ટેક્નોલૉજી પાર્ક: લોકશિક્ષણની દિશામાં એક વિશિષ્ટ પહેલ

- ભાનુભાઈ મિસ્ત્રી
વર્ષ 2001ના ભૂકંપે ભારે વિનાશ ર્સજ્યો હતો. અનેક લોકોનાં મૃત્યુ થયાં અને બચી ગયેલા લોકોએ પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો. ભૂકંપની અસરોમાંથી બહાર આવવાની ગતિ ધીમી અને પીડાદાયક રહી. કચ્છમાં ભૂકંપ પછીની કામગીરીનાં છેલ્લાં આઠ વર્ષના અનુભવોમાંથી ઘણી મહત્ત્વની બાબતો શીખવા મળી. તેમાંની એક બાબત એ હતી કે, વિકાસ માટેના પ્રયાસોમાં આફત સામે સજ્જતા અને આફતનું નિવારણ એક અગત્યનો ભાગ હોવો જોઈએ. કચ્છના પુનર્વસન નિમિત્તે જે નવું બાંધકામ હાથ ધરવામાં આવ્યું તેમાં લોકોએ મોટા ભાગનાં સુરક્ષાનાં પગલાં લીધાં છે કારણ કે, સરકાર પાસેથી ગૃહનિર્માણ માટેની મદદ મેળવવાની તે એક પૂર્વશરત હતી.

સરકાર અને બિન-સરકારી સંગઠનો દ્વારા જે જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ તેને પરિણામે ભૂકંપથી સુરક્ષિત એવું બાંધકામ કેવી રીતે કરવું તેના વિશે ખાસ્સી બાબતો શીખવા મળી છે. જોકે, સામુદાયિક શિક્ષણ એ બહુ ધીમી પ્રક્રિયા છે અને જાગૃતિ પછી વર્તન બદલાતાં વાર લાગે છે. પુનર્નિર્માણ એક લાંબી પ્રક્રિયા છે અને વિવિધ હિતધારકો તેની સાથે સીધા સંકળાયેલા છે. તેથી માત્ર કડિયાઓ જ નહીં, પણ યુવાનો, મહિલાઓ અને સમુદાયના અન્ય સભ્યો માટે પણ શિક્ષણની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ.

આ વાતને ધ્યાનમાં રાખીને 'ઉન્નતિ' સંસ્થા દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા ખાતે બે 'ટેક્નોલૉજી પાર્ક' ઊભા કરવામાં આવ્યા છે. આ ટેક્નોલૉજી પાર્કને ગુજરાતીમાં 'સજ્જતા પાર્ક' તરીકે ઓળખવામાં આવે છે. લોકોને આપત્તિ સામે સજાગ કરવા માટેનું આ એક 'સામુદાયિક શિક્ષણ કેન્દ્ર' છે. આ કેન્દ્ર લોકોને આપત્તિઓ, તેની અસરો અને તે અંગે જરૂરી સુરક્ષાલક્ષી પગલાંઓ વિશે શિક્ષણ આપી તેમને આપત્તિના સામના માટે તૈયાર કરવાનું કામ કરે છે.

લોકો રોજરોજ પ્રશિક્ષક પર કોઈ પણ પ્રકારનો આધાર રાખ્યા વિના સમજ કેળવી શકે અને વિકસાવી શકે એ હેતુથી તેને 'પાર્ક' તરીકેની ઓળખ આપવામાં આવી છે. એ રીતે આ સ્વશિક્ષણ માટેનું સ્થાન છે. 'ઉન્નતિ' દ્વારા બે સજ્જતા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક પાર્ક, ભચાઉ નગરપાલિકા, 'જીએસડીએમએ', 'ભાડા' અને 'ઉન્નતિ'ના સંયુક્ત ઉપક્રમે ભચાઉ નગરમાં માંડવી વાસ ખાતે અને બીજો પાર્ક, શિકરા ગામ ખાતે 'ઉન્નતિ' તથા શિકરા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્થાપવામાં આવ્યો છે.

