આફતો સામે ટકી રહેવાની સજ્જતા કેળવતા જૂનાગઢ જિલ્લાનાં 18 ગામો

સિંહના મલકમાં હવે વાવાઝોડું, પૂર, આગ અને ધરતીકંપથી ઓછી જાનહાનિ થશે એ નક્કી
- સંજય દવે
અસ્તિત્વ ટકાવવા સંદર્ભે અંગ્રેજીમાં કહેવાય છે કે 'સર્વાઈવલ ઑફ ધ ફીટેસ્ટ'નો નિયમ લાગુ પડે. એનો ભાવાર્થ એ કે જે મજબૂત મનોબળના હોય, પડકારોનો સામનો કરી શકવાની હિંમત રાખતા હોય એ જ મુસીબતો વખતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. આ વાત જૂનાગઢ જિલ્લાના તાલાલા અને માળિયા હાટિના તાલુકાનાં 18 ગામો જાણે ચરિતાર્થ કરી રહ્યા છે. આ બન્ને તાલુકાનાં ગામોની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીં વાવાઝોડું, પૂર, ધરતીકંપ અને આગનું જોખમ મંડરાતું રહે છે. જોકે, હવે આ જોખમો સામે તાલીમ મેળવીને સ્થાનિક ગ્રામજનો સુસજ્જ થઈ ગયા છે. તાજેતરમાં પડેલા મૂશળધાર વરસાદમાં તાલીમ લેખે લાગી એવું ઘણાં ગામોએ અનુભવ્યું પણ છે.

સ્વૈચ્છિક વિકાસ ક્ષેત્રે કાર્યરત 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક'ની સ્વૈચ્છિક સંસ્થા 'ફોકસ ઇન્ડિયા'એ જોયું કે જૂનાગઢ જિલ્લાનો કેટલોક વિસ્તાર ધરતીકંપની ઍક્ટિવ ફોલ્ટ લાઈન ધરાવે છે. વળી, નજીકમાં દરિયો, નદી અને જંગલ હોવાથી પૂર, વાવાઝોડું તેમ જ આગની આફત ઊભી થઈ શકે છે. તેથી જ સંસ્થાએ આફતોના સંભવિત જોખમોનો અભ્યાસ કરીને સ્થાનિક લોકોને તેની સામે સજ્જ કરવાનું બીડું ઝડપ્યું. અભ્યાસના આધારે જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાનાં પંદર અને માળિયા હાટિના તાલુકાનાં ત્રણ મળીને કુલ 18 ગામોમાં આફતો સામે લોકઆધારિત પૂર્વતૈયારી અને વ્યવસ્થાપનનું કામ શરૂ થયું. મુદ્દાની વાત હતી આફતોનું જોખમ ઘટાડવા માટે ક્ષમતાવર્ધનની.

ક્ષમતાવર્ધન માટે સંસ્થાએ સ્થાનિક ગામોની પંચાયતો સાથે મળીને ગામના વડીલો-આગેવાનોની એક 'ગ્રામ વિકાસ સમિતિ' બનાવી. એટલું જ નહીં, તેની સાથે સાથે ગામના યુવક-યુવતીઓને સજ્જ કરવા બનાવી 'કૉમ્યુનિટી ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ' (સર્ટ). નોંધપાત્ર વાત તો એ છે કે ઉપરોક્ત બન્ને જૂથમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના સ્ત્રી-પુરુષોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

જૂથ તો બની ગયાં હવે શું? હવે શરૂ થઈ પ્રત્યક્ષ તાલીમ. આગ લાગે ત્યારે શાળાની કે અન્ય ઈમારતોમાંથી દોરડા વાટે લોકોને સલામત રીતે બહાર કાઢવા, ધરતીકંપ સામે ટકી રહે એવું મકાન બનાવવું, પૂરની સ્થિતિમાં દોરડાનો ઉપયોગ કરીને જીવ બચાવવો, વાવાઝોડું આવે ત્યારે સલામત મકાનની અંદર રહેવું ને ધરતીકંપ વખતે ખુલ્લી જગ્યાઓમાં. આવાં અનેક પાસાંઓને આવરી લઈને 18 ગામના યુવા વર્ગની બનેલી 'સર્ટ' ટીમને આજે સુસજ્જ કરવામાં આવી છે. તાલીમ મેળવીને સ્થાનિક યુવાવર્ગમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે. તાલાલા તાલુકાના ગલિયાવડ ગામની યુવતી ધર્મિષ્ઠાબહેન કહે છે, "અમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. અમે ભાઈ-બહેન મજૂરી કરીને અમારા ઘરનું ગુજરાન માંડ ચલાવીએ છીએ છતાં એક દી'ની મજૂરી મૂકીનેય અમે તાલીમ મેળવી છે. હવે હું આફતથી બચવા અંગે કોઈને પણ માર્ગદર્શન આપી શકું છું."

