પેશકદમી કરેલી જમીન પરત મેળવીને બાદલપરાએ બનાવ્યું તળાવ

- બિટ્ટુ બાદલપરિયા
બાદલપરા ગામની જમીન ઉપર આજે ચારેબાજુ હરિયાળી છે. દૂર દૂર સુધી તમે ક્યાંય પણ નજર નાંખો એક પણ ખુલ્લું ખેતર જોવા મળતું નથી. દરિયાથી માત્ર દોઢ કિલોમીટર દૂર વસેલા આ ગામમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષની ત્રીજી સિઝનની શેરડી, બાજરી, જુવાર, તલ, અડદ, ઉનાળુ મગફળી વગેરે પાક લેવાયો. ખેતરે ખેતરે લોકો પોતાના કામમાં પરોવાયેલા છે. ચાલતા જઈ તમે કોઈ ખેડૂતને પૂછો ત્યારે જવાબ મળે છેઃ 'હવે તો ઉનાળામાં પણ નવરા બેસવાનો ટાઈમ નથી મળતો. એક, બે, ત્રણ... પાકની આ સિઝનનું ચક્કર ચાલ્યા જ કરે છે. આજે બળબળતો બપોર પણ અમને મીઠો લાગે છે.' જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરાના દરેક ખેડૂતના મોઢે સાંભળવા મળતી આ વાત પાછળનું આ એક રહસ્ય છે. આ રહસ્યની જીવંત આવૃત્તિ એટલે ગામની ભાગોળે આવેલું વિશાળ તળાવ. ગામના ખાર તળને લગભગ મીઠું કરનાર તે જગ્યા.

ગામમાં પ્રવેશતાની સાથે જ તમને બાદલપરા સહિતનાં ત્રણ ગામોના અસંખ્ય ખેડૂતના ચહેરે લાલી લાવનાર તે વિશાળ તળાવના દર્શન થાય છે. ત્રણ કિલોમીટરનો ઘેરાવો અને પચીસ ફૂટ ઊંડાઈ ધરાવતું આ તળાવ ચોમાસામાં જાણે નાનકડો મહાસાગર લાગે છે. તળાવ જોઈ પ્રથમ દૃષ્ટિએ તમને લાગે કે ગામના વિકાસ માટે સરકારે એક મહત્ત્વની કામગીરી અદા કરી છે, પરંતુ તમે થોડી વિશેષ પૂછપરછ કરો ત્યારે અચંબામાં પડી જાવ છો. આ કામ સરકારે નહીં, પણ ગામના સામાન્ય નાગરિકોએ કર્યું છે. ગામડાંના લોકોની દીર્ઘ દૃષ્ટિ અને કુનેહનું તે પ્રતીક છે. સરકારની યોજના વગર પણ ધગશ અને મહેનતથી અવલ્લ દરજ્જાનું કામ થઈ શકે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ખારાં પાણીમાંથી ખેતી લાયક મીઠું પાણી કેવી રીતે બની શકે તે જોવું હોય તો તમારે બાદલપરા ગામ જવું પડે. દસ વર્ષની મહેનત બાદ આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે ગામનો કોઈ ખેડૂત પળવાર માટે નવરો નથી. આવક ડબલથી પણ વધી ગઈ છે. પરિણામે ખેડૂત શિક્ષણ, આરોગ્યની સાથે સાથે વાહનો ખરીદવા પાછળ પણ નાણાં ખર્ચ કરતો થયો છે. માત્ર 1800ની વસ્તી ધરાવતા બાદલપરા ગામના સુખદ વર્તમાન પાછળ કષ્ટદાયક ભૂતકાળ કંઈક આવો છેઃ બાદલપરા, અરબી સમુદ્રથી માત્ર દોઢ કિલોમીટરનાં અંતરે છે. પીવાનાં અને ખેતીવાડીનાં પાણી વિશે ખાસ પૂછવા જેવું નહોતું. ખાવાનું મીઠું અને બાદલપરાનાં પાણીમાં ખાસ કોઈ ફરક નહોતો. સ્ટેશન પાસે વાડી ધરાવતા નારણભાઈ બારડ કહે છે, 'પંદરેક વર્ષ પહેલાં અમે શેરડી સહિતના ત્રણ પાક વાવતા હતા. સમય જતાં ખારાશનું પ્રમાણ વધતું ચાલ્યું. 2001ની સાલ સુધીમાં ગામમાં ખારાશ એટલી બધી વિસ્તરી ગઈ કે ચોમાસા સિવાયના બીજા પાક માટે પણ સમસ્યા ઊભી થવા લાગી.' 2001 સુધીમાં ગામના મોટાભાગના ખેડૂતો ચોમાસાની મગફળીના એક પાક ઉપર જ નભવા લાગ્યા. ઉનાળામાં ખેતરો ભેંકાર જેવા બની જતા.

