ચિંતનના ચંદરવા નીચે બેસી પથશોધની મથામણ કરીએ

રજની દવે
ઘણા બધા કર્મશીલો લોકો વચ્ચે સંવાદ કરતા હોય છે ત્યારે કોઈ ને કોઈ તેમને કહેતું હોય છે: "ભાઈ, તમે આ અંગે લખોને, ઘણા બધાને કામમાં આવશે." આવે વખતે મોટા ભાગના કર્મશીલોનો એક જ જવાબ હોય છે, "ભાઈ, આ કામની દોડધામમાં લખવાની ફુરસદ ક્યાંથી લાવવી? અને બીજું લખ-લખ કરવાથી શું વળે? એ તો પ્રત્યક્ષ કામ કરીએ, જરૂર પડ્યે સંઘર્ષ કરીએ તો જ પરિણામ આવે." ક્યારેક કેટલાક ઉત્સાહી કર્મશીલો એમ પણ કહેતા હોય છે કે, "એ આર્મચેરના કામમાં અમને રસ નથી."

આમાં આપણે શું સત્ય સમજવું? સમાજપરિવર્તન ન માત્ર દોડધામ કરવાથી આવે છે, ન માત્ર વાતો કરવાથી કે ન માત્ર લખાપટ્ટી કરવાથી થાય છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરવાની જરૂર હોય છે. મૂળમાં આપણે વિચારપરિવર્તનનું, વિચારક્રાંતિનું કામ કરવાનું છે.

આપણે આજકાલ 'વિકાસ' શબ્દ વારંવાર સાંભળીએ છીએ. આ 'વિકાસ'ની વ્યાખ્યા રાજકારણીઓએ, ઉદ્યોગવાળાઓએ, આર્થિક રીતે સધ્ધર લોકોએ, મહદ્ અંશે, શહેરી લોકોએ કરી છે. આપણે જ્યારે આ વિકાસના રથ નીચે કચડાતા લોકો સાથે રહીને સંઘર્ષ છેડીએ છીએ ત્યારે અસરગ્રસ્ત લોકોને જાગ્રત કરવા તરફ, તેમને એક સંગઠન તળે ભેગા કરવા તરફનું આપણું ધ્યાન રહે છે. લાંબા સમયના અનુભવે આપણે એમ પણ જોયું છે કે આજે વિકાસ અંગેનો જુવાળ એટલો પ્રચંડ છે કે આજની શોષિત વ્યક્તિ અનુકૂળતાએ શોષણ કરવાવાળાની જમાતમાં પોતાની જાતને ગોઠવી દે છે. તેથી આપણે 'માથાં ભાંગવાના' સ્થાને 'માથાંપરિવર્તન' પર ભાર આપવો જોઈએ. ગાંધી પોતાની આગવી રીતે કહેતો હતો કે મારે અંગ્રેજોને નહીં, અંગ્રેજિયતને કાઢવી છે.

લેખનકાર્ય કરવાથી કર્મશીલ પણ પોતાના કાર્યમાં, પોતાની વિચારસરણીમાં સ્પષ્ટ થાય છે. પોતે કામ કરતાં વિચારે છે, તેને ચકાસે છે અને જરૂર પ્રમાણે તેમાં પરિવર્તન કરે છે. આ વિકાસની વિભાવનાએ કુદરતી સંસાધનોની જે અવદશા કરી છે તેનો આજના કર્મશીલોએ ઊંડાણથી અભ્યાસ કરીને લેખનકાર્ય કરવું જોઈએ. આવા લેખનકાર્યમાં એક સમગ્રતાનો દૃષ્ટિકોણ હશે. તે કોઈ પ્રશ્નને, મુદ્દાને પર્યાવરણના વિભાગમાં કે આદિવાસીઓના વિભાગમાં કે શહેરીકરણ કે સજીવખેતી કે આરોગ્યના ખાતામાં ખતવી નહીં દે. તેને માટે સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ઇજનેરી શાસ્ત્ર જેવા અલગ વિભાગીય ખ્યાલો નહીં હોય. તેણેે તો આજની સળગતી સમસ્યાઓના ઉકેલ માટે જે-જે શાખાના શાસ્ત્રીય જ્ઞાનની જરૂર પડશે તેનો ઉપયોગ કરવો પડશે. શ્રી કુલદીપ નાયરના શબ્દો ટાંકીએ તો પત્રકારે ખૂબ-બધું વાંચવું જોઈએ. અને એમાં પણ જે લોકોને જળ-જંગલ-જમીન આધારિત જીવતા લોકોની વકીલાત કરવી હોય ત્યારે તો આ પ્રાકૃતિક સંસાધનો પરના ઔદ્યોગિક દબાણ સામે ઝુંબેશ ચલાવવા માટે ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો જોઈએ.

