સુરતમાં છે વૃદ્ધ મંદિર સમું વૃદ્ધોનું 'હિલ સ્ટેશન'

- અજય કાનાણી
ટાયરમાં પડેલાં પંકચરમાંથી હવા ન નીકળી એટલે પંકચરમાં કંઈ ખીલી થોડી ફીટ કરી દેવાય? એમ, વૃદ્ધાશ્રમોને આપણે અનિવાર્ય દૂષણ કહીને ખરેખર તો આપણે આપણી જવાબદારીમાંથી છટકી જઈએ છીએ. પણ દૂષણ તો આખરે દૂષણ હોય છે. ત્યારે આ દૂષણથી બચી જવાનો માર્ગ સુરતના એક પટેલ વડીલે આખા સમાજને દેખાડ્યો છે. વૃદ્ધો માટે એમણે એક એવું ધામ બનાવ્યું છે કે જ્યાં વૃદ્ધોને 'ડોસા કે ભાભલા'ને બદલે 'એક મનુષ્ય'ની ઓળખ મળે છે...

'હું ક્રોધ કરીશ નહીં, હું મારા પરિવારનું ગૌરવ વધારીશ, હું સરળ બનીશ, સહન કરીશ અને મૌન રહીશ. હું ઝઘડો થાય તેવું બોલીશ નહીં, હું પાપ થાય તેવી કમાણી કરીશ નહીં, હું રોગી થાવ તેવું અને તેટલું ખાઈશ નહીં, હું કોઈને નડીશ નહીં. હું વ્યસન કરીશ નહીં...'...

આ પ્રાર્થના લગ્નગ્રંથિથી જોડાનારા કોઈ નવયુગલને નથી લેવડાવાતી, પરંતુ જીવન સંધ્યાએ પહોંચેલા વૃદ્ધોને લેવડાવવામાં આવે છે, રોજેરોજના આ કોઈ પંથ-સંપ્રદાયના મંદિરની વાત નથી. 'ફાઈનલ ધામ'માં પહોંચ્યા પહેલા દરેક વૃદ્ધને આ ધામમાં આવવાની ઈચ્છા થશે જ. ના, આ કોઈ વૃદ્ધાશ્રમની પણ વાત નથી. આ વાત છે. વૃદ્ધમંદિરની! નામ એનું છે મનમંદિર! લોકો એને 'વૃદ્ધવાટિકા' કહે છે.

પચાસ પછીની ઉંમર એ વૃદ્ધ થવાની ઉંમર છે અને સાંઈઠ પછીની ઉંમર એ વૃદ્ધ હોવાની ઉંમર છે. પણ આ ઉંમરમાં માણસે આખી જિંદગીમાં ન જોયા હોય તેવા સંજોગો જોવાનો વારો આવે છે. કોઈને તમે ગમતાં બંધ થઈ જાવ તો એનો કોઈ ઉપાય ખરો!!

હા, તે દિશામાં અદ્ભૂત પ્રયાસ કર્યો છે સુરતના એક સૌરાષ્ટ્રવાસી પટેલ વડીલે! નામ એનું પરશોત્તમભાઈ પટેલ ઉર્ફે દાસમામા ચોગઠવાળા. એમણે વૃદ્ધોને ગમે એવું અને વૃદ્ધો ગમે એવું વાતાવરણ ખડું કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઊભાં કરેલાં આ મનમંદિરની પ્રવૃત્તિનું પરિણામ એ આવ્યું છે કે, આ વિસ્તારના અંદાજે ત્રણસો જેટલા પરિવારોમાં વૃદ્ધો વહાલા બની રહ્યા છે.

આ મનમંદિર વૃદ્ધોને 'ભાભા કે ડોહા'ની વ્યાખ્યામાંથી બહાર કાઢી ખરેખર એક 'મનુષ્ય અને પરિવારજન' તરીકે સ્થાપિત કરવાનું કામ કરે છે. વૃદ્ધોનો સમય સુંદર રીતે ગાળવાનું વાતાવરણ સર્જનારા દાસમામા જણાવે છે કે, 'એક તો આખો દિવસ વૃદ્ધો ઘરમાં ન રહે એટલે પરિવારને એવું લાગે કે વૃદ્ધો નડતા નથી અને ઘરથી આખો દિવસ દૂર હોવાથી વૃદ્ધો જ્યારે સાંજે ઘેર આવે છે ત્યારે પ્રેમ અને કરૂણા ભરેલું હૃદય સૌને વહાલ પણ આપે છે.'

આ વૃદ્ધવાટિકા એના સર્જકે માત્ર અને માત્ર વૃદ્ધોને આનંદ કરવા મળે એ જ હેતુથી બનાવી છે. હા, યાદ રહે કે, આ કોઈ વૃદ્ધાશ્રમ નથી પણ વૃદ્ધાશ્રમના કલંકને ધોતું એક એવું ધામ છે કે જ્યાં વૃદ્ધો ખરેખર સુખી થાય છે. અહીં પાંચેક વર્ષથી આવતા મનજીદાદા ગાબાણી કહે છે કે, 'જો મને આ મનમંદિર ન મળ્યું હોત તો મારો ફેરો ફોગટ થાત.' તો પોતાનું નામ છતું થાય અને પરિવારની આબરૂ જાય એ કારણે એક વૃદ્ધનું નામ ન લખતા તે વૃદ્ધ જણાવે છે કે, 'મારે વૃદ્ધાશ્રમમાં જ જવું પડે એમ હતું, પણ આ મનમંદિરે મને બચાવી લીધો.'

તો આ મનમંદિરમાં છે શું?

એમ જ કહો કે, આ મન મંદિર વૃદ્ધો માટેનું એક હવા ખાવાનું સ્થળ જ બની ગયું છે. અહીં રોજ ચારસો જેટલા વૃદ્ધો આવે છે, જેમાંથી અઢીસો જણાં તો અહીં આખો દિવસ વિતાવે છે. કારણ કે, અહીં આવનાર હરેક માણસનો હૃદયનો ખાલીપો દૂર થઈ જાય છે. સૌ એક સાથે બેસે, વાત-ચીત કરે, માટીના માટલાનું શીતળ પાણી પીવે, શીતળ છાંયડે બેસે, કોઈક હિંચકે ઝૂલે, ખુરશીમાં બેસે, મન થાય તો લાઈબ્રેરીમાં વાચન કરે, સંધ્યા થયે સત્સંગ કરે અને સવારે પ્રાર્થના કરે. અહીં હરેક વસ્તુ અને હરેક અનુભૂતિના, વૃદ્ધો પોતે જ માલિક. અહીં આંબા અને નાળિયેરીનો પણ વિશાળ બગીચો છે. જે ખાવું હોય તે તોડીને ખાઈ લેવાની છૂટ! તો સામે, વૃદ્ધો પણ આ છૂટનો બદલો મનમંદિરની પૂરેપૂરી કાળજી રાખીને ચૂકવે છે. અહીં કોઈ નોકર નથી. માત્ર બે વૉચમેન જ છે. મનમંદિરની સફાઈ પણ વૃદ્ધો જાતે જ કરે છે. દાસમામા તો દર શનિ-રવિવારે જ આવે છે. ક્યારેક એમના પત્ની દેવીબહેન પણ સાથે હોય છે. પાંચ ચોપડી ભણેલાં દેવીબહેન અને દશ ધોરણ જ ભણી શકેલાં દાસમામા એકદમ નમ્રતાથી કહે છે કે, અહીં આવનાર દરેક વૃદ્ધ અમારા માતા-પિતા સમાન જ છે!

ત્રણ હજાર ચોરસવારની આ જગ્યામાં ફેલાયેલાં મનમંદિરમાં વૃદ્ધો આવીને સફાઈકામ કરે, બાદ પ્રાર્થના કરે, અને આખો દિવસ ચર્ચા, સત્સંગ, વાચન, બેઠક કરીને સાંજે ચા-પાણી, નાસ્તો કરીને છૂટા પડે. અહીં કોઈ વૃદ્ધની પ્રવેશ ફી નથી. છતાં, વૃદ્ધો અહીં ફાઈવ સ્ટાર સુવિધા ભોગવે છે. દાસમામા દર મહિને 45-50 હજારનો ખર્ચો કરે છે. વળી, એના માટે કોઈ ફંડફાળા પણ નથી કરતા. મહેનત કરીને હીરાના ધંધામાં જે કમાયા એનો અરધો હિસ્સો સમાજને પાછો આપવાની એમની નેમ છે અને એ નેમ એટલે આ વૃદ્ધવાટિકા. પોતાનાં માતાના નામથી ચાલતા 'મણીબહેન ખડેલા ટ્રસ્ટ' વતી આ મનમંદિરનું સંચાલન થાય છે. દાસમામા દિલ ખોલીને જણાવે છે કે, 'આવતીકાલે હું હોવ કે ન હોવ, પરંતુ વૃદ્ધ વાટિકાના સંચાલનમાં કોઈ ધક્કો ન લાગે એ માટે અમૂક રકમ બૅંકમાં ફિક્સ મૂકી દીધી છે. તેના વ્યાજમાંથી પણ આ વાટિકાનું કાયમી સંચાલન થતું રહેશે.'

વૃદ્ધોને સાચવવા એટલે અનેક ઘરોને સાચવવા જેવી આ વાત છે. ઘણા વૃદ્ધો તો દાસમામાને કહે પણ ખરા કે, અમારા ઘરમાં આ તકલીફ છે, ત્યારે દાસમામા ડહાપણની વાત કરે છે કે, પહેલા તમારી ભૂલ શોધો પછી આપણે એ વિશે વાત કરીએ...

આમ, આ મનમંદિરને કારણે ઘણાય વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં જતા બચી ગયાં હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આખા મનમંદિરમાં કોઈ જગ્યાએ મંદિર (ભગવાનની મૂર્તિ) નથી. તેમ છતાં આ ધામ મંદિરથી કમ પણ નથી. ટૂંકમાં, અનુભૂતિ, મંદિર જેવી અને મજા, હિલસ્ટેશન જેવી, એ જ છે, વૃદ્ધ વાટિકાની સાચી ઓળખ...!