પાંખાં થયેલાં જંગલો સંગઠન શક્તિ અને સામૂહિક પ્રયાસથી હરિયાળાં બન્યાં

જંગલ ઉપર આધારિત રહેતા ગામ 'પાટિયાકૂવા'એ જંગલોને બચાવવા અને વિકસાવવા બનાવ્યું સંગઠન
- નમ્રતા પટેલ

સામાન્ય રીતે આદિવાસી ગામની કલ્પના કરીએ ત્યારે આપણી નજર સમક્ષ ગરીબી બેહાલી અને વિકાસથી વંચિત ચહેરાઓ નજરે ચઢે છે. આ માન્યતાઓથી વિપરીત પૂર્વપટ્ટીનું પાટિયાકૂવા ગામ છે. 'ધી પાટિયાકૂવા વૃક્ષ ઉત્પાદન સહકારી મંડળી', ગામમાં પરિવર્તનનું માધ્યમ બની છે. આ મંડળીના કારણે આસપાસમાં પાંખા થતાં જંગલને નવજીવન મળ્યું છે. આ મંડળીના પ્રયાસ થકી પાટિયાકૂવા ગામ અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને વિકસાવી રહ્યું છે.
પહેલાં આ ગામ 'તળાવ કિનારે તરસ્યા' કહેવતને સાર્થક કરતું હતું. જંગલની નજીકનું ગામ હોવા છતાં જંગલના સંસાધનથી વંચિત હોવાથી બોડું અને ઉજ્જડ રહેતું. પહાડી વિસ્તાર હોવાથી વરસાદનું પાણી પણ વહી જતું. પીવાનાં પાણીની સાથે ઘાસચારો બળતણ અને ગૌણવનપેદાશથી પણ ગામ વંચિત રહેતું. વળી, પડ્યા પર પાટું વાગે તેમ ખેતીની જમીન ઓછી. વળી, ઉત્પાદન પણ ઓછું. ઢાળ-ટેકરાવાળી જમીનને કારણે પશુધન પણ નબળું હતું. આમ, જળ, જમીન અને જંગલની પ્રતિકૂળ પરિસ્થિતિ ગામના વિકાસને રૂંધવા લાગી. ગામમાં સામૂહિક પરિવર્તનની પહેલ રૂપે 'વિકસત' સંસ્થાની મદદથી 1991માં 'પાટિયાકૂવા વૃક્ષ ઉત્પાદક સહકારી મંડળી'ની રચના કરવામાં આવી. આ મંડળીનો મુખ્ય હેતુ જંગલના પુનઃનિર્માણ અને રક્ષણ દ્વારા જંગલ વિકાસનો હતો. શરૂઆતમાં સભ્ય દીઠ એક શેર અને દાખલ ફી ભરી 72 કુટુંબો જોડાયાં. મંડળીના સભાસદોની મિટિંગ એક વર્ષ બાદ 1992માં થઈ. તેમાં મંડળીના સભ્યોએ સામૂહિક ઠરાવ્યું કે હવે ગમે તે ભોગે જંગલનું રક્ષણ કરી તેનો વિકાસ કરવો. વૃક્ષ મંડળી દ્વારા ગામના 5થી 10 સભ્યોની ટુકડી બનાવીને જંગલનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. ગામના આગેવાન શ્રી કાનજીભાઈ અસારી, શ્રી માધુભાઈ ભગોરા અને શ્રી બાલુભાઈ અસારીએ 'વિકસત' સંસ્થાના સધિયારે ગ્રામ વિકાસનું કામ આરંભ્યું.


મંડળીએ શરૂઆતથી જ 'જે પોષતું તેને જ રક્ષણ' આપવાની નીતિ અપનાવી. ગામલોકોને લાગ્યું કે જો આપણે ટકવું હશે તો જંગલને પણ ટકાવવું પડશે. જંગલના રક્ષણ માટે 72 કુટુંબોની મંડળી રચાઈ અને વિવિધ કામગીરી હાથ ધરાઈ. જંગલના રક્ષણથી જંગલમાં સારી આવક આપે તેવાં વૃક્ષો સાગ, ખાખરો, ટીમરું અને કડાનો વિકાસ થયો. પ્રથમ જ વર્ષે લોકોની મહેનત રંગ લાવી અને નિર્જન ડુંગરો પર જીવન ધબક્યું. 3-4 વર્ષની સતત જહેમતના કારણે સીતાફળનું ઉત્પાદન ગામલોકોની આવકનું ટકાઉ સાધન બન્યું. ગામ આખાનું જોઈએ તો દર વર્ષે જંગલમાંથી રૂપિયા 35,000 જેટલી આવક સીતાફળમાંથી મળે છે.
 

પાટિયાકૂવાનો જંગલ વિસ્તાર કુલ 167 હૅક્ટર છે. આ મંડળીમાં 118 ભાઈઓ અને 56 બહેનો મળી કુલ 174 સભાસદો છે. મંડળી દ્વારા વર્ષે એક વાર બળતણનાં લાકડાં લાવવાની છૂટ આપવામાં આવે છે. જેથી બળતણની સમસ્યા હલ થવાની સાથે જંગલ પાંખુ થતું નથી તેમ જ જંગલમાંથી બજારભાવ પ્રમાણે વાર્ષિક સરેરાશ રૂપિયા બેથી અઢી લાખ જેટલી કિંમતનું ઘાસ ગામલોકોને મળી રહે છે. ઘાસની વહેંચણી, કૂપન પદ્ધતિથી સમાન રીતે કરવામાં આપે છે. મંડળીની શરૂઆતમાં ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. ગામના કેટલાક વિઘ્નસંતોષી વ્યક્તિઓએ ગામમાં વનમંડળી ન રચાય અને જો રચાય તો અધવચ્ચે તૂટી પડે તેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ, ગામના મજબૂત સંગઠનની સામે આ તત્ત્વોને સફળતા ન મળી.
 

જંગલ પુનઃ જીવિત થતું ગયું અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતો ગયો. આજે મંડળ પોતાના વિકાસના માધ્યમ સમા જંગલનું રક્ષણ ચાર વૉચમેન દ્વારા કરે છે. વનવિભાગના આર્થિક સહયોગથી જંગલને સક્ષમ બનાવવા માટે ચેકડેમ, વનીકરણ, ફળાઉ રોપાઓનું વિતરણ અને સંરક્ષણ દીવાલના નિર્માણ જેવી કામગીરી હાથ ધરાય છે. સાથે સાથે હરિયાળી વૉટર-શેડ જેવી સરકારી યોજનામાં પણ લોકસહયોગ અપાય છે. મંડળીના માધ્યમ થકી 'વિકસત' સંસ્થા દ્વારા પ્રેરિત કુલ 70 જેટલી વૃક્ષમંડળીઓ પૈકીની 38 જેટલી 'વૃક્ષ ઉત્પાદક મંડળીઓ'એ સંગઠિત થઈને વૃક્ષ મંડળીનો સંઘ રચ્યો. આ સંઘ ખાતર, બિયારણ અને જંતુનાશક દવા પૂરી પાડવાની પ્રવૃત્તિઓ કરે છે. મંડળીની આ સિદ્ધિ, અનેકાનેક આદિવાસી વિસ્તારને સ્વાવલંબી બનવા માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે.