અભ્યાસની સાથોસાથ સ્વબચાવનું શિક્ષણ જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાની શાળાઓમાં બાળકો ભણી રહ્યાં છે ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઉપયોગી પાઠ...

- અજય કાનાણી
બોરવાવ ગામની એક શાળામાં પાંચમા ધોરણમાં ભણતા મનન વસોયા અને શ્રેયાંસ સુવાગિયા ભણીને દોડતા ઘરે જાય છે... હાંફતાં-હાંફતાં એકી શ્વાસે કહેવા માંડે છે, 'મમ્મી આજે તો અમારી સ્કૂલમાં આવું થયું, બે-ત્રણ જણાએ અને અમારા સાહેબે અમારી પાસે આવું-આવું કરાવ્યું. બાળકની વાત સાંભળીને બન્નેની માતા તરત શાળાએ પહોંચે છે. ગામડાંની શાળામાં બાળકને શિક્ષા થવાને કારણે માવતરો શિક્ષક પાસે ફરિયાદ લઈને જાય એ ખૂબ સામાન્ય વાત છે. એ રીતે લાગે કે, આ બાળકોની માતા પણ રાવ લઈને ગયા હશે. પરંતુ, આ તો કંઈક અલગ જ વાત થઈ. બન્ને માતાઓએ શાળામાં જઈને સાહેબને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા અને કહ્યું કે, 'આ તમે ખૂબ સારું કામ કર્યું, અમારા દીકરાને આવું જ્ઞાન શીખવ્યું તે એને આખી જિંદગી કામ લાગશે...'

આવું તે વળી કયું જ્ઞાન...? જવાબ છે, સંકટ સમયે બચી જવાનું જ્ઞાન? જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાનાં હજ્જારો બાળકો આજે મનન અને શ્રેયાંસની જેમ શાળામાં એકુ, અગિયારા, કવિતા ને દાખલાની સાથે-સાથે જિંદગી બચાવવાનો પાઠ પણ ભણી રહ્યાં છે. આ બાળકોને આગ લાગે ત્યારે શું કરવું, ભૂકંપ વખતે કેવી રીતે બચવું, વાવાઝોડામાં કેમ ઓછું નુકસાન થવા દેવું અને એવી કોઈ પણ આપત્તિ ટાણે કેમ પોતાનો જીવ બચાવવો એની આખ્ખી કક્કા-બારાખડી હૈયે અને હોઠે છે, એટલું જ નહીં, હાથોહાથ પણ છે. વાત માનવામાં નહીં આવે પણ હકીકત છે કે, આ બાળકોને ર્ફસ્ટ એઈડ કીટનો એક નર્સની જેમ બખૂબી ઉપયોગ કરતાં પણ આવડે છે. એટલું જ નહીં, કદાચ ર્ફસ્ટ એઈડ કીટ ન હોય તો જાતે પણ આવી કીટ બનાવતાં આ બાળકોને ફાવી ગયું છે.

છેલ્લાં દોઢ વર્ષથી 'ફોક્સ ઇન્ડિયા' સંસ્થા દ્વારા તાલાલા તાલુકાનાં 18 ગામોની પ્રાઈવેટ શાળાનાં બાળકોને આ રીતે આફત સમયે અડીખમ રહેવાનાં પાઠ ભણાવવાનું આખું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. પણ શા માટે પ્રાઈવેટ શાળાઓ જ એ પ્રશ્નના જવાબમાં 'ફોક્સ'ના સમીરભાઈ કારિયા અને અલીભાઈ જણાવે છે કે, 'સરકારી શાળાઓમાં તો આમેય સરકાર દ્વારા આફત વ્યવસ્થાપનના કાર્યક્રમ ચાલે છે. બીજી બાજુ, પ્રાઈવેટ શાળાઓની સંખ્યા પણ ઓછી નથી. મોટેભાગે આ શાળાઓ ઓછા બજેટથી ગાડું ગબડાવતી હોય છે ત્યારે આવી શાળાઓ બાળકોને આફત સમયે સુરક્ષાનું જ્ઞાન તો ઠીક સુરક્ષા પણ કદાચ આપી ન શકે. એથી અમે તાલુકાની સૌથી વધુ અસર પામે એવી શાળાઓએ પસંદ કરીને આ કાર્યક્રમ શરૂ કર્યો છે.'

