એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ માટેની આંતરરાષ્ટ્રીય ચળવળ અતિ આવશ્યક છે

ભારત જેવા ગરીબ દેશોમાં કડક કાયદાના અભાવે એસ્બેસ્ટોસનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે - જગદીશ પટેલ
એસ્બેસ્ટોસ એક ખતરનાક ખનીજ છે જેનો ઉપયોગ ત્રણ હજાર જેટલી ચીજો બનાવવામાં થાય છે. ભારતમાં મુખ્યત્વે તેનો ઉપયોગ સિમેન્ટ સાથે ભેળવીને પતરાં બનાવવામાં થાય છે. તે ઉપરાંત, વાહનોની બ્રેક અને ક્લચ તેમ જ ઍન્જિનના તેમ જ અન્ય ઔદ્યોગિક પેકીંગ એટલે કે ગાસ્કેટમાં થાય છે. કપાસ સાથે ભેળવીને તેની દોરી અને કપડાં બનાવાય છે. દોરીનો ઉપયોગ કુલર કે બંબા કે સોલર વોટર હીટરમાંથી જતી પાઈપલાઈન પર થાય છે જેથી પાઈપનું પાણી ઠંડુ હોય તો ઠંડું અને ગરમ હોય તો ગરમ રહે. તેનાં કપડાંનો ઉપયોગ હાથમોજાં બનાવવામાં થાય છે, જેનો ઉપયોગ ગરમ વસ્તુઓ પકડવાની હોય ત્યારે કરવામાં આવે છે. બોઈલર પર ઇન્સ્યુલેશનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી લાંબા સમયથી કામદાર સંઘો, પીડિતોનાં સંગઠનો, તબીબી સંગઠનો અને પર્યાવરણ પર કામ કરતાં જૂથો કરી રહ્યાં છે.

યુરોપના દેશોમાં જહાજ ભાંગવાના અને કચરા નિકાલ અંગે કડક કાયદા આવ્યા અને કામદારોના રક્ષણ માટે પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. તેથી હવે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાં જૂના જહાજ ભાંગવા માટે ધકેલવામાં આવે છે. એટલે કે આ દેશોના કામદારો હવે જોખમી પદાર્થોના સંપર્કમાં આવે છે, કારણ અહીં એવા કડક કાયદા નથી તેથી ખર્ચ ઓછો થાય છે અને આ કામ કરાવવાનું સસ્તું પડે છે. યુરોપમાં 1970ના દાયકામાં એસ્બેસ્ટોસનાં જોખમો અંગે ઘણી જાગૃતિ આવી તેથી તે દેશોમાં એસ્બેસ્ટોસના ઉપયોગમાં ઘટાડો થવો શરૂ થયો. બ્રાઝિલમાં એ ઘટાડો 1980 પછી થતો દેખાય છે. પણ ચીન અને ભારતમાં એનો ઉપયોગ વધતો ચાલ્યો છે. ચીનમાં દર વર્ષે દસ લાખ ટનથી વધુ વપરાશ છે.

હવે, આ સામે યુરોપમાં જે લોકચળવળ ચાલી તેની વિગત જોઈએ તો 1991માં કર્મશીલો અને વૈજ્ઞાનિકોની બેઠક ફ્રાન્સમાં સ્ટ્રાસબર્ગ ખાતે અને બીજે વર્ષે ફરી ત્યાં જ મળ્યા. 1993માં ઇટાલીના મિલાન ખાતે બેઠક મળી. આ બધી બેઠકોમાં ભાગ લેનાર કર્મશીલો અને વૈજ્ઞાનિકોને એ સ્પષ્ટ થતું ગયું કે એસ્બેસ્ટોસની અસરનો ભોગ સમગ્ર યુરોપના તમામ દેશોના કામદારો થઈ રહ્યા છે. એકાદ વર્ષની ચર્ચાને અંતે 'ઇન્ટરનેશનલ બાન એસ્બેસ્ટોસ સેક્રેટરીયેટ-આઈબાસ'ની સ્થાપના થઈ. તેની જવાબદારી બ્રિટનના લોરી કઝાને સ્વીકારી. બ્રાઝિલ ઓસાસ્કોમાં 2000ના વર્ષમાં બેઠક મળી જેમાં યુરોપના પ્રતિનિધિઓએ હાજરી આપી. બ્રાઝિલના શહેરે એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી. 2005માં ઓસાસ્કો શહેરે પણ તેવી જાહેરાત કરી.

2006માં ફ્રાન્સનું ક્લીમેન્સુ નામનું જહાજ તૂટવા માટે અલંગ આવ્યું ત્યારે ફ્રાન્સ અને ભારતના કર્મશીલોએ ભેગા થઈ તેનો જોરદાર વિરોધ કર્યો અને તે માટે બંને દેશોમાં કૉર્ટમાં દાવા દાખલ કરવામાં આવ્યા. એને પરિણામે, ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ ચીરાકે જાહેરાત કરવી પડી કે અમે એ જહાજ પાછું લઈ જઈશું. આ એક મોટી જીત હતી.

25-28 એપ્રિલ, 2009 દરમ્યાન હોંગકોંગ ખાતે ' એશિયન બાન એસ્બેસ્ટોસ કૉન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઠરાવ કરીને ' એશિયન બાન એસ્બેસ્ટોસ નેટવર્ક'(એ-બાન)ની સ્થાપના કરવામાં આવી. 2009માં ઇટાલીના તુરીન શહેરમાં ઇટરનિટ કંપનીના ભૂતપૂર્વ મેનેજરો સામે ફોજદારી દાવા દાખલ કરવામાં આવ્યા. કૉર્ટે સદર દાવા સંદર્ભે એક અભ્યાસ કરવાનો હુકમ કરતા થયેલા અભ્યાસમાં એસ્બેસ્ટોસનો ભોગ બનેલા 3000 વ્યક્તિઓની ભાળ મળી, જે આ કંપનીને કારણે ભોગ બન્યા હતા. ભોગ બનેલા કાં તો ત્યાં કામ કરતા હતા અથવા આસપાસ રહેતા હોય કે કામદારના કુટુંબીજન હોય તેવા હતા. આવા દાવા સ્વિત્ઝરલેન્ડ અને બેલ્જીયમના પ્લાન્ટમાં પણ થયા અને તે સફળ થાય તે માટે સમગ્ર યુરોપના કર્મશીલો એક થઈ મહેનત કરી રહ્યા છે.

એસ્બેસ્ટોસ સામેની આ ચળવળમાં કામદારો અને તેમનાં સંગઠનો, પીડિતો, નાગરિકો જોડાયા છે. આ ઉપરાંત, સ્વતંત્ર વિજ્ઞાનીઓ અને તબીબો પણ જોડાયા છે. તે ઉપરાંત, વકીલો, રાજકારણીઓ અને પત્રકારો પણ જોડાયા છે.  50 ઉપરાંત દેશોએ એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મૂક્યો છે અને એશિયાના દેશોમાં ચળવળ જોર પકડી રહી છે ત્યારે હવે સમગ્ર વિશ્વમાં એના પર પ્રતિબંધ મૂકાય તે માટેની માગણી કરતું અભિયાન શરૂ થાય તે અત્યંત આવશ્યક છે. યુરોપ અને અન્ય દેશોના કર્મશીલો આંતરરાષ્ટ્રીય કૉર્ટમાં દાવો કરવા માટે વિચારી રહ્યા છે.