ટ્યુશનમાં આવતા બાળકોનાં વાલીઓ માટે 24 કલાકની હૅલ્પલાઈન જેવા શિક્ષિકા

આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, પ્રામાણિકતા અને સચ્ચાઈના ધોધ સમાન વર્ષાબહેન 
- હિમાલી સિધ્ધપુરા
"સચ્ચાઈનો માર્ગ તો માત્ર શૂરાનો જ!" આ પંક્તિને સંપૂર્ણ યથાર્થ ઠેરવે છે પોરબંદરનાં સશક્ત નારી અને શ્રેષ્ઠ શિક્ષિકા વર્ષાબહેન થાનકી. 42 વર્ષીય વર્ષાબહેને સોશ્યોલૉજી વિષય સાથે સ્તાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બે વર્ષ સુધી એલએલ.બી. પણ ભણ્યાં. આંગળીઓ ન હોવા છતાં હાલ તેઓ કૉમ્પ્યુટર પણ શીખે છે. માત્ર બે અંગુઠા વડે તેઓ પોતાનાં તમામ કાર્ય કરે છે. અભ્યાસકાળ દરમિયાન તેમણે પરીક્ષા સમયે ક્યારેય રાઈટર નથી રાખ્યો અને કૉલેજ પણ નિયમિત કરી છે. આજે તેઓ ધો. 1થી 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના ટ્યુશન થકી રૂપિયા સાત હજાર જેટલું કમાવીને પરિવાર માટે ટેકરૂપ બન્યા છે. તેમની રૂબરૂ મુલાકાત વેળા બાળપણની સ્મૃતિમાં ખોવાઈ જતાં વર્ષાબહેન તેમના શિક્ષણની વાત કરતાં કહે છે કે, "મારા પગ પણ હાથ જેવા જ છે. તેથી બહાર નીકળું તો પગમાં કાંકરા વાગે. વળી, બહાર નીકળતાં પણ શરમ આવતી. તેથી બાપુજી મને તેડીને શાળાએ મૂકી જતાં! શરૂઆતમાં અમે કુંભારવાડામાં રહેતા ત્યારે સ્કૂલ નજીક હતી. પરંતુ, ધીમે ધીમે ઉંમર વધતાં શરીરનું વજન વધવા લાગ્યું. તેથી બાપુજી એક રૂપિયાની સાઈકલ ભાડે લેતા તેમાં બેસાડીને મને લેવા મૂકવા આવતા." વર્ષાબહેન સરકારી શાળામાં જ ભણ્યાં છે અને દવાઓ પણ સરકારી ખાતામાંથી મફતમાં કરાવી છે. પોતાના જીવનના એક યાદગાર પ્રસંગને વાગોળતાં વર્ષાબહેન કહે છે, "જ્યારે મારે દસમા ધોરણનું ફોર્મ ભરવાનું હતું ત્યારે 150 રૂપિયા મારે ઉછીના લેવા પડ્યા હતા. આજે 1000 રૂપિયા હું કામવાળીને આપું છું." આજે વર્ષાબહેન આર્થિક રીતે સંપૂર્ણ સ્વાવલંબી છે. 80 વિદ્યાર્થીઓનું ટ્યુશન તેઓ કરાવે છે અને તેમના ટ્યુશનમાં આવતા બાળકોનાં વાલીઓ માટે જાણે 24 કલાકની હૅલ્પલાઈન સાબિત થયા છે. જ્યારે બાળકો કંઈ કામ ન કરે તો તરત જ તેમના વાલીઓ વર્ષાબહેનને ફોન કરે છે. વર્ષાબહેન માને છે કે તેમનામાં સૌપ્રથમ તો એટલો આત્મવિશ્વાસ પણ નહોતો. જ્યારે તેઓ આઠમા ધોરણમાં હતા ત્યારે ક્લાસમાં સૌપ્રથમ વખત તેઓ ગીત ગાવા માટે ઊભાં થયા, પરંતુ તેમની શારીરિક ક્ષતિનાં કારણે તેમને કાળા માથા સિવાય કંઈ ન દેખાયું અને પરિણામે હતાશા તેમને ઘેરી વળી. ત્યારબાદ જ્યારે તેઓ કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયાં અને વર્ષાબહેન દૃઢપણે માને છે કે ત્યાં જોડાયાં પછી જ તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને વધુ મક્કમતાથી તેઓ જીવન સાથે સંઘર્ષ કરવા સક્ષમ બન્યાં છે. વિકલાંગતા મુદ્દે કાર્યરત સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના સંપર્કમાં આવ્યા પછી તેમનામાં રહેલા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ છે એવું વર્ષાબહેન દૃઢપણે માને છે. પોતાનાં શોખ અને અભિરૂચી વિશે જણાવતાં વર્ષાબહેન કહે છે, "જ્યારે હું છોકરીઓને ગરબા ગાતા જોઉં ત્યારે મને પણ મન થતું. આ ઉપરાંત, વર્ષાબહેનને રસોઈ બનાવવાનો, માઈકમાં ગીતો ગાવાનો, ભરતગૂંથણ, સિલાઈ તેમ જ મોતીનાં રમકડાં બનાવવાનો પણ શોખ છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ દરેક કામ તેઓ ખૂબ જ નિપુણતાપૂર્વક અને રસથી કરે છે. "ખોટું કામ કરવું નહિ અને કરવા દેવું નહિ" એ વર્ષાબહેનનાં જીવનનો જીવનમંત્ર છે. વર્ષાબહેન ખૂબ જ ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપુર વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી છે. તેઓ કહે છે કે, "હું માત્ર શરીરથી વિકલાંગ છું, મનથી ક્યારેય નહિ." તેમના કોઈ પણ કામમાં આળસ નથી. કામને પાછું ઠેલવવાની પણ વાત નથી. સતત ઉત્સાહ અને જીવન પ્રત્યેનો જીવંત અને હકારાત્મક અભિગમ એ વર્ષાબહેનનાં વ્યક્તિત્વની લાક્ષણિકતા છે.