બોરવાવ ગામની સરસ્વતિ વિદ્યા મંદિરના આચાર્ય રવજીભાઈ ઠુમ્મર જણાવે છે કે, અમે આજ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. સંસ્થાના તાલીમકારો હોય કે ન હોય, પરંતુ અમે દર શનિવારે સ્પેશિયલ એક કલાક આ જ વિષય ઉપર બાળકોને ભણાવીએ છીએ. જોકે, આફત વિશે શિક્ષકોને પણ પૂરતું જ્ઞાન નથી હોતું, ત્યારે બાળકો સુધી આ વાત પહોંચાડવી મુશ્કેલ થઈ પડે. પરંતુ સંસ્થાએ એનો ઉકેલ પણ શોધી કાઢ્યો. લગાતાર અઠવાડિયા સુધી આવી શાળાઓના શિક્ષકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ અનોખા વિષય ઉપર અનોખો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો અને એનાં પુસ્તકો દરેક શાળામાં આપવામાં આવ્યાં. દરેક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિવિધ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી અને એને વિવિધ કામ સોંપવામાં આવ્યાં છે. કોઈક શોધ અને બચાવનું કામ કરે છે, કોઈક પ્રાથમિક સારવાર કરે છે. વળી, આ બધી ટીમોના સભ્યોનાં નામ શાળાની દીવાલો ઉપર લખવામાં આવ્યાં છે.

સંસ્થાના મુખ્ય તાલીમકાર સાયરોજબહેન સમનાણી જણાવે છે કે, અમે દરેક શાળામાં ચાર અને આઠ ફૂટનાં મોટાં પોસ્ટર્સ પણ મૂક્યાં છે, જેમાં આફત સમયે શું કરવુંથી માંડીને કેમ બચવું અને વિવિધ સમસ્યાઓનો સામનો કેમ કરવો તેનું અતથી અતિ સુધીનું સંપૂર્ણ જ્ઞાન ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક બાળકને આવી માહિતી આપતાં દસ નાની સાઈઝનાં પોસ્ટર્સ પણ આપવામાં આવ્યાં છે. તેમાં એનિમેશન ચિત્રો દ્વારા જોડકણાં, ર્ફસ્ટ એઈડ કીટનાં સાધનો, સલામત સ્થળની ઓળખ, આફતોનાં નામ વગેરે ગમ્મત પૂર્વક દર્શાવવામાં આવ્યાં છે. તેમ જ પુસ્તક ઉપર ચોંટાડવાનાં સ્ટીકરમાં પણ આવી જ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આ બાબતો સતત બાળકની સામે આવ્યા કરે છે અને સતત બાળકને એ યાદ આવ્યા કરે છે અને એ રીતે બાળકો આ ઉપયોગી જ્ઞાન ક્યારેય ભૂલતાં નથી.

પરંતુ શાળાઓમાં આફત-કૌશલ્ય અંગેનાં આ શિક્ષણમાં સૌથી મહત્ત્વનું પાસું કોઈ હોય તો તે છે, શાળાની મોક ડ્રીલ! હા, ફાયર બ્રિગેડના જવાનો જે રીતે કરે તે જ શૈલીથી શાળાનાં આ બાળકોને મોકડ્રીલ કરાવવામાં આવે છે. સંસ્થાના નિષ્ણાત ટ્રેઈનરો દ્વારા સાધનોથી સજ્જ આ મોક ડ્રીલથી એકેએક વિદ્યાર્થી ઘડાઈ ગયા છે. બોરવાવ ગામની 'વિવેકાનંદ વિનય હાઈસ્કૂલ'માં જ્યારે આ મોક ડ્રીલ યોજાઈ ત્યારે ત્યાં 'યુરોપિયન કમિશન'ના સભ્યો પણ હાજર હતા. અચાનક મોક ડ્રીલ થરૂ થઈ ત્યારે એવું જીવંત વાતાવરણ હતું કે, આ વિદેશી સભ્યો પણ છક થઈ ગયા હતા. શાળાના પ્રિન્સિપાલ અરવિંદભાઈ બારસિયા જણાવે છે કે, અમને આફતની તો ખબર હતી, પણ તેનાં વૈજ્ઞાનિક જ્ઞાનથી અમારા તમામ વિદ્યાર્થીઓ સ્વયં સક્ષમ બન્યાં છે. વિરપુરની ઉમા વિદ્યાલયના આચાર્ય પણ કહે છે કે, હવે શાળામાં જ નહીં, ગામમાં પણ ક્યારેય હોનારત આવશે તો આ વિદ્યાર્થીઓ એમાં પણ મદદરૂપ થશે.

સંસ્થાએ આ રીતે આવી તમામ શાળાઓમાં મોક ડ્રીલ યોજી છે. સાંગ્રોદ્રા ગામની ડાયમંડ સ્કૂલના પ્રિન્સિપાલ સલીમભાઈ બારેજિયા જણાવે છે કે, હવે અમારે આ જાગૃતિ આખા ગામમાં લઈ જવી છે. આમ, આ શાળાઓમાં આટલી સક્રિય અને જીવંત રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમલમાં મૂકાયું છે તે બાબત સરકારને પણ આંગળી ચીંધે એવી છે.