રિહેબિલિટેશનમાં માસ્ટર થવાનું મારુ સ્વપ્ન છે: બીનલ

સમુદાય આધારિત પુનર્વસન અંગેની તાલીમથી ડૉ. બીનલ ગજ્જરનું ફલક વિસ્તર્યું 
- સંજય દવે 
એમનું નામ બીનલબહેન ગજ્જર. સરળ સ્વભાવની આ યુવતીને તમે મળો તો એ ફિઝિયોથેરાપી ડૉક્ટર હોવાનો અણસાર પણ ના આવે એટલાં એ સરળ. અમદાવાદના વેજલપુર વિસ્તારનાં રહેવાસી. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલના પ્રાંગણમાં આવેલી ફિઝિયોથેરાપી કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. કરમસદની કૉલેજમાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમદાવાદમાં આવેલા વસંત નેચર ક્યોરમાં અને પછી લપકામણમાં આવેલી 'એઈમ્સ' ફિઝિયોથેરાપી કૉલેજમાં એકાદ વર્ષ કામ કર્યું. વી. એસ. હૉસ્પિટલમાં આવેલી તેમની કૉલેજમાં બે વર્ષ પહેલાં એક વાર 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ' (એચઆઈ) સંસ્થાના પ્રતિનિધિઓ મળવા આવ્યા. તેમણે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ સાથે વિકલાંગતાના મુદ્દા તેમ જ સમુદાય આધારિત પુનર્વસન (સીબીઆર) અંગે ચર્ચા કરી. ત્યારપછી 'એચઆઈ'ના નેજા હેઠળ બેંગલોરમાં યોજાયેલી સીબીઆર મેનેજરો માટેની એક તાલીમમાં ભાગ લેવાની બીનલબહેનને તક મળી.
બીનલબહેન કહે છે, "રિહેબિલિટેશન ટાસ્ક ફોર્સ તૈયાર કરવાના ભાગ રૂપે 'એચઆઈ' દ્વારા યોજાયેલી આ તાલીમમાં ભાગ લેવાની તક મને અમારી કૉલેજના પ્રિન્સિપાલ નીતાબહેને આપી." બીનલબહેને આ તક ઉત્સાહભેર વધાવી લીધી. સાત દિવસની આ તાલીમમાંથી એમને ઘણું નવું શીખવું હતું અને ખાસ તો સીબીઆર વિશે વધારે જાણકારી મેળવવી હતી. આ તાલીમમાં સહભાગી થવાથી બીનલબહેનની કામગીરીનું ફલક વિસ્તર્યું. તે અંગે બીનલબહેન કહે છેઃ "રિહેબિલિટેશનની થિયરી તો મને ખબર હતી, પણ તાલીમ દરમ્યાન મને બૅંગલોરની હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું. રિહેબિલિટેશનમાં માત્ર મેડિકલ મેનેજમેન્ટ નહીં, પણ વ્યક્તિના સામાજિક-આર્થિક પાસાંને પણ ધ્યાનમાં લેવા જ જોઈએ એ આ તાલીમે મને શીખવ્યું."તાલીમમાં મેળવેલું જ્ઞાન બીનલબહેનને પોતાના વર્ગમાં કામે લાગ્યું. તેમણે માત્ર એકતરફી પ્રવચનને બદલે પોતાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું શરૂ કર્યું. તાલીમ પછી બીનલબહેન માટે ભણાવવાનું અને વિદ્યાર્થીઓ માટે ભણવાનું વધુ રસપ્રદ બન્યું. એટલું જ નહીં, શિક્ષણ કાર્યની સાથે સામાજિક વિકાસ સાથેનો તેમનો નાતો પણ વધારે મજબૂત બન્યો. 'એચઆઈ' દ્વારા બીનલબહેનને જુદીજુદી કાર્યશાળાઓમાં ફેસિલિટેટર એટલે કે તાલીમકાર તરીકે પોતાના જ્ઞાન અને અનુભવો રજૂ કરવાની તક સાંપડી. પરિણામે, બીનલબહેનમાં આત્મવિશ્વાસનો સંચાર થયો. બીનલબહેને 'એચઆઈ' સાથે રહીને અમદાવાદ, સુરત, નવસારી અને ડાંગમાં જઈને પણ મેડિકલ ઑફિસરોને 'સીબીઆર' અંગેની તાલીમો આપી છે. રિહેબિલિટેશન વિષયમાં માસ્ટર થયેલાં ડૉ. મેઘા શેઠ કહે છે, "બીનલે તાલીમ લીધી પછી તેનું જ્ઞાન બધાને ખૂબ ઉપયોગી થાય છે. એક શિક્ષક તરીકે પણ તે ખૂબ અસરકારક નીવડી છે. અમને હવે સીબીઆર બાબતે કોઈ ક્વેરી હોય તો અમે બીનલને જ યાદ કરીએ છીએ." બીનલબહેનની કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ કહે છે, "તાલીમમાંથી મેળવેલી શીખનું સીધેસીધું અમલીકરણ થઈ શક્યું. હવે બીનલમાં પેશન્ટને જોવાની દૃષ્ટિમાં પણ હકારાત્મક બદલાવ આવ્યો છે. તાલીમને કારણે બીનલની વિચારધારા કેળવાઈ." કોઈકને ખોટી સારવારને કારણે વિકલાંગતા વધી ગઈ હોય ત્યારે બીનલબહેન ખૂબ દુઃખી થઈ જાય છે. તેઓ કહે છે, "પહેલાં હું 'ડિસ-એબિલિટી' જોતી, હવે હું 'એબિલિટી' જોઉં છું." બીનલબહેનને તેમના પરિવાર તરફથી પણ ખૂબ સહયોગ મળે છે. સર્વસમાવેશી વિકાસની તરફેણ કરતાં બીનલબહેનનું સ્વપ્ન રિહેબિલિટેશનમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું છે.