ટેક્નોલૉજી પાર્ક શા માટે?
સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા જેટલાં મકાનો ઘર-માલિક દ્વારા સ્થાનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરી સ્થાનિક કડિયા-સુથારના માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવે છે. મોટા ભાગે સુરક્ષિતતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. વળી, ભૂકંપની પરિસ્થિતિ પછી ખાસ કરીને, પાછળથી વધારાનું બાંધકામ જોડવામાં આવ્યું હોય ત્યાં ખામીયુક્ત બાંધકામ જોવા મળે છે. એક વાત ખાસ બહાર આવી કે જાગૃતિના ગમે તે માધ્યમનો ઉપયોગ કર્યા પછી પણ લોકોને સ્પષ્ટ અને પ્રત્યક્ષ દેખાય તેવા નમૂના ઊભા કરવા ખૂબ જરૂરી છે. લોકો તે નમૂનો જોયા પછી તેનું અમલીકરણ સારી રીતે કરે છે. આમ, ટેક્નોલૉજી પાર્કમાં આબેહૂબ નમૂનો ઊભો કરી તેના દ્વારા સમજ આપવાની પદ્ધતિ ઉપર વિશેષ ભાર મૂકાયો છે.

'ઉન્નતિ' દ્વારા 2005-2006માં નિર્માણ પામેલા ટેક્નોલૉજી પાર્કના બાંધકામ માટે 'માલ્તેસર ઇન્ટરનેશનલ' નામની જર્મન સંસ્થાએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. આ પાર્ક ઊભો કરવા માટે શિકરા ગ્રામ પંચાયત તરફથી જમીન આપવામાં આવી છે.

સજ્જતા પાર્કના હેતુઓઃ
- નુકસાનનાં કારણો અને પ્રકારો વિશે તેમ જ નુકસાન ઘટાડવા માટેની તકનિકી પદ્ધતિઓ વિશે જાગૃતિ ઊભી કરવી.
- બાંધકામમાં સુરક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવી ઉચિત સામગ્રી, ટેક્નોલૉજી અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવું.
- બાંધકામની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન કરવું કે જેથી ભૂકંપ અને વાવાઝોડા સામે સુરક્ષા ઊભી થાય અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી થાય.
- આપત્તિના સામનાની તૈયારી માટે મુક્ત સંવાદને પ્રોત્સાહન આપવું.

ટેક્નોલૉજી પાર્કનો ઉપયોગ કેવી રીતે?
ગમે ત્યારે, ગમે તે સમયે સમુદાયના તમામ લોકો સજ્જતા પાર્કમાં આવી શકે છે, કારણ કે અહીં બધું જ નિદર્શન ખુલ્લામાં કરવામાં આવ્યું છે. અહીં તેઓ આપત્તિ સામેની સુરક્ષા વિશે શીખી શકે છે. કોઈ પણ સમયે શાળાના વિદ્યાર્થીઓ, મહિલા જૂથો, ગ્રામીણ સમુદાયોના નેતાઓ, યુવક જૂથો અને બાંધકામ કારીગરો વગેરે આ પાર્કની શૈક્ષણિક મુલાકાત લેતા રહે છે અને જાણકારીનો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપયોગ કરતા રહે છે. અહીં તેમને મૉડલ, પ્રદર્શન, નકશા અને રમતો તથા પ્રત્યક્ષ ચર્ચા દ્વારા જાણકારી આપવામાં આવે છે. આ ટેક્નોલૉજી પાર્કમાંથી પ્રેરણા લઈને સુનામી અસરગ્રસ્ત વિસ્તારમાં પણ એક સ્વૈચ્છિક સંસ્થાએ આ પ્રકારનો ટેક્નોલૉજી પાર્ક ઊભો કર્યો છે.

