વંચિત સમુદાય સાથે સંવાદ સાધવાની ક્ષમતા અને સંવેદનશીલતા આવશ્યક

યશવન્ત મહેતા 
વિકાસલક્ષી આલેખન એ કવિતાલેખન નથી. કવિતાલેખન વ્યક્તિકેન્દ્રી પ્રવૃત્તિ છે. વાર્તા, નવલકથા અને ક્યારેક વિકાસસંબંધી નિબંધ પણ વ્યક્તિકેન્દ્રી થઈ શકે છે. વિકાસલક્ષી આલેખન અનિવાર્યપણે સમષ્ટિકેન્દ્રી પ્રવૃત્તિ છે. જે ગામ કે પ્રદેશ કે ક્ષેત્રવિશેષના વિકાસની વાતનું આલેખન હોય એની માનવવસતિ સાથે મળીને આ આલેખન કરવાનું હોય છે. આથી, આ આલેખન માટે હર પ્રકારના લોકો સાથે સંવાદ સાધવાની ક્ષમતા જરૂરી છે. ચીંથરેહાલ અને દુર્બળ અને ક્યારેક રોગગ્રસ્ત ગ્રામજનો સાથે નિકટતા સાધીને એમના મનની વાત પામવાની તૈયારી તથા સંવેદનશીલતા જોઈએ. વિકાસલક્ષી આલેખન પ્રત્યક્ષ પૂછપરછ, તપાસ અને અનુભવ કે નિરીક્ષણ પર આધારિત હોવું જોઈએ. આવું આલેખન દૂર બેઠાં, ટેબલ પર બેઠાં થઈ શકતું નથી. કપડાં મેલાં કરવાનાં છે અને જૂતાંનાં તળિયાં ઘસવાનાં છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અપ્રત્યક્ષ કાર્ય છોડી દેવું. જે કોઈ પણ વિકાસલક્ષી પ્રશ્ન કે મુદ્દો હોય એનો અભ્યાસ કરવાનું પણ જરૂરી છે. જે-તે પ્રશ્નનો ભૂતકાળ જાણવો. એ અંગે અગાઉ કશું કામ થયું છે કે કેમ એ તપાસવું. એ કામનો અનુભવ શો હતો? એ કામ થયું કેમ નહિ? એને લગતા કશા અહેવાલ કે અન્ય દસ્તાવેજો છે કે નહિ એ તપાસવું. જો એવા કશા દસ્તાવેજો હોય તો એમનો પણ અભ્યાસ કરવો જોઈએ. દાખલા તરીકે, કોઈ એક ગામે ભૂતકાળમાં પાણીનો ટાંકો રચવાની કે પાણી માટેનો બોર ગાળવાની કોશિશ કયા કારણે મુલતવી રાખવામાં આવી, એ જાણ્યા વગર એના પાણીના પ્રશ્નને ન્યાય આપી શકાય નહિ. દાખલા તરીકે, અમુક બિયારણ જે-તે ગ્રામવિસ્તારમાં વાપરતાં પહેલાં તે વિસ્તારની જમીન, પાણી, આબોહવા, પર્યાવરણ, લોકરુચિ વગેરે-વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. આવા સર્વગ્રાહી અભ્યાસ પછી જ આલેખન અધિકૃત બનશે અને જો ફરિયાદ હોય તો એનુંય વાજબીપણું, તો જ દર્શાવી શકાશે. વિકાસલક્ષી આલેખન કરતી વેળા વાસ્તવિકતાને નજરઅંદાજ કરી ન શકાય. અમુક રચના કેમ થતી નથી કે અમુક સુવિધા રચાવી જ જોઈએ કે અમુક પરિણામ હાંસલ થવાં જ જોઈએ વગેરે પ્રકારના આક્રોશપૂર્ણ આલેખન અગાઉ એ દરેક બાબતની શક્યતા કે યથાર્થતા (ડ્ડડટ્ટદ્મણ્ટ્ઠણ્ત્ણ્દ્દધ્) તપાસવી બહુ જ જરૂરી છે. આ શબ્દો હું જેમને માટે લખી રહ્યો છું એ બધા આદર્શપ્રેરિત અને ઉત્સાહી યુવજનો છે. ઇષ્ટ પરિવર્તન સાધવાની બાબતમાં તેઓ ટીકામાં, દરખાસ્તમાં કે મૂલ્યાંકનમાં વાસ્તવિકતાને ઉવેખી શકે છે. આ મુદ્દે સતત જાગૃતિ જરૂરી છે. આજકાલ આપણને ખૂબ જ પીડા આપી રહેલો એક વિકાસલક્ષી મુદ્દો ખાસ આર્થિક પ્રખંડ (સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન યાને 'સેઝ') રચવા વિશેનો છે. રાજ્ય સરકારોની બેસુમાર છૂટછાટોને કારણે નિજી ઉદ્યોગસાહસિકો અનેક સેઝ સ્થાપવા દોડી રહ્યા છે. એ લોકોને જરૂરી જમીન મેળવી આપવાની લાહ્યમાં રાજ્ય સરકારો નાના ખેડૂતોની ઉપજાઉ જમીનો પણ છીનવીને મૂડીદારોના હાથમાં મૂકી દે છે. આપણે એક આંદોલન તરીકે, એક સૂત્ર તરીકે કહેવું જોઈએ કે કોઈ પણ સેઝ માત્ર વેરાન-વગડાઉ-ગોચરમુક્ત કે એવા પ્રકારની જમીન પર જ થઈ શકશે. ધનવાનો પોતાનું ધન પ્રથમ તો એ જમીન વિકસાવવામાં વાપરે, પછી અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં. અરે, રાજ્ય સરકારોને આર્થિક પ્રવૃત્તિની એટલી બધી ખટપટ હોય તો બંજર જમીનોને પોતે વિકસાવે. આ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે વિકાસલક્ષી આલેખનની આપણી પ્રવૃત્તિ દરમ્યાન પણ આપણું લોકલક્ષી, લોકહિતકારી નિશાન ચુકાવું નહિ જોઈએ. વિકાસલક્ષી આલેખન કેમ કરવું, એ પ્રશ્નનો એક ઉત્તર આલેખનની પદ્ધતિ અને શૈલીનો હોઈ શકે. રજૂઆત કેવી રીતે કરવી, એ હોઈ શકે. જવાબ ટૂંકમાં એમ આપી શકાય કે આ રજૂઆત કોષ્ટકો, આલેખો, પ્રસંગકથાઓ કે અનુભવકથાઓ, મુલાકાતો (ઇન્ટરવ્યૂઝ), સરખામણીઓ વગેરે-વગેરે દ્વારા થઈ શકે. અરે, સાહિત્યના કોઈ પણ પ્રકાર દ્વારા રજૂઆત થાય - કાવ્ય, નિબંધ, વાર્તા વગેરે દ્વારા. વિકાસલક્ષી લેખનના મહારથીસમા વિખ્યાત લેખક દિલીપ રાણપુરાનું લેખન આમાં એક નમૂનારૂપ ગણાય. વિકાસલક્ષી આલેખનની રીતમાં એક પાસું માધ્યમો સુધી કેમ પહોંચાય અને માધ્યમોને આપણા આલેખનમાં રસ લેતાં તથા સ્થાન આપતાં કેવી રીતે કરાય એનાં કૌશલ્યો કેળવવાનું છે. અગાઉ 'ચરખા' દ્વારા આ વિષય પર આખો પરિસંવાદ યોજાઈ ચૂક્યો છે, એટલે એની વિગતોનું પુનરાવર્તન નથી કરતો. માત્ર પુનઃ એટલું નોંધું કે આપણા કામની સફળતા માટે આ કૌશલ્ય પણ હાંસલ કરવાં રહ્યાં.