આપણાં ઘર ભૂકંપ જેવી આપત્તિ માટે કેટલા સુરક્ષિત છે?

- રૂપલ દેસાઈ
આજે 2001ના વિનાશકારી ભૂકંપને દસ વર્ષ થયાં. આ સમયગાળામાં આપત્તિ આવે પછી શું કરવું એનું આયોજન, ચર્ચા વિચારણા અને કવાયતો પણ કરી, અને દર થોડા વર્ષે એનું પુનરાવર્તન પણ કરીએ છીએ. પરંતુ શું આપણે ખરેખર ‘પાણી પહેલા પાળ’ બાંધી છે? શું આપણે આટલાં બધાં મકાનો કુદરતી હોનારતમાં પડે જ નહીં એને માટે આપત્તિ પ્રતિરોધક ટેકનિક વાપરતા શીખ્યા છીએ?

આ વાત વિચારવા જેવી છે. આપત્તિ વ્યવસ્થાપનના કાર્યક્રમો વારંવાર ઘણાં રાજ્યોમાં થતા આવ્યા છે. પરંતુ મકાનોને આપત્તિ પ્રતિરોધક બનાવવા માટેના કાર્યક્રમો ખૂબ જ ઓછા થયા છે, અને એમાં પણ હયાત મકાનોના મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ)ની વાતો તો સાવ જ ભૂલાઈ ગઈ છે. ખરેખર તો તેની ઉપર ભાર આપવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપત્તિ વખતે પારાવાર નુકસાન થાય છે અને 95 ટકાથી વધુ લોકોનું મૃત્યુ મકાનો પડવાથી જ થાય છે.

આપણે ત્યાં આવેલા મોટી તીવ્રતાવાળા ભૂકંપ પછીના નુકસાનના અભ્યાસોમાંથી એવું તારણ નીકળ્યું છે કે મકાનના નુકસાન પાછળનું કારણ એના બાંધકામમાં વપરાયેલી ખોટી પદ્ધતિ અને માલસામાનની ઉતરતી ગુણવત્તાનો હતો, અને આવું બાંધકામ કરતા કડિયાની જાણકારીના અભાવને લીધે જ આવું નુકસાન થયું હતું. આથી કડિયાને આપત્તિ પ્રતિરોધક બાંધકામ અને મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ)ની તાલીમ આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. કડિયો નવી પદ્ધતિ શીખે પણ મકાન માલિક એ રીતે એને કામ ન કરવા દે તો પણ આપણાં મકાનોના બાંધકામમાં કચાશ રહી જાય. એટલે લોકોમાં પણ આ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી તેઓ થોડો વધારે ખર્ચ ઉઠાવીને પણ તાલીમ પામેલા કારીગર પાસે સારી ગુણવત્તાવાળા કામ કરાવવાનો જ આગ્રહ રાખે.

આજે ભૂકંપને દસ વર્ષ થઈ ગયાં, પરંતુ આપણા રાજ્યમાં કડિયાની તાલીમના પદ્ધતિસર અને સતત કાર્યક્રમ ક્યાંય ગોઠવાતા નથી. આઈ.ટી.આઈ.માં વિષય આવરી લેવામાં આવ્યો છે પણ ક્યાંય વિદ્યાર્થી ન હોવાને કારણે કડિયાની તાલીમ થતી નથી.

પહેલાના જમાનામાં કડિયા-સમાજમાં પિતા પાસેથી છોકરાને જ્ઞાન મળતું અને કડિયા કુટુંબનો છોકરો નાનપણથી જ પિતા પાસેથી પારંપારિક ઘર બાંધવાની પદ્ધતિ સમજતો. આજે હવે કડિયાના છોકરાને કડિયા બનવું ગમતું નથી એટલે ગઈ કાલના મજૂરો કડિયા સાથે કામ કરતાં કરતાં આજે કડિયા બની ગયા છે. એમને મૂળભૂત નિયમોનું જ્ઞાન હોતું નથી તથા આપત્તિ પ્રતિરોધક બાંધકામનો જરા પણ અનુભવ કે સમજણ હોતાં નથી. તેમાં કેટલું મોટું જોખમ રહેલું હોય છે તેની ન તો બાંધકામ કરતા કડિયાને કલ્પના હોય છે, કે ન તો મકાન બંધાવનાર મકાન માલિકોને.

