પત્રકારને 'જીવતો' રાખતું 'ચરખા'નું ચક્કર

અજય રામી 
શ્રી અજયભાઈ રામી છેલ્લાં 16 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે અત્યાર સુધીમાં વેસ્ટર્ન ટાઇમ્સ, આજકાલ,સંદેશ, દિવ્ય ભાસ્કર વગેરે દૈનિકોમાં કામ કર્યું છે. તેઓ હાલ GNS News Web Portalમાં ચીફ સબ-ઍડિટર તરીકે કાર્યરત છે. મો. 99256 16200  

1999-2000ના વર્ષની વાત. સરકાર જળસંચયનું મહત્ત્વ સમજે તેના બહુ પહેલાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેનો અમલ શરૂ કરી તેના લાભ અપાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પત્રકાર જગત પણ તેનાથી લગભગ અજાણ હતું. તે સમયે 'ચરખા'ના સંજય દવે પત્રકારોને જળ સંચયની સક્સેસ સ્ટોરીનું નિદર્શન બતાવવા ગઢડા લઈ ગયા. ત્યાંનાં ગામોમાં ચેકડેમ અને ઘરે-ઘરે પાણીના ટાંકા જોઈને આશ્ચર્ય સાથે નવાઈ લાગી અને આત્મભાન પણ થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે એક શિક્ષક માધુભાઈ અને તેમની 'નવજ્યોત સંસ્થા' જાગૃતિ લાવીને કેટલું સુંદર કામ કરી રહી છે. નવાઈ એ વાતની હતી કે નાનકડા ફેરફાર કરવાથી કેટલો લાભ મળતો હતો. અને આત્મભાન એ વાતનું થયું કે આટલા વિકાસલક્ષી પરિણામ છતાં એક મિડિયા પર્સન તરીકે એ વાતની જાણ નથી. આ 'આત્મભાન'થી પરિચિત કરાવવાની જ્યાં વાત આવે છે તે જ 'ચરખા'નો પરિચય છે. જેમ ચૂલાનું લાકડું સળગતું બંધ થઈ જાય તો ફૂંકણીથી ફૂંક મારીને તેનો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે તેમ પત્રકારની સંવેદનશીલતાને લકવો થવાનું શરૂ થાય ત્યારે તેમાં નવો સંચાર કરવાનું કામ તેમ જ વિવેકથી ચેતનવંતી કરવાનું કામ 'ચરખા'એ કર્યું હોવાના અનેક સ્વઅનુભવો છે. સ્ત્રી-ભ્રૂણ હત્યાના મામલે જાગૃતિ ઝુંબેશના 'સંદેશ'માં અહેવાલો આવે તે માટે પત્રકાર સાથે ભરબપોરે ગામડા ખૂંદીને વિગતો અપાવવાનું કામ 'ચરખા'એ કરેલું છે. સંસ્થાના નિયામક તરીકે ફરજમાં આવે તેના કરતા મિડિયાને કેવી રીતે ટેકલ કરવા તેની કળા તેમની પાસે હસ્તગત છે. તેમાં સેમિનાર કે કાર્યશાળાનો પણ સમાવેશ થઈ જાય. વિકલાંગોને આવાગમનના વિકલ્પોની વાત હોય કે બાળમજૂરીનો મુદ્દો હોય અથવા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોને જાગૃત કરવાના મુદ્દા હોય, જેમાં પત્રકારને જાણ ન હોય તેમાં વિશેષ પ્રવેશ કરાવી તે વિશે અનાયાસે ખુદ પત્રકાર લખતો શરૂ થઈ જાય એટલે 'ચરખાનું ચક્કર' ફરતું થઈ જાય. 'ચરખા' સાથેના આટલા અનુભવ અને કાર્યપદ્ધતિ નજીકથી જોયા પછી મારું એવું નિરીક્ષણ છે કે 'ચરખા'ની શક્તિઓનો પૂરેપૂરો લાભ લઈ શકાયો નથી. સંજય દવે જે 'ચરખા' માટે પત્રકાર સાથે લાયઝન કરીને તેને અંગત સંબંધ વિકસાવવા સુધી લઈ જઈ શકવાની આવડત ધરાવે છે. (જેથી તેનો ઉપયોગ તો છેવટે 'ચરખા' માટે જ થાય). તેવું સાર્મથ્ય જો 'ચરખા', પત્રકારોના તંત્રીઓ માટે ધરાવે અથવા શરૂ કરે તો 'ચરખા' કે વિકાસલક્ષી પત્રકારત્વને પૂર્ણ સ્વરૂપે વિકસવામાં જે ખોટ પડે છે અથવા તેના સાતત્યમાં જે ખોટ આવે છે તે કદાચ નિવારી શકાય. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક કર્મશીલો પત્રકારને સામેથી ફોન કરતા હોય કે દિવાળી જેવા પ્રસંગોએ 'હેપ્પી ન્યુ યર' કીધાનું પણ યાદ નથી. કેટલાક કર્મશીલો એવા છે કે અનેકવાર મળ્યા હોય છતાં દર વખતે સંજયે તેમને જે-તે પત્રકારની ઓળખાણ કરાવવી પડે છે. 'ચરખા'નો વ્યાપ અને મહત્ત્વ સ્વીકાર્ય હોવા છતાં સીધો પ્રભાવ નહીં હોવા પાછળ આડકતરાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે. વિનાશક ભૂકંપ પછીની પ્રેરણાદાયી સ્ટોરી હોય કે રમખાણો વખતે કોમી એકતાના ઉદાહરણરૂપ પ્રસંગો, એક પત્રકારના યંત્રવત થતા જતા કે બીબાઢાળ બનતા જતા મગજમાં પત્રકારને જીવંત રાખવાનો અંકૂર ઉગાડી દે છે. એક પત્રકારને પોતે પત્રકાર છે તે ભૂલાઈ જતું અટકાવે તે સંસ્થા એટલે જ 'ચરખા'.