પોતાના શોખ અને આવડતને પૂરક રોજી બનાવીને સફળતા અને સમૃદ્ધિ મેળવતાં વિમળાબહેન ડેડાણી

- શ્રુતિ ત્રિવેદી
મહિલાઓની આવડત, કળા અને કાર્યને કોઈ પ્રોત્સાહન મળતું નથી કે તેની ખાસ નોંધ લેવામાં આવતી નથી. આ વાતને સમર્થન મળે તેવા હજારો કિસ્સાઓ છે પરંતુ તેને ખોટી પાડે એવા મુઠ્ઠીભર કિસ્સાઓની આપણે વાત કરીએ તો તેમાં પહેલું નામ વિમળાબહેન ડેડાણીનું આવે. જેમણે હસ્તકલાના શોખને પૂરક રોજી બનાવી પોતાના પરિવારને આર્થિક સંકડામણમાંથી ઉગાર્યો. એટલું જ નહીં. આ કળાને ગામના દરેક ઘરની બહેનોને શીખવાડી તેમને પણ આર્થિક રીતે પગભર બનાવ્યાં. ઉપરાંત, ગ્રામ આરોગ્ય રક્ષક તરીકેની તાલીમ લઈને ગામમાં લોકોના આરોગ્ય અને કુટુંબ કલ્યાણની કામગીરી પણ બજાવી. વધુ નોંધપાત્ર વાત તો એ છે કે, એમણે મહિલાઓનું જીવન ધોરણ સુધારવાના હેતુથી 'ચંદ્રકલા મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળી' ઊભી કરી. ઉપરાંત, તેઓ 'અમદાવાદ જિલ્લા સહકારી સંઘ'માં સક્રિય મહિલા અગ્રણી છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા મથકથી 12 કિ.મી. દૂર આવેલાં સાથળ ગામમાં આજે ખેતી-પશુપાલન ઉપરાંત હસ્તકલા પણ મહત્ત્વપૂર્ણ વ્યવસાય તરીકે અપનાવાયો છે. આની શરૂઆત થઈ વિમળાબહેન દ્વારા. 1980ના વર્ષમાં ગામની આર્થિક રીતે પછાત તથા પડદામાં રહેનારી બહેનોને ઘરબેઠા પૂરક રોજી મળી રહે તે હેતુથી 'અસાગ' સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ હેઠળ ગામની બે પ્રતિનિધિ મહિલાઓને કચ્છની પરંપરાગત હસ્તકલાની તાલીમ આપવાનું આયોજન હતું. પરંતુ, ગામના રૂઢિચુસ્ત રિવાજોને કારણે કોઈ દીકરી કે વહુને તાલીમાર્થે કચ્છ મોકલવા તૈયાર નહોતું. ત્યારે ગામમાં આરોગ્ય-રક્ષક તરીકે કાર્ય કરતાં વિમળાબહેનનું નામ આગળ આવ્યું.

વિમળાબહેનના પતિ સિલાઈકામ કરતાં જેની સામે રોકડ નહીં પણ અનાજ મળતું. અનાજ પણ ખરાબ થયેલું કે હલ્કી કક્ષાનું મળતું. તેથી કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે કોઈ પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું. ત્યારથી તેઓ 'ગ્રામ આરોગ્ય રક્ષક' તરીકેની તાલીમ લઈને પોતાના ગામમાં દવાઓ આપતાં અને ટેસ્ટ કરતાં થયાં. તેમાંથી દર મહિને 50 રૂપિયા મળવા લાગ્યા. પરંતુ, તેમણે આ પ્રવૃત્તિને માત્ર કમાવાની દૃષ્ટિએ ન જોતાં જનસેવા તરીકે કરી. પરિણામે, ગામલોકોમાં તેમને ડૉક્ટર જેવું માન મળવા લાગ્યું. તેથી જ 'અસાગ'ના કાર્યકરોએ વિમળાબહેનને આ તાલીમ લેવાનો આગ્રહ કર્યો અને કહ્યું. 'એક મહિલા તાલીમ લે અને પ્રગતિ કરે તો સો મહિલાઓના આંસુ લૂછાય.' બસ...! તેમની આ વાત વિમળાબહેન અને તેમના પરિવારજનોના હૃદયમાં ઉતરી અને તેમને તાલીમ માટે કચ્છના બન્ની પ્રદેશમાં મોકલ્યાં.

