વિકાસલક્ષી આલેખન રસપ્રદ અને અસરકારક બનાવવું અઘરું નથી

બેલા ઠાકર
લેખનપ્રવૃત્તિ જુદા જુદા હેતુસર કરવામાં આવે છે. જેમ કે, નિજાનંદ માટે કે સ્વની અભિવ્યક્તિ માટે. તેને સાહિત્યલેખન કહેવાયું. પત્રકારત્વ માટે, પ્રત્યાયન માટે, વિકાસલક્ષી પ્રત્યાયન માટે - વગેરે હેતુસર થતી લેખનપ્રવૃત્તિ સાહિત્યલેખનથી જુદી છે. તે લેખન પાછળનો હેતુ, તેની શૈલી અને તેનું બંધારણ તથા અભિવ્યક્તિ સાહિત્યલેખન કરતાં સ્પષ્ટપણે જુદા હોવાનાં.

વિકાસલક્ષી મુદ્દાઓ માટે જ્યારે લેખન થકી પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે કેટલાક મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે:
(1)    સૌપ્રથમ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવું આલેખન એ કેવળ આંકડાકીય માહિતી આપતો શુષ્ક દસ્તાવેજ ના બની રહે. કેવળ આંકડાઓ માહિતી પૂરી પાડી શકે, પણ તે અંતે નીરસ અને શુષ્ક આલેખન બની જાય. આંકડાઓ આપતાં પહેલાં જો કોઈ સાચા, જીવંત અને રસપ્રદ ઉદાહરણથી વાતની માંડણી કરવામાં આવે અને પછી આંકડાકીય માહિતી કે ચાર્ટ વગેરે આપવામાં આવે તો વાચકનો રસ જાગ્રત થાય છે અને સમગ્ર લેખ દરમિયાન તે જળવાઈ રહે છે.

એક ઉદાહરણ જોઈએ. કેટલાંક વર્ષો પહેલાં મેં વિકાસની કેડી પર ચાલતી, સશક્તીકરણ પામી રહેલી પંચમહાલની કેટલીક આદિવાસી મહિલાઓ વિશે એક લેખ લખ્યો હતો. તે લેખ મારા અખબારની પૂર્તિમાં પ્રગટ થયો હતો. મારી વાચક બહેનો શહેરની આધુનિક મહિલાઓ હતી, જે પંચમહાલ જિલ્લાની કે આદિવાસી મહિલાઓની પરિસ્થિતિ અંગે બિલકુલ અજાણ હતી. તેમને આ લેખમાં રસ પડે તે માટે લેખની શરૂઆત આ રીતે કરી:

    "પંચમહાલ જિલ્લામાં દેવગઢ બારિયાથી 30 કિ.મી. દૂર અંતરિયાળ વિસ્તારમાં ડુંગરાઓની વચ્ચે વસેલું છે નાનું એવું દિવ્યા ગામ. ગરીબ, નાયક કોમની આદિવાસી પ્રજા અહીં વસે છે, જે મુખ્યત્વે ખેતી, છૂટક મજૂરી અને વનપેદાશોની આવક પર નભે છે. આ ગામમાં બજીબહેન કરીને વિધવા આદિવાસી મહિલા રહે છેે. 18 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું ત્યારે તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. ચાર દીકરીઓ અને દીકરાની જવાબદારી એકલા હાથે વહન કરવાની આવી. જેમ તેમ કરીને તેઓ દિવસો કાઢતાં. એવામાં દીકરાનું પણ અકાળે અવસાન થઈ ગયું! જોકે, બજીબહેન હિંમત ના હાર્યાં. ગામમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થાના માર્ગદર્શનથી તેઓ મરઘાંઉછેર તાલીમ કેન્દ્રમાં જોડાયાં. અહીંથી તેમને 25 મરઘાં મળ્યાં. તાલીમ પ્રમાણે તેઓ તેમની દેખરેખ કરતાં અને ઇંડાં હાટમાં જઈ વેચી આવતાં. એની આવકમાંથી તેમણે એક બકરી ખરીદી. બકરીના દૂધની કમાણીમાંથી વખત જતાં તેમણે ગાય ખરીદી અને આજે તેઓ બકરીઓ અને બે ગાય એમ કુલ 9 પશુધન ધરાવે છે. પોતાની આવકમાંથી તેમણે કૂવો કર્યો છે અને પાકું છાપરું પણ બનાવી લીધું છે. ગામના મહિલામંડળના તેઓ આગેવાન છે અને તેમના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓ એકત્રિત થઈ ગામનાં ઉત્કર્ષ માટેનાં કામ કરે છે અને સ્વઉપાર્જન કરી સ્વમાનભેર જીવે છે."

આ રીતે જીવંત ઉદાહરણ આપી વાતની શરૂઆત કરવાથી તે રસપ્રદ બને છે.
(2)    લેખની માંડણી કર્યા બાદ જુદા જુદા મુદ્દાઓ, જેમ કે સક્સેસ સ્ટોરી - સફળ ગાથાઓ, વિકાસના આંકડા, તેમાં આવી રહેલા અવરોધો અને અડચણો, ભવિષ્યની યોજનાઓ વગેરેનું સુચારુ રીતે આલેખન કરવું.
(3)   એક મુદ્દો વારંવાર રિપીટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લખાણ ટૂંકું અને મુદ્દાસર હોવું જોઈએ.
(4)    અતિશયોક્તિ ટાળવી. હકીકતનું વર્ણન સાદી, પણ પ્રવાહી શૈલીમાં કરવું. વધુ પડતી અલંકૃત ભાષા, વિકાસલક્ષી કોમ્યુનિકેશનના હાર્દને મારી નાખે છે. વર્ણન જરૂર કરવું, પણ ટૂંકાં, સ્પષ્ટ અને સરળ વાક્યોમાં. ઉદાહરણ તરીકે, "આ આદિવાસી મહિલાઓ સીધીસાદી, પણ જાગ્રત અને ખમીરવંતી હતી. પગથી થોડી ઊંચી પહેરેલી નાયલોનની રંગબેરંગી સાડીઓ જોઈને લાગે કે શહેરીકરણની અસરમાંથી તેઓ પણ બાકાત નથી રહી, પણ આદિવાસી જીવનશૈલી અને પરંપરાઓ તેમણે જાળવી રાખ્યાં છે. તેઓ હવે જાતે મંચ પર આવીને પોતાની સમસ્યાઓની વાતો કરે છે, પોતાના હક્કોની માગણી કરે છે, અન્યાયનો પ્રતિકાર કરે છે."
(5)    વિકાસલક્ષી આલેખન લાગણીપ્રધાન થઈને લખવાનું ટાળવું. આલેખનના અંતે સમગ્ર લેખનું હાર્દ આવી જાય તે રીતે, ભવિષ્યની દિશા અને લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરી લેખની સમાપ્તિ કરવી. છેલ્લે સમગ્ર લેખ ઉપર એક નજર ફેરવી જરૂરી સુધારાવધારા અને એડિટિંગ કરી લેવું.
આટલા થોડા મુદ્દા ધ્યાનમાં રાખવાથી વિકાસલક્ષી આલેખન પણ સાહિત્યલક્ષી લેખન જેટલું જ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.