ઉનાળા પછી ચોમાસું આવે તે રીતે બાદલપરા ગામમાં ખારાશની સિઝન પૂરી થવાના દિવસો આવી ગયા. 2002ની ધુળેટીની ગામ મિટિંગમાં આગેવાનો મળ્યા. વધી રહેલી ખારાશ વિશે ગંભીર ચિંતા બતાવી. એવામાં ગામના આગેવાન ભગવાનભાઈ બારડે લોકો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યોઃ ગામમાં મોટી પડતર જમીન પડી છે. કેટલાક ખેડૂતો પાસે પેશકદમીની જમીન પણ છે. બીજી બાજુ ગામથી એક કિલોમીટર દૂર એક નાનકડી નદી પસાર થાય છે. જો આ પાણી અને દરિયાની વચ્ચે ગામમાં વિશાળ તળાવ બનાવી, બન્ને વચ્ચે ટનલની લીંક ઊભી કરીએ તો થોડાં વર્ષમાં પરિવર્તન આવી શકે.

આઇડિયા સારો હતો પણ અમલ મુશ્કેલ હતો. ટનલ અને તળાવ બનાવવા પાછળ મોટો ખર્ચ કરવો પડે. ખેડૂતોની જમીન પણ જાય. મક્કમ મનના માનવીને પહાડ પણ નાનો લાગે એ ન્યાયે આગેવાનોએ બીડું ઝડપી લીધું. કોઈ પણ ભોગે પાણી તો જોઈએ જ એવું નક્કી થયું. સમજાવટથી ખેડૂતો જમીન આપવા તૈયાર થયા. ગામના 30 જેટલા ખેડૂતોએ અંદાજે 60 વીઘા જેટલી પેશકદમીની જમીન પરત આપી દીધી. આ જમીન આપવામાં પાંચ વીઘાનો ખેડૂત પણ હતો અને વીસ વીઘાનો માલિક પણ હતો. કેટલાક ખેડૂતોએ પોતાની અડધી જમીન આપી દીધી. સરકારી ખરાબાની જમીન પરત આપનાર રામભાઈ કચોટ કહે છે, 'ખેડૂતના નુકસાન સામે આજે અમારા કૂવામાં મીઠું પાણી જોઈ અમે બહુ ખુશ છીએ. તળાવને કારણે આજે ગામના બધા જ ખેડૂતો બારે માસ પાક લઈ શકે છે.'

જમીન મળી ગઈ પણ તળાવના ખોદકામ ખર્ચનું શું? અંતે એક નવો આઇડિયા આવ્યો. પંચાયતે નક્કી કર્યું ઃ 'નક્કી કરેલી હદ સુધીમાં કોઈ કંપની કે કોઈ પણ ગામના લોકો પોતાના ખર્ચે માટી ખોદી શકે છે.' વાત ખલ્લાસ, માટીની વાત આજુબાજુનાં ગામોમાં પ્રસરી ગઈ.

