સસ્તા અનાજની દુકાનોમાં સામેથી માહિતી જાહેર કરવાની કલમ લાગુ

અમરેલીના સલડી ગામના યુવકે કરેલી માહિતી અધિકારની અરજી રંગ લાવી
- પંક્તિ જોગ
માહિતી અધિકાર કાયદો લોકશાહીના સુશાસન માટે એક અસરકારક માધ્યમ સાબિત થઇ રહ્યો છે. નાગરિકોએ આ કાયદાનો ખૂબજ ચીવટપૂર્વક ઉપયોગ કર્યો છે. તેથી સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોમાં લોકોની દેખરેખની ભૂમિકા ઊભી થઇ છે. યોજનાઓનું અમલીકરણ કરનારાં સત્તામંડળો લોકો પ્રત્યે ઉત્તરદાયી બની રહ્યા છે. થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના નાનાકડા ગામના એક યુવકે કરેલી માહિતી અધિકારની અરજીથી રાજ્યસ્તરે નીતિ-વિષયક ફેરફાર આવ્યો છે એ નોંધપાત્ર છે. અમરેલીના લીલીયા તાલુકામાં આવેલા સલડી ગામનો યુવાન ભદ્રેશ વામજા કૉલેજમાં અભ્યાસ કરે છે. તેનો પરિવાર એપીએલ રેશનકાર્ડ ધરાવે છે. તેને જાણવા મળ્યું કે, એપીએલ કાર્ડધારકોને પણ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મળવાપાત્ર છે. આ અંગેની જાહેરખબર પણ અખબારોમાં તેમણે વાંચી હતી. અત્યાર સુધી તેમના કાર્ડ ઉપર સસ્તા અનાજની દુકાનમાંથી માત્ર કેરોસીન મળતું હતું. સસ્તા અનાજના દુકાનધારકને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, " સરકાર ભલે કહેતી હોય પણ એપીએલ માટે અનાજનો કોઇ જથ્થો ફાળવાતો જ નથી." ભદ્રેશને ત્યારે સવાલ થયો કે આમાં સાચુ શું? તે જાણવા માટે તેણે માહિતી અધિકારનો ઉપયોગ કર્યો. માહિતી અધિકાર હેઠળ તેમણે પુરવઠા મામલતદાર સમક્ષ અરજી કરી સસ્તા અનાજની દુકાનમાં દર મહિને કેટલો જથ્થો ફાળવવામાં આવે છે તેની વિગતો માંગી. ભદ્રેશે 'માહિતી અધિકાર હૅલ્પલાઇન'નું પણ માર્ગદર્શન મેળવ્યું. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરવઠા અધિકારીએ સામેથી આ માહિતી જાહેર કરવાની હોય છે. પુરવઠા વિભાગના નાયબ મામલતદાર પાસેથી ફાળવાયેલા જથ્થાની વિગતો મેળવી તો જાણવા મળ્યું કે, દર મહિને એપીએલ, બીપીએલ તેમ જ અંત્યોદય રેશનકાર્ડ ધારકો માટે અનાજનો જથ્થો ફાળાયેલો હતો, પરંતુ દુકાનના સંચાલકો નાગરિકોને ખોટી માહિતી આપી તેમના હક્કનો જથ્થો બારોબાર વગે કરી હકથી વંચિત રાખતા હતા. ગામમાં જ્યારે તેમને મળેલી માહિતીનો પ્રચાર થયો ત્યારે ગામના બીજા ઘણા લોકો તેમની સાથે જોડાઇને ફરિયાદ કરવા તૈયાર થયા. તેઓએ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ સામૂહિક ફરિયાદ કરી. તેના પગલે ગામમાં તપાસ સમિતિ આવી. લોકોએ નિર્ભયતાથી તેમનાં નિવેદનો આપ્યાં. તપાસ સમિતિએ એ બાબતની પણ નોંધ લીધી કે રેશન માટેની તકેદારી સમિતિ વિશે તો ગામમાં કોઇને ખબર જ નથી. તપાસ સમિતિ આવે તે પહેલાં રેશનની દુકાનવાળાએ તેમની દુકાનમાં પડેલો અનાજનો જથ્થો બીજી જગ્યાએ મોકલી દીધો. ગ્રામજનોને ખાતરી થઇ કે અનાજનો જથ્થો તો આવતો હતો પણ તેમના માટે આવેલું અનાજ તેમના સુધી પહોંચતું નહોતું !! મામલતદાર, ગ્રામસેવક અને દુકાન-સંચાલકના મિત્રોએ ભદ્રેશને સલાહ આપી, "તમારી તો ભણવાની ઉંમર છે. તમે આ બધામાં ક્યાં પડ્યાં ?" ત્યારે ભદ્રેશને આશ્ચર્ય થયું કે, જે નાગરિક ગેરરીતિ ખુલ્લી પાડે છે, સમાજના હિત માટે લડે છે. તેમનો સાથ આપવાને બદલે મામલતદાર પણ ગેરરીતિ આચરનારાની પડખે કેમ ઊભા રહ્યા ? આવું કેમ ? જ્યારે દુકાન સંચાલકને