"વાસ્તવમાં વિકલાંગ કોણ?"

'હેન્ડિકેપ નહીં', 'ડિફરન્ટલી એબલ્ડ' શબ્દ વાપરો: વિજય વછાણી 
- હિમાલી સિધ્ધપુરા 
"વિકલાંગ વ્યક્તિની આવડત અને આત્મવિશ્વાસ જોઈને મને એવું લાગવા માંડે છે કે, વાસ્તવમાં એ લોકો નહીં પણ આપણે વિકલાંગ છીએ, કારણ કે આપણી સરખામણીએ તેઓ વધુ કાર્યક્ષમ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે." આ શબ્દો છે, વેરાવળની રેયોન કંપની (બિરલા ગ્રુપ)માં ઉપરી ગ્રામ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિજય વછાણીનાં!  
ચહેરા પર મધુર સ્મિત સાથે સૌને આવકારતા, તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા ધરાવતા અને છતાં ઋજુ હૃદયના વિજય વછાણીએ સિવિલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ શરૂઆતથી જ તેમને બાંધકામ ક્ષેત્ર સાથે વળગણ હતું અને ભવિષ્યમાં પણ એ જ ક્ષેત્રમાં આગળ વધવાની તેમની આકાંક્ષા હતી. વળી, નાનપણથી જ ગામડાંના લોકો માટે કામ કરવાની તેમની તીવ્ર અભિલાષા પણ ખરી! અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે આ ક્ષેત્રમાં પ્રથમ કદમ હજુ તો માંડ્યુ જ હતું અને ત્યાં જ તેમને આ ક્ષેત્રની કડવી વાસ્તવિકતાનો પરચો મળી ગયો. તેમની સૌ પ્રથમ નોકરી કાકરાપારમાં હતી. ત્યાં 132 સરકારી આવાસો તૈયાર કરવાનું કામ હતું. ભ્રષ્ટાચારનો સૌપ્રથમ અનુભવ તેમને અહીં થયો. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દ્વારા લોકો સાથે ત્યાં છેતરપીંડી કરવામાં આવતી હોવાથી તેમને ત્યાં મન ન લાગતાં ત્યાંથી અન્યત્ર ખસી જવાનો વિચાર કર્યો. આ જ સમયગાળા દરમિયાન તેઓ 'આગા ખાન ફાઉન્ડેશન'ની નેત્રંગ ઑફિસમાં જોડાયા. અહીં પોતાના ક્ષેત્રના અનુભવને વિસ્તારવા માટે તેમને પુરતી તક સાંપડી. ત્યાંનો અનુભવ વર્ણવતા તેઓ કહે છે, "હું ત્યાં અનેક નવા પ્રોજેક્ટ્સનાં પ્રયોગો કરતો. બ્રિક્સથી બાયોગેસ બનાવવાના બદલે કોંક્રિટથી બાયોગેસ બનાવવાના પ્રયોગો પણ મેં કરેલા છે. વળી, લોકો માટે કામ કરવાથી જે સંતોષ મળે એ જ મારો સૌથી મોટો પુરસ્કાર છે." નેત્રંગની ઑફિસ બાદ તેઓ વેરાવળની બિરલા ગ્રુપની રિયોન કંપનીમાં જોડાઇને 'જનસેવા ટ્રસ્ટ'ના માધ્યમ થકી કામગીરી કરી રહ્યા છે. તેમના માટે વ્યક્તિગત કરતા 'જનસેવા ટ્રસ્ટ' વધુ મહત્ત્વનું છે. તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં સામાજિક કાર્યો દ્વારા લોકો સુધી પહોંચ્યા છે. વિકલાંગો માટે ઉપાડી લીધેલા કામ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, " સૌપ્રથમ અમે સંપૂર્ણ વેરાવળનો સર્વે કર્યો, બધી માહિતી ભેગી કરી. ત્યારબાદ બધાને પત્રો લખ્યા અને પ્રમાણપત્રો તૈયાર કર્યાં. ત્યારપછી પાંચ સભ્યોની સુપરવાઈઝરની ટીમ બનાવી અને 101 ગામોમાં કામ વહેંચી દીધું." અત્યારે વિજયભાઈ અને તેમની ટીમે મુખ્યત્વે તો 25 ગામોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પાંચ ગામોને દત્તક લીધાં છે. આ ગામો સૌથી ગરીબમાં ગરીબ હતા. પહેલાં તો ત્યાંથી અંધશ્રદ્ધા દૂર કરવામાં આવી. અને હવે આજે ત્યાં મેડિકલ ઑફિસરો જતા થયા છે. વિકલાંગ વ્યક્તિઓ માટે 'હૅન્ડિકેપ્ડ' નહીં પરંતુ 'ડિફરન્ટલી એબલ્ડ' એવો શબ્દ વાપરવાનું વિજયભાઈ ભારપૂર્વક જણાવે છે, કારણ કે તેમના જણાવ્યા અનસાર લગભગ દરેક વિકલાંગ વ્યક્તિમાં કોઈને કોઈ આવડત હોય છે, માત્ર તેને સાચો માર્ગ આપવાની જરૂર હોય છે. વિકલાંગો માટે કામ કરતી સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ' પાસેથી પ્રેરણા મેળવી પોતાની આવડતને જુદાંજુદાં કાર્યોમાં આવરી લીધી છે. બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની સમસ્યાને પણ સમજવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. દરેકની અલગ-અલગ સમસ્યાઓ અને પરિસ્થિતિ મુજબ તેમની રીતે સમજી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડતા વિજયભાઈ કહે છે કે, "લોકોએ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. અત્યારે આપણે જે હોદ્દા પર છીએ તેની જ માત્ર કિંમત છે. તે પછી આપણું કોઈ અસ્તિત્વ નથી. તો શા માટે તે હોદ્દાના વધુમાં વધુ ઉપયોગ દ્વારા માનવ સેવાનું કામ ન કરી લઈએ!" વિજયભાઈનું સપનું છે કે આ હોદ્દા પરથી જે કાર્ય દ્વારા આગળ વધવાની તક મળે તેના દ્વારા બને તેટલા વધુ લોકો સુધી પહોંચી તેમને મદદરૂપ થવું છે.