આ કારણોસર આપત્તિ વ્યવસ્થાપનના કાર્યક્રમોમાં આપત્તિ પ્રતિરોધક બાંધકામની ટેકનિક પર ભાર મૂકી કડિયાને તાલીમ આપવાની ખૂબ જરૂર છે. વળી, આ અંગે લોકોમાં પણ જાગૃતિ આવે અને એન્જિનિયરોની પણ સમજણ કેળવાય એ અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી આ ટેકનિક પ્રચલિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે બધા, નબળાં મકાનોમાં રહીને પણ આપણી જાતને સુરક્ષિત હોવાનું માની લઈશું. જો આપણે કુદરતી આફતો દરમ્યાન ઓછામાં ઓછી જાનહાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એમ ઇચ્છતા હોઈએ તો સૌથી પહેલા જે મકાનોમાં રહીએ છીએ એ ભૂકંપ-વાવાઝોડા માટે સક્ષમ છે કે નહીં એની જાણકારી મેળવવી પડશે. આપણી સલામતી માટે ક્ષતિ જણાય એવાં મકાનોથી સંભવિત નુકસાન ઓછું કરવા મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ) કરવું પડશે અને હંમેશાં તાલીમ પામેલા કડિયાનો જ આગ્રહ રાખવો પડશે. અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ (એનસીપીડીપી) દ્વારા કડિયાઓ માટે પ્રત્યક્ષ રીતે મકાન બાંધકામ દરમ્યાન તથા જાહેર મકાનોનાં મજૂબીતકરણ(રેટ્રોફિટિંગ) દરમ્યાન તાલીમ આપવામાં આવે છે. આજે પણ એનસીપીડીપી દ્વારા કડિયાઓ માટે ગુણવત્તાવર્ધક તથા આપત્તિ પ્રતિરોધક ત્રણ દિવસની તાલીમ ગુજરાત રાજ્યનાં ઘણાં ગામોમાં ચાલી રહી છે. તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

કડિયાની તાલીમના વિસરાઈ ગયેલા પાસાને પાછો જીવંત બનાવવાનો આગ્રહ રાખી ‘પાણી પહેલા પાળ’ બાંધવી પડશે તો જ આપણે બધા આપત્તિ વખતે શાંતિની નિદ્રા માણી શકીશું.


-----------------------------------------
લેખિકાશ્રી રૂપલ દેસાઈની પ્રોફાઈલ
શ્રીમતિ રૂપલ દેસાઈ એનસીપીડીપીનાં માનદ્ જોઈન્ટ ડીરેક્ટર અને સ્થાપક છે. વ્યવસાયથી આર્કિટેક્ટ હોવાને લીધે મકાન બાંધકામમાં ઊંડો રસ લે છે. તેમણે લાતુરના ભૂકંપ પછી આપત્તિ પ્રતિરોધક ઘરનાં બાંધકામ અને મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ) માટે લોકોમાં જાગૃતિ આવે તેમ જ કડિયાઓને તાલીમ મળે એ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. અત્યાર સુધીમાં તેમણે લાતુર, ઉત્તરાખંડ, ગુજરાત અને કાશ્મીરમાં 10,000 જેટલા કડિયાઓ અને 2500 જેટલા એન્જિનિયરોને સુરક્ષિત બાંધકામની તાલીમ આપી છે. ઉપરાંત, યુએનડીપી, યુનેસ્કો તથા ભારત સરકાર માટે અનેક ભાષામાં ટેકનિકલ પુસ્તકો તૈયાર કર્યાં છે. એમણે તૈયાર કરેલી માર્ગદર્શિકા ‘મેન્યુઅલ ઑફ હેઝાર્ડ રેસિસ્ટન્ટ કન્સ્ટ્રક્શન ઇન ઇન્ડિયા’ તો દેશનાં દરેકે દરેક રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગોમાં મોકલવામાં આવી છે.