આફત સામે પૂર્વતૈયારીની આ તાલીમોથી બીજાં અનેક હકારાત્મક પરિવર્તનો આવ્યાં છે એ નોંધનીય વાત છે. રમરેચી ગામના વનિતાબહેને અભ્યાસ છોડી દીધાનાં 17 વર્ષ પછી ફરી વાર કૉલેજમાં એડમિશન લીધું છે. તેમનો દીકરો સાતમા ધોરણમાં ને દીકરી પાંચમામાં છે છતાં એમને આગળ અભ્યાસ કરવાની લગની લાગી છે. વનિતાબહેન આપદા સામે ટકી રહેવાની તાલીમોને તેનો શ્રેય આપે છે.

હરીપુર, ચિત્રોડ, હિરણવેલ, ભાલછેલ જેવાં અનેક ગામોમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ દૂર થયા છે. પહેલાં લોકો એકબીજાના ઘરનું પાણી પણ ન પીતાં. ખભેખભા મિલાવીને તાલીમ મેળવ્યા પછી હવે તમામ જ્ઞાતિના લોકો, સાથે આનંદથી જમે છે.

આ આખીય વાતમાં જો સૌથી નોંધપાત્ર કામ થયું હોય તો તે શાળા સલામતીનું કામ છે 'સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન' હેઠળ બન્ને તાલુકાની 16 શાળાઓનાં જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાંથી વધુ જોખમ ધરાવતી 12 શાળાઓને પસંદ કરી તેને આફતો સામે સજ્જ બનાવવામાં આવી. તેના પરિણામે ત્યાંનાં બાળકો હવે જાણે છે કે ધરતીકંપ આવે તો શું કરવું? ધરતીકંપ, આગ જેવી આફતો વખતે જાનહાનિ નિવારવા માટે બાળકો-શિક્ષકો કેટલીક ખૂબ મહત્ત્વની બાબતો શીખી શક્યાં છે. આ રહ્યાં એનાં કેટલાંક ઉદાહરણોઃ નાનાં બાળકોના વર્ગખંડ ઉપરના માળને બદલે ભોંયતળિયે હોવા જોઈએ, દરેક વર્ગખંડના બન્ને બારણાં ખુલ્લાં રાખવાં, વિકલાંગતા ધરાવતાં બાળકોને વર્ગખંડનાં બારણાં પાસે બેસાડવા)ં, શાળામાં પ્રાથમિક સારવાર તેમ જ આગ ઓલવવાનાં સાધનો ઉપલબ્ધ હોવાં જોઈએ. આ પ્રકારની બાબતો હવે શાળાના "બચ્ચાં-બચ્ચાં જાનતા હૈ" એવી સરસ સ્થિતિ સજાર્ઈ છે.

સામાન્ય રીતે આફતો વખતે બહારની મદદ પહોંચે ત્યાં સુધીમાં ઘણી જાનહાનિ થઈ ચૂકી હોય છે. પરંતુ, જૂનાગઢ જિલ્લાનાં આ અઢાર ગામોમાં સ્થાનિક લોકોએ જ આફત સામે સજ્જતા કેળવીને સ્વનિર્ભરતા કેળવી છે. એટલું જ નહીં, આફતો વખતે ગામના સૌથી ગરીબ-બીમાર વ્યક્તિ, બાળકો, સગર્ભા, વિકલાંગતા ધરાવનાર વગેરેને બચાવવાની પ્રાથમિકતા આપવાનો પાઠ પણ શીખ્યા છે.

હવે ગામોમાં ધરતીકંપમાં ટકી રહે તેવાં મકાનો ઊભાં થાય તે માટે 18 ગામોના 30થી વધુ કડિયા પણ તાલીમ મેળવીને સજ્જ થયા છે. આફત આવશે ત્યારે આ તાલીમોની કસોટી થશે, પણ એ કસોટીમાંથી પાર ઉતરવાનો ગ્રામજનોનો આત્મવિશ્વાસ આજે તો બુલંદ છે.