ચરખા ચલે' પુસ્તક વિશે હકારાત્મક વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરતાં કરતાં અનેક પત્રકારો સાથે 'ચરખા'નો ઘરોબો કેળવાયો છે. વિકાસલક્ષી મુદ્દાઓ અને હકારાત્મક બદલાવ માટે થઈ રહેલા પ્રયત્નો વિશે 'ચરખા' દ્વારા જુદાં જુદાં સમૂહ માધ્યમોના પ્રતિનિધિઓને અવાર-નવાર જાણકારી પૂરી પાડવામાં આવે છે. હવે પત્રકારો રોજબરોજના પોતાનાં આલેખન માટે, જે-તે મુદ્દા અંગે કાર્યરત સંસ્થાઓ અને વ્યક્તિઓ, આંકડાકીય માહિતી, વિષયની વિગતવાર જાણકારી વગેરે મેળવવા માટે 'ચરખા'નો સંપર્ક સાધે છે. આ રીતે છેલ્લાં 15 વર્ષ દરમ્યાન 'ચરખા'ની મદદથી ઘણા પત્રકારોએ કોઈક ને કોઈક વિકાસલક્ષી મુદ્દાને વાચા આપી છે. 'ચરખા' સાથે સતત સંપર્કમાં રહેતા અને 'ચરખા'ની પ્રવૃત્તિઓથી વાકેફ હોય એવા કેટલાક પત્રકારોને 'ચરખા'ની વિકાસલક્ષી પત્રકારત્વ ક્ષેત્રે ભૂમિકા અંગે આલેખન કરવાની અપીલ કરવામાં આવી. અત્યાર સુધીની 'ચરખા'ની કામગીરી અંગે પત્રકારોના પ્રતિભાવો જાણી શકાય અને 'ચરખા'ને વિકાસ સંચાર માટે ભાવી દિશા મળે એ એનો હેતુ હતો. અમારી અપીલને માન આપીને જે પત્રકાર-મિત્રોએ 'ચરખા'ની ભૂમિકા વિશે આલેખન કર્યું તેમના લેખો આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં આલેખન કરનારા પત્રકારોએ 'ચરખા'ની મદદથી વિકાસલક્ષી મુદ્દાઓને અનેકવાર તેમનાં માધ્યમોમાં વાચા આપી છે.