સિલિકોસીસે એક ગામમાં 125ને વિધવા બનાવી...

- જગદીશ પટેલ

ખંભાત પાસેના શકરપુર ગામમાં 125 જેટલી વિધવા એવી છે જેમના પતિના મૃત્યુ પાછળ જીવલેણ રોગ સિલિકોસીસ (અકીકના પથ્થરને ઘસતા થતો રોગ) જવાબદાર છે પરંતુ રાજય સરકારના શ્રમ વિભાગ સિલિકોસિસથી કોઇના પણ મોત થયાનું સ્વીકારતો નથી. તેની પાછળનું કારણ એવું છે કે, સરકાર ફેકટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટને આધારે જ માહિતી મેળવે છે અને સિલિકોસીસના નાના એકમો કે ઘરે કામ કરતા કામદારો તેમાં નોંધાતા નથી પરિણામે અત્યાર સુધી સેંકડો કારીગરો મરી ગયા હોવા છતાં શ્રમ વિભાગ તેની ભયાનકતા સ્વીકારવા તૈયાર નથી.
ખંભાતના શકરપુર, નંદેલી, ટીંબા, રાલજ, અકબરપુર, નઘરા, આંકલાવનું નવાપુરા, જંબુસરના દહેગામ અને ગુલાલ વિગેરે અનેક ગામ એવા છે જયાં અકીક ઉદ્યોગમાં લગભગ 25 હજાર જેટલા કામદારો કામ કરે છે. તેમાંથી પથ્થર ઘસવાના ખતરનાક ગણાતા કામમાં એકથી દોઢ હજાર જેટલા કારીગરો છે. પિપલ્સ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ સેન્ટરના જગદીશ પટેલના કહેવા મુજબ આ અંગે નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા થયેલા વિસ્તૃત સર્વે મુજબ 40 ટકા જેટલા બિમાર હોય છે. જયારે 10થી 12 ટકા એવા લોકો છે જેઓ અકીક ઘસાતા તેની રજકણો ઉડવાના કારણે અસરગ્રસ્ત બને છે. દર વર્ષે સરેરાશ 40 જેટલા લોકો ઓછામાં ઓછા મૃત્યુ પામે છે. તેમના કહેવા મુજબ નવાઇની વાત એ છે કે, તેમની સંસ્થા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને કારીગરો મૃત્યુ પામ્યાનો અહેવાલ મોકલાવે તે પછી જયારે કમિશન સરકારને નોટિસ મોકલાવે એટલે તંત્ર જાગીને દોડતું થાય છે અને જીવતાના બદલે મૃત્યુ પામેલાની તપાસ હાથ ધરે છે. તે પછી સરકાર વતી એ દલીલ થાય છે કે આ કારીગરો સ્વતંત્ર છે તેથી સરકાર કશું કરી શકે તેમ નથી. આ રોગને શ્રમ અને આરોગ્ય વિભાગ કેટલો ગંભીર ગણે છે તેનું બીજું ઉદાહરણ એ પણ છે કે ખંભાત આસપાસ તેના દર્દીઓ હોવા છતાં તેનું દવાખાનું અમદાવાદની સિવિલમાં છે. સરકાર દર્દીઓને હેલ્થકાર્ડ પણ આપતી નથી. તબીબોની એક કમિટી નિમી છે જે સિલિકોસીસ નક્કી કરે છે પણ તેની કામગીરી પણ શિથિલ હોવાનો સંસ્થાના કાર્યકર જયેશભાઇનો દાવો છે. એક કુટુંબમાં 35ના મોત પણ વળતર નહીં અકીકના કારીગર દિલાવરે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના કુટુંબમાં અત્યાર સુધીમાં 35ના મોત થયા હોવા છતાં એકપણ કેસમાં વળતર અપાયું નથી. પોતે પણ તેનો ભોગ બન્યો હોવા છતાં તેને પણ સરકાર તરફથી કોઇ સારવાર મળતી નથી. 
શકરપુર નામના જે ગામમાં 125 જેટલી વિધવા છે જેમના પતિ આ રોગનો બન્યા છે તેમાંથી કેટલીક વિધવા પણ રોજગારીનો અન્ય કોઇ વિકલ્પ ન હોવાતી મજબૂરીથી આ વ્યવસાયમાં કામ કરવા મજબૂર છે. સરકાર સમક્ષ માગણીઓ શું છે પીટીઆરસી દ્વારા થયેલા સર્વે મુજબ 40 ટકા કામદારો તેમના માલિકના ઘરે કામ કરવા બેસે છે જેથી તેમની વચ્ચેનો કામદાર અને માલિક વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે. આ સંજોગોમાં શ્રમ વિભાગ કેટલાક એકમોને ફેકટરી એક્ટ હેઠળ અને કેટલાકને ગુમાસ્તા ધારા હેઠળ આવરી લઇ જો કામદારોને ઓળખકાર્ડ આપે તો તેમને સામાજિક સુરક્ષાના લાભ મળી શકે તેમ છે. લઘુત્તમ વેતનનો પણ સરકાર આ ક્ષેત્રમાં અમલ કરાવે તેમજ કેટલાક બાળમજૂરો પણ અહીં કામ કરે છે તેમને પણ અટકાવવા જોઇએ. તેમજ જે કામદારો પોતાના માલિક પાસેથી ઉપાડ લે છે તેમની પાસેથી વેઠીયાની જેમ કામ કરાવાતું હોવાનું પણ બહાર આવ્યું છે તે બંધ કરાવવું જોઇએ.