂથમાં દરેક સભ્યને સહી કરતા તો આવડવું જ જોઈએ એ વાત પર ભાર મૂકવામાં આવે છે. વળી, બીમાર બહેનો પાસેથી અડધો ટકો ઓછું વ્યાજ લેવામાં આવે છે. 
-સંસ્થા દ્વારા હળદર પાઉડર, ગુલાબની ચીજવસ્તુઓ, ફીંડલાનું શરબત વગેરે જેવા સ્થાનિક ઉત્પાદનોમાંથી સ્થાનિક લોકોને આવક મળી રહે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. વળી, આ પેદાશો પર્યાવરણને હાનિકારક ન હોય એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. 
-ગોંડલના અમરાપુર ગામના એક ખેડૂતે સંસ્થાની મદદથી સીતાફળની ખેતી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેડૂતે પવનચક્કીનો પણ લાભ લીધો છે તેમ જ પોતાના ખેતરમાં જાતે કૂવો બનાવ્યો છે. એ જ રીતે દેવસીભાઈ નામના ખેડૂતે આમળાની ખેતી કરીને આવક રળી છે. 
-શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક દરેક શાળામાં 'સીઈઈ' દ્વારા ઔષધ બાગ રચવામાં આવ્યા છે. આ બાગમાં 100થી વધુ પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે વિદ્યાર્થીઓ વિવિધ ઔષધીઓને જાણતા થયા છે તેમ જ બાગનું સંચાલન કરતા પણ થયા છે. એક વૃક્ષ કાર્બન શોષીને પર્યાવરણ જતનનું કેટલું મોટું કામ કરે છે તે દરેક બાળકને કહીને વૃક્ષનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. સ્થાનિક લોકો હવે આ પ્રવૃત્તિને કારણે હળદર વાવતા થયા છે. 
-શિક્ષણના અધિકાર અંગેના નવા કાયદાનો અસરકારક અમલ થાય તે માટે સંસ્થા દ્વારા સ્થાનિક સ્વસહાય જૂથોની બહેનોને સ્કૂલ એજ્યુકેશન કમિટિમાં જોડવામાં આવી છે. 
-ગરીબી રેખા નીચે જીવતા 10થી 12 જૂથોમાંથી 9 જૂથને લોન અપાવવામાં આવી છે તેમ જ રૂપિયા અઢી લાખ જેટલી સબસિડીની મદદ પૂરી પાડવામાં આવી છે.