ત્રણ પગલાં વિકાસભણી

ઉર્વીશ કોઠારી 
પીળા પત્રકારત્વ સહિત દરેક પ્રકારનું પત્રકારત્વ એક યા બીજી રીતે 'વિકાસલક્ષી' હોય છે. પત્રકારત્વ દ્વારા કોઈ પોતાનો વિકાસ સાધવા મથે છે, તો કોઈ પોતે સ્વીકારેલી વિચારધારાનો. કોઈ પોતાનાં જ્ઞાતિ કે સમાજનો, ઓળખીતાં-પાળખીતાંનો કે નાણાકીય લાભ કરાવનારનો વિકાસ ઈચ્છે છે, તો કોઈ પોતે જે સમાજનો સભ્ય છે તે આખા સમાજનો અને છેવટે માનવમાત્રનો વિકાસ ઇચ્છે છે. અહીં જે વિકાસની વાત છે, તેમાં મુખ્યત્વે પ્રસાર માધ્યમોની ટૂંકી દૃષ્ટિમર્યાદાથી દૂર રહેતા લોકો-વિસ્તારો-મુદ્દાનો સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ વિકાસલક્ષી પત્રકારત્વના વિષયોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય. પણ, એક મિનિટ. આગળ વધતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઈએ કે 'વિકાસલક્ષી પત્રકારત્વ' કે એ કરનારાના માથે શીંગડાં નથી હોતાં. મૂળભૂત રીતે એ પત્રકારત્વનો જ એક પ્રકાર છે, જે કોઈ કાળે મુખ્ય હતો અને હવે વધુ ને વધુ ખૂણે ધકેલાઈ ગયો છે. 'પત્રકારત્વ' અને 'વિકાસલક્ષી પત્રકારત્વ' એકબીજાનાં વિરોધી નથી. ભારતની વાત કરીએ ત્યારે તેમાં આપોઆપ ગુજરાતનો સમાવેશ થઈ જાય છે તેમ, પત્રકારત્વની વાત થાય ત્યારે તેમાં આપોઆપ વિકાલક્ષી પત્રકારત્વનો સમાવેશ થઈ જાય, પરંતુ જેમ કેટલાક ઉત્સાહીઓ ગુજરાતને ભારતથી અલગ ઉપસાવવા ઇચ્છે છે, એવું જ ક્યારેક વિકાસલક્ષી પત્રકારત્વની બાબતમાં બને છે. વિકાસલક્ષી પત્રકારત્વ આગળ જણાવ્યું તેમ પત્રકારત્વનો જ એક ફાંટો હોવાથી, સારા પત્રકારત્વના તમામ નિયમો તેને લાગુ પડે છે અને ખરાબ પત્રકારત્વનાં તમામ દૂષણો પણ તેને અભડાવી શકે છે. અવિકસિત/વિકસી રહેલા વિસ્તારો આ જાતના પત્રકારત્વ માટેનું ક્ષેત્ર બને છે. છતાં, વિકાસશીલ પત્રકારત્વની વ્યાખ્યામાંથી શહેરી વિસ્તારની સંપૂર્ણ બાદબાકી પણ કરી શકાય નહીં. કેમ કે, આપણાં શહેરો અધકચરા વિકાસના ઉત્તમ નમૂના છે. આટલી ભૂમિકા પછી વિકાસશીલ પત્રકારત્વના વિષયોની વાત કરીએ. મુખ્ય ત્રણ મુદ્દે વિકાસલક્ષી પત્રકારત્વનો અવકાશ હોય છેઃ (1) સમસ્યા, (2) સંઘર્ષ (3) સિદ્ધિ. સમસ્યાઃ ભારત સમસ્યાપ્રધાન દેશ છે. જ્ઞાતિવાદ, કોમવાદ, આભડછેટ, અંધશ્રદ્ધા, સામાજિક કુરૂઢિ, વૈશ્વિકીકરણની સારી-માઠી અસરો, મોલ-સંસ્કૃતિ, મોટી વ્યાપારી કંપનીઓના એકહથ્થુ વર્ચસ્વનો પ્રસરી રહેલો પંજો, પાણીની અછત, વીજળી-સડક જેવી સુવિધાઓથી વંચિતતા... આવી અનેક સમસ્યાઓ એકસાથે અનેક જગ્યાએ જોવા મળે છે. પત્રકારનું સૌથી પહેલું કામ આવી સમસ્યાઓની ઓળખ કરવાનું છે. કેમ કે, ઘણી સમસ્યાઓ સમાજના મોટા વર્ગને સમસ્યાઓ જ લાગતી નથી. એટલે તેને દૂર કરવાના પ્રયાસ શી રીતે થાય? પત્રકાર પોતે પહેલાં ઉપર જણાવેલી સમસ્યાઓની ઓળખ માટે સજ્જ થાય, પોતાને અનુકૂળ હોય એ ભાષામાં એ સમસ્યાઓનો અંદાજ આપતાં થોડાં પુસ્તક અથવા કમસે કમ થોડા લેખો વાંચે. તેમાં એ પોતાના શ્રદ્ધેય મિત્રો કે સિનિયરનું માર્ગદર્શન મેળવી શકે. પત્રકાર પોતે સમસ્યાની ગંભીરતા, તેનાં ઊંડાણ અને મૂળિયાંથી પરિચિત થાય, પછી નિબંધાત્મક નહીં, પણ ટૂંકા-સચોટ, બને તેટલાં તથ્યો ધરાવતા અહેવાલોથી એ સમસ્યા વિશે જાગૃતિ પેદા કરી શકે. જેમ કે, કોઈ એક ગામમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન છે. ગામલોકોને તેમાં કશું અજૂગતું લાગતું નથી, પણ પત્રકાર એ સમસ્યા વિશે ગામલોકોને જાગ્રત કરવા માગે છે. એ સંજોગોમાં અસ્પૃશ્યતા વિશે ગાંધીજી કે આંબેડકરના વિચારો ઠપકારવાને બદલે, જે વિસ્તારની વાત હોય તેમાં પત્રકાર જાય, સમસ્યા અંગે પોતાનું વલણ છતું કર્યા વિના દલિતો-બિનદલિતોને બને એટલી કુનેહથી પૂછે અને કેટકેટલી બાબતોમાં અસ્પૃશ્યતા પ્રવર્તે છે તેની એક યાદી બનાવે. ગામમાં દલિતો અને બિનદલિતોની કેટલી વસ્તી છે, તેમની આર્થિક સ્થિતિ કેવી છે, સંબંધનાં સમીકરણ કેવાં છે, તેની પર ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે (દા.ત. મોટા ભાગના દલિતો આભડછેટ રાખતા વર્ગને ત્યાં મજૂરી કરતા હોવાથી તે સામે પડી શકતા નથી), દલિતોએ ભૂતકાળમાં કદી વિરોધનો પ્રયાસ કર્યો છે, અત્યારે તેમનામાં વિરોધ માટેનો કોઈ જુસ્સો દેખાય છે, જો હોય તો તે ક્યાં પાછા પડે છે- આવી વિગતો જાણવી જરૂરી છે. એ વિના, ફક્ત બન્ને પક્ષોનાં અવતરણો મૂકી દેવાથી 'તટસ્થ અહેવાલ' બની જતો નથી અને લખનારને તેમ જ વાંચનારને પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવતો નથી. આ જાતના અહેવાલ માટે સમસ્યાનાં વિવિધ પાસાંનો અંદાજ મેળવીને સ્થળ પર જઈ શકાતું હોય તો ઉત્તમ. એ શક્ય ન હોય, તો સ્થળ પર ગયા પછી શક્ય એટલા પક્ષોને મળવું. કોઈ આખાબોલા વયોવૃદ્ધ મળી જાય તો ઉત્તમ. થોડી ધીરજ રાખવાથી તેમની પાસેથી આખી સમસ્યાનો વર્તમાન જ નહીં, ઇતિહાસ પણ જાણવા મળી શકે. બને ત્યાં સુધી સમસ્યાનું કે તેના કારણે બનેલી ઘટનાનું સરકારી દૃષ્ટિબિંદુ જાણવું અને લખવું. અછતને લગતી સમસ્યાઓમાં તેના ઉકેલ અંગે સ્થાનિક કે બહારના સ્તરે કોઈ પ્રયાસ થયા હોય તો તેની જાણકારી મેળવવી અને તેમની નિષ્ફળતાનાં કારણો પણ ટૂંકમાં નોંધવાં. સંઘર્ષઃ સમસ્યાનો દારૂગોળો મોટે ભાગે કોઈ નજીવા તણખાને કારણે ફાટે છે. માટે કેવળ તણખા પ્રત્યે સઘળું ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, મૂળ દારૂગોળા વિશે શક્ય એટલી વધારે વિગતો (આગળ જણાવ્યા પ્રમાણે) મેળવવી. સંઘર્ષ વખતે સરહદો અંકાયેલી અને વાતાવરણ ગરમ હોય છે. અહેવાલ લેવા જનારની ઓળખ એક યા બીજા પક્ષ સાથે સંકળાયેલી ન હોય તો સારું અને સંકળાયેલી હોય તો પણ બીજા પક્ષને અવશ્ય મળવું. એક