૭૩ દેશોના ૧૫ વરસની વયના વિદ્યાર્થીઓની કસોટીમાં ભારત છેલ્લેથી બીજા નંબરે

Source : Gujaratsamachar,Mumbai 15,Jan.2012
વાંચન, ગણિત અને વિજ્ઞાનની વૈશ્વિક કસોટીમાં ભારતીય વિદ્યાર્થીઓ કંગાળ
દુનિયાભરમાં ભારત શિક્ષણનું એક શક્તિકેન્દ્ર મનાય છે, કેમ કે આઈ.આઈ.ટી. જેવી કેટલીક ઉત્કૃષ્ટ શૈક્ષણિક સંસ્થાઓએ વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પરંતુ આપણા શિક્ષણતંત્રની ચળકતી સપાટી હેઠળનું ચિત્ર ખૂબ જ ધૂંધળું છે. પ્રથમવાર વૈશ્વિક મંચ પર વાંચન, ગણિત અને વિજ્ઞાાનની ક્ષમતાઓમાં કસોટીએ મુકાયેલા ૧૫ વરસના ભારતીય વિદ્યાર્થીઓ કંગાળ પુરવાર ઠર્યા હતા અને સૌથી છેલ્લે નંબરે આવેલા કિર્ગીઝસ્થાનના વિદ્યાર્થીઓને હંફાવીને છેલ્લેથી બીજો નંબર હાંસલ કર્યો હતો. આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા ઓ.ઈ.સી.ડી. (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવેલપમેન્ટ) દ્વારા વિશ્વના વિવિધ દેશોની શિક્ષણ-વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે દર વરસે લેવાતી ૧૫ વર્ષીય વિદ્યાર્થીઓનાં જ્ઞાાન-કૌશલ્યની 'પ્રોગ્રામ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એસોસીએશન' (પિસા)ની પરીક્ષામાં ભાગ લેનારા ૭૩ દેશોમાં ભારતે 'સેકન્ડ લાસ્ટ' નંબર મેળવ્યો હતો. 'પિસા'ની ટેસ્ટમાં પહેલીવાર ભાગ લેનારા ચીનના શાંધાઈ શહેરે વાંચનમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. ઉપરાંત ગણિત અને વિજ્ઞાાનમાં ટોચ પર રહ્યું હતું. શાંઘાઈના ૧૫ વરસની વયના તરુણોમાંના ૨૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ ગણિતના જટિલ કોયડા ઉકેલવાની અદ્યતન કુશળતામાં ઓ.ઈ.સી.ડી.ની માત્ર ૩ ટકાથી સરેરાશ કરતાં વધુ ક્ષમતા દેખાડી હતી, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. ૧૫ વરસની ઉંમરનો સરેરાશ ભારતીય વિદ્યાર્થી વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થી કરતાં ૨૦૦ પોઈન્ટ પાછળ છે. નિષ્ણાતોના અંદાજ મુજબ ગણિતમાં ભારતનો આઠમા ગ્રેડનો વિદ્યાર્થી દક્ષિણ કોરિયાના ત્રીજા ગ્રેડના સ્તરે છે અથવા વાયનની ક્ષમતામાં શાંઘાઈના બીજા વર્ષના વિદ્યાર્થીના સ્તરે છે. આ ટેસ્ટ માટે શિક્ષણ અને વિકાસના નમૂનારૃપ મનાતા તમિલનાડુ અને હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારે 'પિસા' ટેસ્ટ માટે પસંદ કર્યા હતા. પરંતુ તેમનાં પરિણામો હતાશાજનક નીવડયાં હતાં. હિમાચલ પ્રદેશના ૮૯ ટકા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવા માટેની પાયાની યોગ્યતાના સ્તરથી પણ નીચે હતા. વૈજ્ઞાાનિક સાક્ષરતામાં તમિલનાડુના વિદ્યાર્થીઓનું સ્તર આ ટેસ્ટમાં ભાગ લેનારા તમામ દેશોના વિદ્યાર્થીઓ કરતાં ઊતરતું હતું અને હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓ કરતાં બહેતર હતું. બહેતર શૈક્ષણિક પરિણામો દેશના ભાવિ આર્થિક વિકાસના દ્રઢ સંકેતરૃપ હોવાથી ભારતે તેની સ્કૂલોના ભણતર વિશે ગંભીર અને નક્કર પ્રયાસો કરવાની જરૃરત છે, એમ આ પરીક્ષા લેનારી સંસ્થાના મહામંત્રી એન્જેલ ગુરીઓએ કહ્યું હતું.