મુદ્દાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે ભદ્રેશ અને તેના પરિવારજનો પણ દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. પણ માહિતી આયોગે તાત્કાલિક ધોરણે પગલાં લીધાં એટલે ભદ્રેશ અને તેમનો પરિવાર હિંમત હાર્યા નહીં. ગુજરાતની માહિતી અધિકાર હૅલ્પલાઇન- 99240 85000 હવે 'વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇન' તરીકે પણ કામ કરે છે. જો કોઇ નાગરિક ગેરરીતિ ખુલ્લી પાડવામાં માહિતી અધિકારનો ઉપયોગ કરે અને તેના પર દબાણ લાવવામાં આવતું હોય કાં તો તેને જાનનું જોખમ ઊભું થાય તો વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇનનો સંપર્ક કરી શકાશે. હૅલ્પલાઇન દ્વારા તેમના કેસની વિગત જિલ્લા પોલીસ અધિક્ષક, રાજ્ય માહિતી આયોગ તેમ જ લાગતા-વળગતા પોલીસ સ્ટેશનને મોકલી અરજદારને સંરક્ષણ પુરૂં પાડવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં આવા કિસ્સાઓ વધ્યા છે. ભદ્રેશના કિસ્સામાં તા.14 ફેબ્રુઆરીના રોજ વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇન પર તેમના ઉપર થઇ રહેલા દબાણ અને ધમકી અંગે ફરિયાદ નોંધાઇ હતી. તા. 17 ફેબ્રુઆરીના રોજ માહિતી આયોગ તરફથી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવને પત્ર લખી સસ્તા અનાજની દુકાન પર સામે ચાલીને માહિતી જાહેર થાય તે અંગે નક્કર પગલાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું. તા. 4 માર્ચના રોજ પુરવઠા વિભાગે આ અંગે ખાસ પરિપત્ર જાહેર કર્યો કે, રાજ્યભરની સસ્તા અનાજની દુકાને હવે માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખ મુજબ સામેથી ચાલીને માહિતી જાહેર કરવાની રહેશે. આવી માહિતી જાહેર થઇ કે નહીં તે જોવાની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારીઓને સોંપવામાં આવી છે. વધુ એક બાબત નોંધવા જેવી એ છે કે, ગત વર્ષે ગુજરાત રાજ્ય માહિતી આયોગ, પંચમહાલ જિલ્લા પ્રશાસન, આનંદી, માહિતી અધિકાર ગુજરાત પહેલ અને સી.એચ.આર.આઇ. તેમ જ અન્ય સ્થાનિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે કલમ 4(1) ખ ના અમલીકરણ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેના ભાગ રૂપે સસ્તા અનાજની દુકાન પર કેવી કેવી માહિતી હોવી જોઇએ તેનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું. તે રાજ્ય સરકારે માન્ય રાખ્યું છે. પ્રો-ઍક્ટિવ ડિસ્ક્લોઝર માટેના આ માળખાને નાગરિકો, દુકાન- સંચાલકો, મામલતદારો તેમ જ સ્વૈચ્છિક સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી નક્કી કરવામાં આવ્યું હતું. આ પરિપત્રનો સરખો અમલ થાય તે જોવાની જવાબદારી સૌની છે. જો તેનો અમલ ના થયો હોય તો સૌ પ્રથમ જિલ્લા પુવઠા અધિકારીનું લેખિતમાં ફરિયાદ કરી ધ્યાન દોરવું. જો ફરિયાદ પર કોઇ પગલાં લેવામાં ન આવે તો માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરી માહિતી માંગી શકાય. આ અંગે માહિતી અધિકાર કાયદાની કલમ-18 અંતર્ગત સીધી ફરિયાદ પણ કરી શકાય છે. ગ્રામવિકાસના મુદ્દે કાર્યરત સંગઠનો, મહિલા જૂથો અને અન્ય જાગૃત નાગરિકો આ માહિતી ઉપરાંત, ગ્રામ સ્તરની રેશન માટેની તકેદારી સમિતિની વિગતો પણ જાહેર કરવામાં મદદરૂપ થઇ શકે એમ 'ચરખા'ના એક અહેવાલમાં જણાવ્યું છે.