સરકારી યોજનાઓની માહિતી જનસમાજ સુધી પહોંચાડવાની મહત્ત્વની ભૂમિકા અદા કરતા પ્રગતિશીલ ખેડૂત

તમારાં સંતાનોને બિચારાં કે લાચાર ન જ બનાવાય:અનિલભાઈ પટેલ
- ઉત્કંઠા ધોળકીયા
અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. આમ જુઓ તો એક સામાન્ય ગુજરાતી નામ લાગે, પણ જ્યારે એમને મળીએ ત્યારે એમની અસામાન્ય પ્રતિભાનો પરિચય મળે. 71 વર્ષની ઉંમરે તેઓ 17 વર્ષના યુવા જેવો ઉત્સાહ ધરાવે છે. કદાચ આ પણ કોઈને સામાન્ય વાત લાગે તો એમની એક અન્ય અસામાન્ય બાબત એ છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. છ વર્ષની ઉંમરે શીતળામાં આંખ ગુમાવ્યા પછી પણ તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતક, સંગીત વિશારદ અને ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા સુધીનું શિક્ષણ મેળવ્યું છે. અત્યારે પણ તેઓ 'અંધ જન મંડળ'ની જૂનાગઢ શાખાનો વહીવટ સુપેરે ચલાવે છે.  
મૂળ વિસાવદરના વતની અનિલભાઈએ ત્યાં પાંચ ધોરણ સુધી ભણ્યા પછી મુંબઈની વાટ પકડી. જ્યાં તેઓએ વિકટોરીયા મેમોરિયલ સ્કૂલ ઑફ બ્લાઈન્ડ્સમાં શિક્ષણ મેળવ્યું. પોરબંદરમાં ત્રણ વર્ષ ક્લિનિક ચલાવ્યું. અત્યારે તેઓ 'રાષ્ટ્રીય અંધજન મંડળ-જૂનાગઢ'ના માનદ સામાન્ય મંત્રી છે. 'રાષ્ટ્રીય-અંધ જન મંડળ-ભારત' સાથે તેઓ 1953થી જોડાયેલા છે. અમદાવાદ શાખા સાથે પણ સંકળાયેલા. વળી, તેઓ પોરબંદરની અંધ શાળાના સ્થાપક તથા આજીવન ટ્રસ્ટી છે. વર્ષ 1982થી જૂનાગઢ ખાતે કામ શરૂ કરવામાં આવ્યું. અનિલભાઈ એ સમયને યાદ કરતાં કહે છેઃ ત્યારે તો ઑફિસ જેવું કંઈ હતું નહીં. નળિયાંવાળા ઓરડામાં બેસતા. ચાની પેટી અને ખાંડના કોથળા એ અમારાં ટેબલ-ખુરશી. 1989ની સાલથી જૂનાગઢની હાઈસ્કૂલમાં થોડું વ્યવસ્થિત મકાન મળ્યું. તેમાં પુસ્તકાલય અને વૃદ્ધાશ્રમ શરૂ કર્યાં. પછી તો પોતાની જમીન માટે ખૂબ પ્રયત્નો કર્યા. છેવટે વંથલી હાઈવે ઉપર જમીન મળી. સંકલિત શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની સાથે દૃષ્ટિ ક્ષતિ ધરાવતા લોકો તેમ જ બહેરાં-મૂંગાં અને માનસિક બીમાર વ્યક્તિઓ સાથે પણ કામ કરવાનું શરૂ કર્યું. હવે તો આ સંકુલમાં 1થી 12 ધોરણ અને કૉલેજ સુધીનો અભ્યાસ કરતાં 70 જેટલાં બાળકોની હૉસ્ટેલ છે. વૃદ્ધાશ્રમમાં 30 વૃદ્ધો રહે છે. પુસ્તકાલય છે અને દવાખાનું પણ હતું. દવાખાનાની તો એક સ્ટોરી છે. અનિલભાઈ કહેતાં કહેતાં મલકાઈ ઉઠે છે. પહેલાં અહીં ગંદકીને લીધે બહુ બીમારી હતી. અહીં દવાખાનું થયું પછી બીમારીનું પ્રમાણ ઘટ્યું. ઘટ્યું તે કેવું કે હવે દવાખાનાના રૂમમાં સંગીતક્લાસ ચાલે છે.
'હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ'(એચઆઈ)નો પરિચય થયો વર્ષ 2009માં. સંસ્થાએ આયોજિત કરેલી એક તાલીમમાં ભાગ લીધો અને શરૂ થયો સંબંધનો સિલસિલો. 'એચઆઈ'ના સહયોગથી 50 જેટલા જાગૃતિ કાર્યક્રમો કર્યા. 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નાટકો ભજવ્યાં. આ માધ્યમોથી વિવિધ સરકારી કાયદાઓ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી. આ સફર દરમ્યાન જાતજાતના અનુભવો થયા. અનિલભાઈ સ્મરણોનો પટારો ખોલે છે. લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે પહેલીવાર તો એમ જ પૂછેઃ 'શું આપશો?' અરે, લોકો તપેલી અને બોઘણાં લઈને આવતા કે કંઈક મળશે. ક્યારેક વળી એવું પણ સાંભળવા મળતું કે 'કોથળી' આપો તો આવીએ. આવા ખટમીઠાં અનુભવો સાથે આ યાત્રા ચાલતી રહી. અનિલભાઈ ભારપૂર્વક કહે છે, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને નાનપણથી જ ફરજિયાત ભણાવવી જોઈએ. મોટેભાગે એવું બનતું હોય છે કે માતાપિતા પહેલાં ધ્યાન ન આપે. પછી મોટી ઉંમરે ભણવા મૂકે. જે બિલકુલ યોગ્ય નથી. બલકે, માતાપિતાએ પોતાનાં સંતાનને ઉદ્યમને લગતી તાલીમો પણ અપાવવી જોઈએ. તેને બિચારું કે લાચાર કહેવું નહીં અને બનાવવું નહીં.અનિલભાઈનાં પત્ની સવિતાબહેન પણ પોતાની પાંચ દીકરીઓનાં લગ્ન કરીને નિવૃત્તિ માણે છે. એક પુત્ર છે, જે સાથે જ રહે છે. 'પાંચ દીકરીઓને પરણાવી. હવે આ બધીયે મારી દીકરીઓ છે.' પતિ સાથે નિરાંતે હીંચકે ઝૂલતાં સવિતાબહેન કહે છે. તેઓ આ દીકરીઓને તેમની તકલીફોમાં માર્ગદર્શન આપે છે. અનિલભાઈ માટે તેઓ કહે છે કે એ મૂળે તો ખેડૂત. ખેતીમાં કેટલાય પ્રયોગો કર્યા છે અને હજુયે અખતરાઓ કરતા રહે છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે આકાશવાણી ઉપર બોલવા પણ ગયા છે. 
અનિલભાઈએ પોતાની જિંદગીમાં નોકરી કરી જ નથી. તેઓનો સિદ્ધાંત છે કે ખોટી વાત કરવી નહીં, કહેવી નહીં અને સહન પણ ન કરવી. બાળકોને તેમણે નાની ઉંમરથી બચતની ટેવ પાડી છે. વાચનનો ખૂબ શોખ ધરાવતા અનિલભાઈ સંસ્થાના બ્રેઈલ પ્રેસમાં છપાતાં પુસ્તકોનું પ્રૂફ રીડિંગ પણ કરે છે. તેમણે પોતે કેટલીય બાળવાર્તાઓ, નવલકથાઓનું બ્રેઈલીકરણ કર્યું છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અનિલભાઈ સ્વભાવે સાવ નિર્લેપ અને નિર્મોહી છે. તેમની સાથે વાત ચાલતી હતી એ દરમ્યાન તેમને કોઈ મળવા આવ્યું. ત્યારે તેમણે કહ્યું મેં બીજા લોકોને તૈયાર કર્યા છે. તેઓ પોતે સંભાળી લેશે. હું કોઈ ઉપાધી કરતો નથી. મારા ટેબલના કબાટમાં ચાવી પણ હંમેશાં ભરાવેલી જ હોય. મારું કશું ખાનગી નથી, કશું બંધ નથી. શું ઑફિસ કે શું ઘર!