બાજુના ગામ લોકો રેતાળ અને પથ્થરવાળી માટીની શોધમાં હતા. બીજી બાજુ બે કંપનીઓને પણ મોટા પ્રમાણમાં માટી જોઈતી હતી. તળાવનું કામ બે વર્ષ સુધી સતત ચાલ્યું. જમીનમાંથી પાણી નીકળવા માંડ્યું ત્યાં સુધી પચીસથી ત્રીસ ફૂટ સુધી ખોદવામાં આવ્યું. બે વર્ષના અંતે ગામની બસ્સો વીઘા જમીન ઉપર ત્રણ કિમીનો ઘેરાવો ધરાવતાં એક બીજાંથી જોડાયેલાં બે તળાવો બન્યાં. ગામથી એક કિલોમીટર દૂર વહેતી કપિલા નદીના મુખ ઉપર નર્મદા કેનાલ જેવી કેનાલ બનાવી તે પાણીને દરિયાને બદલે આ વિશાળ તળાવમાં વાળવામાં આવ્યું છે. તેમાં સેંકડો ગેલન પાણીનો સંગ્રહ થાય છે. આજે છ મહિના સુધી તળાવ ભર્યું રહે છે. છ વર્ષ સુધી પાણી સંગ્રહને કારણે છેલ્લાં બે વર્ષથી પાણી પી શકાય તેવું મીઠું થઈ ગયું છે. બાજુનાં ગામો કાજલી અને સોનારિયાને પણ આ તળાવનો લાભ મળ્યો છે. તળાવના ઉપરવાસમાં આવેલા સોનારિયા ગામના ખેડૂતને હવે ખારાશનો ડર સતાવતો નથી.

બાદલપરા ગામ ખેતી ઉપર નિર્ભર છે. ગામમાં બસ્સો જેટલા ખેડૂત ખાતેદાર છે. ગામની કુલ ખેતી લાયક જમીન 900 વીઘા જેટલી છે. તળાવને કારણે આજે તે વીઘા જમીન ફરી વાર ફળદ્રુપ બની ગઈ છે. ગામની કુલ જમીનના 20 ટકામાં પાણીનો સંગ્રહ થતો હોવાથી કૂવાનાં તળ ઊંચા આવ્યાં છે. ખેડૂતની આવકમાં પણ ફરક પડ્યો છે. પીઠાભાઈ સોલંકી કહે છે, 'તળાવના કારણે આજે મારી આવક અઢી ગણી વધી ગઈ છે. કૂવાનાં તળની સાથે પાણીમાં પણ સુધારો થયો છે.'

રાજ્ય સરકાર આજે અનેક યોજના મુકી રહી છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે બાદલપરા ગામના લોકોએ ઓછા ખર્ચે મહેનતથી બનાવેલું આ તળાવ એક આદર્શરૂપ ઘટના છે. જો રાજ્ય સરકારને ચોપડે આ તળાવની કિંમત આંકવામાં આવે તો ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા થાય. ગામના આગેવાન સરમણભાઈ બારડ કહે છે, 'સામુહિક વિકાસનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બાદલપરાને ખારામાંથી મીઠું બનાવી અમે એ વાત સાબિત કરી છે કે સરકારની મદદ વગર પણ લોકો સ્વનિર્ભર બની શકે છે. જો દસેક વર્ષ પહેલાં અમે તળાવ બનાવવાનો વિચાર ન કર્યો હોત તો આજની ગામની સ્થિતિ શું હોત તેની કલ્પના જ કરવી રહી.'

બાદલપરા ગામના આ પરિવર્તનની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. 2006માં કેન્દ્ર સરકારે ગામને ઍવૉર્ડથી નવાજ્યું છે. આજે જૂનાગઢ જિલ્લામાં બાદલપરા ગામ મૉડલ ગામ તરીકે ઓળખાય છે. જિલ્લા વહીવટી તંત્ર, આજુ બાજુનાં ગામોના લોકો અને ખેડૂતોને આ ગામ જોવાની સલાહ પણ આપે છે. વર્ષ દરમ્યાન અનેક લોકો ગામની મુલાકાતે આવે છે. ગામે માત્ર તળાવથી સંતોષ નથી માન્યો. જાહેર સુખાકારીમાં પણ બાદલપરા જૂનાગઢ જિલ્લામાં અવ્વલ નંબરે આવે છે. ગામમાં જેટલી પડતર જમીન છે તેની ઉપર વૃક્ષો છે. ગામના લોકોએ સાથે મળી દસ હજાર જેટલાં વૃક્ષો વાવ્યાં છે. સ્વચ્છતા બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક શેરી ઉપર કચરા પેટી જોવા મળે છે. શહેરની જેમ ગામના ઊભા રસ્તા ડામર રોડ અને આડા રસ્તા સિમેન્ટ રોડથી બનાવવામાં આવ્યા છે. દરેક ઘરે બાથરૂમ અને ઘરની બહાર પાણી ન જાય તે માટે શોષ ખાડા બનાવવામાં આવ્યા છે અને આજે ગામનું સુકાન યુવાનોના હાથમાં છે.