આજે આપણે જે લોકશાહીનું માળખું ધરાવીએ છીએ તે એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોના કબજામાં છે. આજના કાયદા-કાનૂનો છેવાડાના માણસને ન્યાય અપાવવામાં સક્ષમ નથી. જેની પાસે પૈસા છે તે જમીન ધરાવી મકાન બનાવીને રહી શકે છે અને જે શહેરના ખૂણામાં લપાઈને પશુવત જીવન જીવે છે તે એંક્રોચર ગણાય છે. આ માહોલને આપણે બદલવાનો છે. આજે વૈશ્વિકીકરણનો જે દોર ચાલી રહ્યો છે તેમાં તો મૂડી પોતાનો નગ્ન નાચ ખેલે છે. તેની સામેનો લાંબો સંઘર્ષ ખેલવો પડશે. લાંબી વિઘ્નદોડ પાસ કરવી પડશે. આ વિઘ્નો પર્યાવરણના કાયદાઓ તરફથી ફ્રી માર્કેટની વિભાવનાનાં, ડબ્લ્યુટીઓનાં, નિર્યાત આધારિત વિકાસના ખ્યાલનાં છે.

સરકાર 10-12 ટકાનો વિકાસદર પામવા માટે જળ, જંગલ, જમીન તેમ જ ખનીજ સંપદા મોટાં મોટાં દેશી-વિદેશી ઉદ્યોગગૃહોને વેચી રહી છે. શરૂઆતમાં ચૂપકીથી કામ ચાલે છે, પછી નિર્લજ્જ થઈને દંડા સાથે કામ કરે છે. કર્મશીલે પોતાની લેખની દ્વારા સમાજમાં આ પ્રશ્નોને ઉજાગર કરવા પડશે. અત્યારે તો વૈશ્વિકીકરણના ટેકેદારો જ્યારે બધું હડપ કહી રહ્યા છે ત્યારે શિંગુર, નંદીગ્રામ, નર્મદા બચાવો આંદોલન કે જંગલ પર આદિવાસીઓના હક માટેની લડત જેવાં આંદોલનો ચાલે છે. ક્યારેક આમાં હિંસાની અગનજ્વાળાઓ ફેલાય છે. છેલ્લે આમ આદમીનો જ આમાં ખુડદો બોલે છે. તેને ટાળવા માટે પણ આપણે માથાં ભાંગવાની જગ્યાએ માથાં બદલવાની પ્રક્રિયા માટે શક્ય તેટલો કલમનો સહારો લેવો પડશે. રેચલે 'સાયલન્ટ વેલી' પુસ્તક લખ્યું અને એક આખી પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ઊભી થઈ. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું અને લોકોએ કહેવાતા વિકાસને પડકાર્યો. 'વંદે માતરમ્' નવલકથાએ સૂતેલા નવયુવાનોને જગાડ્યા. પુરુષોત્તમ માવળંકરના 'ગ્થ્ ચ્ણ્દ્ર' ભાષણની પુસ્તિકાએ આપાતકાલીન પરિસ્થિતિ સામે લડવાની ઘણા બધાને પ્રેરણા આપી. પી. સાંઈનાથ દેશમાંના ખેડૂતોની દારુણ પરિસ્થિતિને ઉજાગર કરે છે અને સમગ્ર દેશનું ધ્યાન એક લાખ ખેડૂતોના આપઘાત તરફ જાય છે, પરંતુ આ વિશાળ દેશ માટે એક નહીં, અનેક સાંઈનાથની જરૂર છે. કર્મશીલ અરુણા રોય અને તેમની ટીમ માહિતીના અધિકારની વાત તેમ જ સમગ્ર રાજસ્થાનમાં પંચાયત સ્તરે થતા ભ્રષ્ટાચારની વાત ઉજાગર કરતી રહે છે. "Down to Earth', ‘Front Line’ અને ‘The Hindu’માં ચાલતી કલમ ઘણા કર્મશીલોને પ્રેરણા-હૂંફ-માર્ગદર્શન આપે છે.

વિનોબાજી ક્યારેક કર્મશીલોની વાંચવાની આળસની ટીકા કરતા હતા. ક્યારેક આપણે "અઘોળ આચરણ મારે તો બસ થાય" તેવી વિભાવનામાં સરકી પડતા હોઈએ છીએ. કર્મશીલ ચિંતનશીલ હોવો જોઈએ. સમાજપરિવર્તનની સમગ્ર પ્રક્રિયાની પથયાત્રાને તેણે કલમ દ્વારા પ્રેરણા, દિશા, ગતિ પૂરાં પાડવાનાં છે. ક્યારેક ઝીલવા પડતાં સંકટો દરમિયાનની વ્યથા પણ ઉજાગર કરવાની છે. ક્યારેક આ પથ પર ભ્રમિત થઈ જવાતું હોય તો ચિંતનના ચંદરવા નીચે બેસીને પથશોધની મથામણ પણ કરવાની છે.

'ચરખા'ના મિત્રો કલમવીર કર્મશીલો તૈયાર કરવા માટે જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે તે આવકારદાયક અને કરવા જેવું કામ છે. અને તેના અભાવમાં કર્મશીલના કર્મમાં કુશળતા પણ નહીં આવે તે વાત પણ ચોક્કસ છે. કલમ દ્વારા કર્મ કુશળતાભર્યું કરીએ અને સંઘર્ષયોગને પામીએ.