આ ટેક્નોલૉજી પાર્ક સામેના મુખ્ય પડકારો નીચે મુજબ ગણાવી શકાયઃ
- અહીંથી કોણ, કેટલું શીખી-સમજી જાય છે અને તેનો કેવી રીતે અમલ કરે છે તેનો ક્યાસ કાઢી શકાતો નથી.
- મકાન બનાવતા પહેલાં ઘરમાલિક ફરજિયાત રીતે આ પાર્કની મુલાકાત લે તે ગોઠવાતું નથી.
- મુલાકાત લેનાર પાસે કોઈ જ ફી લેવાતી નથી. તેથી તેના રખ-રખાવનો ખર્ચ મેળવવો મુશ્કેલ બને છે.
- પાર્ક ખુલ્લામાં હોવાથી મૉડલ, નકશા અને નમૂનાને નુકસાન થઈ રહ્યું છે.
- લોકો હજુ આ પાર્ક પોતાનો છે એમ સ્વીકારી આગળ આવતા નથી.
- તમામ લોકો માટે સ્થળની અનુકૂળતા ઊભી કરવી મુશ્કેલ જણાય છે.
- પાર્કના મુલાકાતીઓની સંખ્યા તથા અભિપ્રાયો વિશે સતત જાણકારી મેળવાતી નથી.
- અહીં ભૂકંપ અને વાવાઝોડા અંગે પૂરતી માહિતી છે જ્યારે પૂર, દુષ્કાળ, આગ, રોગચાળો જેવા વિષયો ઉમેરાયા નથી.
- સામાન્ય રીતે એક વખત આપત્તિનો સમય વીતી ગયા પછી લોકોને લાંબા સમય સુધી સજાગ રાખવા મુશ્કેલ બને છે. સમય જતાં લોકો સાવધાની પ્રત્યે બેધ્યાન રહે છે.
- બહારથી મદદ કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપર લોકો આધારિત બની રહે છે. એ જોતાં સંસ્થાઓએ શરૂઆતથી જ લોકો પાર્ક સાથે જોડાણનો અનુભવ કરે એવી એક પદ્ધતિનું નિર્માણ કરવું જોઈએ.

આપ કઈ રીતે મદદ કરી શકો?
- આ પાર્કની મુલાકાત લઈ સુધારા-વધારા માટે સૂચન કરી શકો.
- આપના કાર્ય વિસ્તારમાં સ્થાનિક આપત્તિના અનુસંધાને નિદર્શન ગોઠવી શકો.

'ઉન્નતિ' નિર્મિત ટેક્નોલૉજી પાર્કને પુરસ્કાર
તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા તથા લોકજાગૃતિ કેળવવાના આશયથી 'સ્ફીયર ઇન્ડિયા' (Sphere India) તથા 'એફિકોર' (Efficor) દ્વારા એક વિશિષ્ટ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં આપત્તિની અસરો ઓછી કરી શકે તેવા કુલ 33 જેટલા પસંદ કરેલા પ્રયાસોનું ખાસ દસ્તાવેજીકરણ કરવામાં આવેલું. આ અંગે 'ટર્નિંગ ધ ટાઇડઃ ગુડ પ્રેક્ટિસ ઇન સીબીડીઆરઆર' (Turning the Tide: Good Practice in CBDRR) નામનું એક પુસ્તક પણ પ્રગટ કરવામાં આવ્યું છે. (પ્રકાશક- બુક્સ ફોર ચેન્જ, નવી દિલ્લી.)

આ 33 પૈકી ત્રણ પ્રયાસો 'આઉટ સ્ટેન્ડિંગ વર્ક ઇન સીબીડીઆરઆર' તરીકે પસંદગી પામ્યા હતા. તેમાં 'ઉન્નતિ' નિર્મિત ટેક્નોલૉજી પાર્કનો પણ સમાવેશ થાય છે. તા. 21મી ફેબ્રુઆરી, 2010ના રોજ નવી દિલ્લી ખાતે 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી'ના પ્રો. એન. વિનોદચંદ્ર મેનન તથા રાજ્ય કક્ષાના ગૃહમંત્રીશ્રી મુલાપલ્લી રામચંદ્રનની ખાસ ઉપસ્થિતિમાં ત્રણેય સંસ્થાઓને ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી.
(ભાનુભાઈ, 'ઉન્નતિ' સંસ્થામાં પ્રોગ્રામ મેનેજર છે.)