રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બીલને અસરકારક બનાવવાના હેતુથી વિકાસકર્મીઓની બેઠક યોજાઇ

                                                                                                                                અમદાવાદ,તા.8 
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રતિનિધિઓએ બીલ અંગે મહત્વનાં સૂચનો આપ્યાં. 
ભારતની લગભગ 90 ટકા વસતિને આવરી લેનારા અન્ન સુરક્ષા બીલમાં એકલનારી, વિધવા, વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ, વિચરતા-વિમુક્ત સમુદાય અને સેક્સ વર્કર બહેનોનો સમાવેશ કરવાનાં સૂચન થયાં.

સંસદમાં 22મી ડિસેમ્બર,2011ના રોજ રજૂ થયેલા 'નેશનલ ફૂડ સિક્યોરિટી બીલ,2011'માં સુધારા માટેનાં સૂચનો આપવાના હેતુથી પશ્ચિમ ભારતનાં રાજ્યોના વિકાસકર્મીઓની એક બેઠક અમદાવાદ ખાતે યોજાઇ ગઇ. 7-8 ફેબ્રુઆરી દરમ્યાન સરકીટ હાઉસ ખાતે યોજાઇ ગયેલી આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં 40થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ બીલ હેઠળ અમલમાં આવશે તે ભારતની લગભગ 90 ટકા વસતિને આવરી લેનારી વિશ્વની સૌથી મોટી યોજના ગણી શકાય. તેથી તેને અસરકારક બનાવવાના હેતુથી દિલ્હી સ્થિત 'વાદા ન તોડો અભિયાન', 'ફૂડ ઍન્ડ વૉટર કૉલિશન ઇન્ડિયા' અને 'ઑક્સફામ ઇન્ડિયા'ના સંયુક્ત ઉપક્રમે 'દિશા'ના સહયોગથી ગુજરાતમાં આ બેઠક યોજાઇ હતી. બીલ અંગે ચર્ચાયેલા મુદ્દાઓનું તારણ રજૂ કરતાં 'વાદા ન તોડો અભિયાન'ના અનિલ સિંઘે જણાવ્યું હતું કે,"આ બીલને 'ફૂડ સિક્યોરિટી'ને બદલે 'રાઇટ ટુ ફૂડ'ના સંદર્ભમાં જોવું જોઇએ. સરકારે અન્ન મેળવવાના લોકોના અધિકાર તરીકે આ બીલને જોવું જોઇએ." તેમણે વધુમાં જણાવ્યું હતું કે," આપણા દેશમાં દર વર્ષે 1.76 ટકાના દરે વસતિવધારો થાય છે. પણ અન્ન ઉત્પાદનનો દર તેનાથી ઓછો એટલે કે 1.58 ટકા જ છે. તેથી અન્નનું ઉત્પાદન વધે એવાં પગલાં પણ ભરવાં જોઇએ." " સરકાર દેશની કુલ જીડીપીના બે ટકા જ ખેતી માટે ફાળવે છે તેના બદલે 4થી 6 ટકાનું રોકાણ કરવું જોઇએ." એવું બેઠકમાં ઉપસ્થિત વિકાસકર્મીઓએ જણાવ્યું હતું. આજે ભારતમાં જ્યારે 48.5 ટકા કુપોષિત બાળકો, 42.5 ટકા ઓછું વજન અને 75 ટકા એનિમિયા ધરાવતાં બાળકો તેમ જ 52 ટકા એનિમિયા ધરાવતી મહિલાઓ છે ત્યારે આ બીલમાં પોષણયુક્ત આહાર ઉપર ભાર મૂકવામાં આવે એવું સૌએ સર્વાનુમતે જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સૌએ બીલમાં લાભાર્થીને 'રોકડ ટ્રાન્સફર' કરવાની જોગવાઇ સામે પણ વિરોધ દર્શાવ્યો હતો. રોકડા રૂપિયા હાથમાં આવે તો તે અન્ન સુરક્ષા કે શિક્ષણ પાછળ ખર્ચાવાને બદલે વ્યસન કે અન્ય બિનજરૂરી બાબતોમાં ખર્ચાઇ જવાની ભીતિ પણ ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી. આ બીલ હેઠળ એકલનારી, વિધવા, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, વિચરતા અને વિમુક્ત સમુદાયના લોકો તેમ જ સેક્સ વર્કર બહેનોને પણ આવરી લેવાનું સૂચન ભારપૂર્વક કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન ગુજરાતની સ્થિતિ બાબતે 'દિશા' સાથે જોડાયેલા પ્રૉ. હેમન્તકુમાર શાહે જણાવ્યું હતું કે, "બંધારણમાં ગ્રામપંચાયતોએ કરવાનાં 29 કામોની યાદી આપવામાં આવી છે તેમાં વાજબી ભાવની દુકાનો ચલાવવાનું કામ પણ પંચાયતોને સોંપવાનું સૂચન હોવા છતાં ગુજરાતમાં માત્ર આઠ જ પંચાયતો વાજબી ભાવની દુકાનો ચલાવે છે. આશરે કુલ 16557 દુકાનોમાંથી લગભગ 13500 દુકાનો ખાનગી માલિકીની છે અને 2500 દુકાનો જ સરકારી મંડળીઓ દ્વારા ચલાવાય છે." તેમણે ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 32 લાખ પરિવારો માટે અપાતી રૂ.257 કરોડની સબસિડીને પણ ખૂબ ઓછી ગણાવી હતી. વળી, વાજબી ભાવની દુકાનોના માલિકો પંચાયતને ઉત્તરદાયી બને એવી વ્યવસ્થા ગોઠવવાનું તેમણે સૂચન કર્યું હતું. પશ્ચિમ ભારતની જેમ અન્ય ચાર ઝોનમાં આવી બેઠકો યોજાશે અને છેલ્લે દિલ્લીમાં માર્ચ માસ દરમ્યાન રાષ્ટ્રીય બેઠક યોજીને બીલ અંગેનાં દેશભરમાંથી એકત્ર કરેલાં સૂચનો કેન્દ્ર સરકારને પહોંચાડવામાં આવશે એમ આયોજકોએ જણાવ્યું હતું. (ચરખા-વિકાસલક્ષી ન્યૂઝ સર્વિસ)