તાલીમ બાદ ગામમાં બહેનોનું સંગઠન બનાવી બહેનોના સહયોગથી 'ચંદ્રકલા મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળી'ની તેમણે સ્થાપના કરી. મંડળી દ્વારા ભરતકામના ત્રણ માસના વર્ગો ચલાવાતાં. આ મંડળીમાં તાલીમ લઈને મહિલાઓ પગભર થઈ છે. ગામની દીકરીઓએ આ વ્યવસાય થકી પોતાના 'કરિયાવર'નો ખર્ચ ઉપાડ્યો છે. આનું ઉદાહરણ છે પૂરીબા વાઘેલા. તેમના કહેવા મુજબ, "આ કરિયાવરનો ખર્ચો ઉપાડવા અમારું કુટુંબ સક્ષમ નહોતું, પરંતુ વિમળાબહેને જે તાલીમ આપી તેના ઉપયોગથી હું આર્થિક રીતે પગભર થઈ અને મારા પિતાને પણ મારા લગ્ન માટે આર્થિક સહાય કરી શકી."

વિમળાબહેનના પ્રયત્નોને લીધે ગરીબીરેખા નીચે જીવતાં (બીપીએલ) ગામનાં 200 કુટુંબોને 'ઘર વિહોણા' યોજના હેઠળ ઘર મળ્યાં. તેમના આ સફળ પ્રયત્નોનો પૂરો શ્રેય તેઓ પોતાના પતિ અને સાસુને આપે છે. 'મારાં સાસુને પહેલાં વંદન' એમ કદી વિમળાબહેન કહે છે કે, "મારા સાસુની પૂરી મદદ અને હૂંફને કારણે જ હું અહીં પહોંચી શકી છું. સાથે જ મારી કળા અને મારા પતિની' કુશળતા આ બંનેના યોગ્ય સંગમથી અમે પરિવાર અને ગામ માટે આટલું મોટું પ્લૅટફોર્મ બનાવી શક્યા છીએ. આજે વિમળાબહેનની મંડળીમાં 218 જેટલા સભ્યો તૈયાર થયા છે. કશ્મીરી ભરત, પોલો ટાંકો, સિક્કલ ભરત, પેચવર્ક, મિરર વર્ક જેવાં વિવિધ ભરતનો ઉપયોગ કરીને બહેનો ડ્રેસ, ચણિયાચોળી, કોટી, ચાદર, તોરણ, થેલા, પર્સ જેવી વસ્તુઓ બનાવે છે. તો માટેની ડિઝાઈન અને છાપકામ તેમના પતિ કરે છે અને ભરતકામ, મહિલાઓ સાથે મળીને કરે છે. દસ્તકાર, ઈન્ડેક્સ-સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમણે તૈયાર કરેલા માલનું વેચાણ દ્વારા અલગ અલગ શહેરોમાં થાય છે.

વિમળાબહેનને તથા મંડળીને તેમના કામ બદલ 'જિલ્લા સહકારી સંઘ' તરફથી તેમ જ સમાજ તરફથી વિવિધ પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો મળ્યાં છે. ઉદ્યોગ સાહસિક તરીકે પણ આઈસીઈસીડી. તેમનું બહુમાન કરાયું છે. 'જિલ્લા સહકારી સંઘ'ના મહિલા સમિતિના આગેવાન હોવાથી જિલ્લાની કૉલેજમાં તેઓ ક્યારેક લેક્ચર આપવા પણ જાય છે. તેમાં એક વાત તેઓ ભારપૂર્વક કહે છે કે, "મહિલાઓએ સાહસિક, સ્વનિર્ભર બનવું જોઈએ. અસ્મિતા ગુમાવવી જોઈએ નહીં."