ઘટનાના પ્રત્યાઘાતો ચાલુ હોય ત્યારે તાજા બનાવોની નોંધની સાથોસાથ મૂળ બનાવ ભુલાઈ ન જાય તેનો ખ્યાલ રહે. અહેવાલોની ભાષામાં ખાસ ધ્યાનમાં રાખવા જેવું હોય છે. અવતરણનો અર્થ એવો નથી કે વાત કરનાર જે કહે તે બધું એ જ શબ્દોમાં લખી પાડવું. ઘણી વાર બે વ્યક્તિ વચ્ચે જે અપમાનજનક શબ્દને લઈને તકરાર થઈ હોય, એ જ બાબત ત્યાર પછી આવતા અહેવાલોમાં અનેક વાર પુનરાવર્તન પામે છે અને એક પક્ષ રમૂજથી તથા બીજો પક્ષ આઘાતથી એ જોઈ રહે છે. ઘટનાનો એક વાર અહેવાલ લખ્યા પછી શું બને છે એ અંગે કમસે કમ ફોનથી થોડા થોડા સમયે માહિતી મેળવી શકાય, પણ આખરી અહેવાલ લખતી વખતે ફક્ત ફોન-માહિતીનો આધાર ન લેવો. હવેના સમયમાં તસવીરો પાડવાનું કામ સહેલું થઈ ગયું છે, ત્યારે અહેવાલની સાથે તસવીરો છપાશે કે નહીં તેની ચિંતા કર્યા વિના, આપણા સંદર્ભ માટે તસવીરો લેવીઃ વ્યક્તિઓની, સ્થળોની, સંબંધિત ચીજવસ્તુઓની. સિદ્ધિઃ ભેદભાવ કે અંધશ્રદ્ધા જેવી કોઈ સમસ્યા સામેની અનંત લડાઈમાં મળતો નાનામાં નાનો વિજય અગત્યનો હોય છે. એ લડાઈની શરૂઆત, તેમાં લોકોનો સહયોગ, પડેલી અડચણો, સંઘર્ષ કરનાર વ્યક્તિ/જૂથની અડગતા અને તેના પરિણામે મળેલી સફળતા વિશે જાણવું, આખી પ્રક્રિયાને ફિલ્મી સરળતાથી જોવાને બદલે તેમાં રહેલી નાનીમોટી ગૂંચો પણ જોવી. સફળતાનું મહત્ત્વ જેમ ઓછું ન આંકવું તેમ એટલું વધારે પણ ન આંકવું કે સંઘર્ષ કરનારને જગ જીત્યાની અને 'હવે બીજું કંઈ કરવાની જરૂર નથી' એવી લાગણી થવા માંડે. સારી કામગીરી કરનારા લોકો પ્રસાર માધ્યમોમાં મળતી પ્રસિદ્ધિના રવાડે ચડી ગયા પછી, સમાજને નહીં પણ માધ્યમોને અનુલક્ષીને કામ કરવા માંડે એવા કિસ્સા પણ ઓછા નથી. તમામ સારા આશયો સહિત આવા 'પાપ'માં નિમિત્ત બનવાનું ન થાય તેની કાળજી રાખી શકાય. સુવિધાઓને લગતી લડતોમાં મળેલી સફળતામાં સઘળું શ્રેય કોઈ એક વ્યક્તિને ન મળી જાય તે જરૂરી છે. સામૂહિક નિષ્ફળતાઓની જેમ સફળતામાં પણ સામૂહિક હિસ્સો હોય છે. એની વાજબી નોંધ લેવાય તો સારું. સંઘર્ષ કે સુવિધાને લગતી સફળતાની વાત કરવાની હોય ત્યારે તેની મર્યાદા વિશે ટીકાકારની દૃષ્ટિથી વિચારીને કટુ થયા વિના મર્યાદા ભણી આંગળી ચીંધી શકાય. આ પદ્ધતિ પ્રમાણે માહિતી મેળવ્યા પછી તેના લેખનનો પ્રશ્ન આવે છે. બને તો એટલું મુદ્દાસર, વિષય બદલાય ત્યારે વચ્ચે વચ્ચે પેટામથાળાં મારીને, મૂળ પ્રવાહ કરતાં સાવ જુદી વાત હોય ત્યારે એટલા મુદ્દાને અલગ બોક્સ તરીકે મૂકીને લખાણ તૈયાર કરી શકાય. તેમાં શૈલી કે ભારેખમ શબ્દોની ચમકદમક ભભરાવાની લાલચ ટાળવી. એમ કરવામાં ઘણી વાર ઓડનું ચોડ થાય છે. ભાષા બને તેટલી સાદી અને વાક્યો બને એટલાં ટૂંકાં- આ બાબતો વિકાસલક્ષી અને બીજા કોઈ પણ પ્રકારના લેખનમાં યથાશક્તિ અનુસરવાથી લખનારનો પણ વિકાસ થવાની ઊજળી શક્યતા રહે છે.