ગીરના સિંહોના મલકના લાસા ગામે સામૂહિક શક્તિના સથવારે જળક્રાંતિ આણી

લાસા ગામમાં સંગઠનની ઓળખ વિકાસની પ્રેરક અને રોજગારીની સર્જક બની

- નમ્રતા પટેલ
ગીરની ભોમકા ઉપર જળક્રાંતિ થકી જનક્રાંતિ આણનાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા સ્થિત લાસા ગામનું 'જળસ્રાવ વિસ્તાર વિકાસ મંડળ' એક અનેરું લોકસંગઠન છે. આ મંડળે જળ-જમીન વિકાસ દ્વારા સાત વર્ષમાં ગામલોકોની આવક સાત ગણી વધારી છે. લોક-સહયોગથી ગ્રામ વિકાસનાં કામો કરવાનું ઉત્તમ ઉદાહરણ લાસા ગામે પૂરું પાડ્યું છે. લાસા ગામ એશિયાઈ સિંહોનાં રહેઠાણ ગીર જંગલમાં દાખલ થવાનું નાકું છે. ગામની વસ્તી 1700 છે. તેમાં જુદી-જુદી જ્ઞાતિનાં કુલ 225 કુટુંબોનો વસવાટ છે. કુલ 250 કુટુંબોમાંથી 175 કુટુંબો પાસે જમીન છે.

આકાશી ખેતી હોવાના કારણે વર્ષમાં એક જ પાક લેવાતો હતો. જમીન પથરાળ અને અનિયમિત વરસાદના કારણે પશુપાલન પર પૂરતી આવક મળે નહીં તેથી ખેડૂત પરિવારોમાં સ્થળાંતર વધ્યું. સુરત અને અમદાવાદ શહેરમાં વિકસેલો હિરાઉદ્યોગ પણ આ વિસ્તારના યુવાનોને ખેંચી ગયો. સામાજિક રીત-રિવાજો અને લગ્નમાં થતી દેખાદેખીને કારણે ખેડૂતો વારસામાં મળેલી જમીનો અને દાગીના પણ વ્યાજના ખપ્પરમાં ફસાઈને વેચવા મજબૂર થયા. ગામલોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા અમરેલી સ્થિત 'શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર' દ્વારા વર્ષ 2002માં વૉટરશેડ યોજનાના ભાગરૂપે 'જળસ્રાવ વિસ્તાર વિકાસ મંડળ-લાસા'ની રચના થઈ. આ મંડળે સૌની ભાગીદારીથી જમીન વિકાસનાં વિવિધ કામો હાથ ધર્યાં. તેમાં બંધપાળા, પથ્થરપાળા, ગલી પ્લગિંગ તેમ જ ચેકડેમ, બંધારા, નાલાપ્લગ બનાવીને લોક-સહયોગ દ્વારા સ્થાનિક ભૂગર્ભજળને સંચય કરવાનું અને વરસાદી પાણીના વ્યવસ્થાપનને મહત્ત્વ અપાયું. પરિણામે, 7 વર્ષ પહેલાં ભૂગર્ભજળની સપાટી 200 ફૂટ હતી, તે આજે વધીને 40 ફૂટ પર આવી છે.

વૉટરશેડ કાર્યક્રમના અમલ બાદ ગામની 500 હૅક્ટર જમીનનું ધોવાણ અટકવાથી જમીનની ઉત્પાદકતા વધી. તેથી શિયાળુ અને ઉનાળુ પાક પહેલાં જે માત્ર કલ્પના હતી તે હવે સીમમાં અને ખેતરમાં લહેરાવા લાગ્યા. ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા અને આધુનિક ઓજારો દ્વારા ખેતી ક્રાંતિ થઈ. આ મંડળ દ્વારા ટ્રેક્ટર 12થી વધીને 22 થયા છે. તથા ઓપનર 100થી વધી 150 થયા.

ગામમાં જ રોજી ઊભી થવાથી ગામ છોડીને ગયેલા લોકો ગામની ખેતીમાં જોડાયા. ગામલોકો અને સંગઠનના સભ્યોની સક્રિય ભાગીદારીથી વૃક્ષોનું વાવેતર થયું. ઘાસ અને પાક નિદર્શન પ્લૉટ, મહિલા વિકાસ માટે વ્યવસાયિક તાલીમવર્ગો તથા મજૂરો માટે રોજગારીનાં કાર્યો પણ આરંભાયાં. મંડળ થકી 18 સ્વ-સહાય જૂથોનું નિર્માણ થયું છે. તેમાં 12 બહેનો અને 6 ભાઈઓનાં જૂથો છે. આ 18 જૂથોની હાલની બચત 15 લાખ છે. પહેલાં જાહેર બૅંકો લાસા ગામને ધિરાણ આપવા તૈયાર નહોતી. ત્યાં આજે લાસા ગામનાં 18 જૂથો સાથે જોડાતા ગૌરવ અનુભવે છે.

મંડળના વિકાસ માટે તેની સહભાગિતાવાળી કાર્યપદ્ધતિ સફળતાનું સોપાન છે. ગ્રામ સભામાં ભાઈ-બહેનોની સહભાગિતા દ્વારા યોજનાની તમામ કામગીરી કરવામાં આવે છે. લોકોમાં ગામનું કાર્ય પોતાના માટે છે, તેવી ભાવના વિકસી છે. આ મંડળને કારણે રોજગારી માટેનું સ્થળાંતર બંધ થયું, આરોગ્ય અને શિક્ષણનું સ્તર સુધર્યું, જળ વિકાસથી 125 કૂવાઓ રિચાર્જ થયા. મહિલા સમાનતાની વાત સ્વીકારાઈ. સ્વ-સહાય જૂથોથી 312 વ્યક્તિઓમાં બચતની ટેવ વિકસી. આવાં અનેક કાર્યો મંડળની પ્રવૃત્તિને આધિન છે. ગામમાં સંગઠનની ઓળખ વિકાસની પ્રેરક અને રોજગારીની સર્જક તરીકેની બની છે. વૉટરશેડ યોજના પૂર્ણ થયા બાદ સંગઠનના સંચાલકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા છે.

આ ગામવાસીઓએ સામૂહિક શક્તિના સથવારે જળક્રાંતિ આણી છે. સૌરાષ્ટ્ર જેવા, સંસાધનોની વિષમતા ધરાવતા વિસ્તારમાં સામૂહિક પ્રયાસથી જે વિકાસ કાર્યો થયાં છે તે સીમા ચિહ્નરૂપ છે. આ મંડળની કેટલીક વિશેષતાઓ પર નજર નાખતા જોઈએ તો મંડળ દ્વારા બચતની પ્રવૃત્તિમાં જમીનવિહોણાં કુટુંબોને આવરી લેવામાં આવે છે, નાના વેપાર માટે પણ લોન આપવામાં આવી છે. વૉટરશેડનો મંજૂર થયેલ પ્રોજેક્ટ જે રૂપિયા 15 લાખની કિંમતનો હતો, જેમાં લાભાર્થી મારફત રૂ. 1.5 લાખ જેટલો લોકફાળો એકત્રિત થયો છે તથા રૂ. 50,000 જેટલું શેરભંડોળ એકત્રિત કરેલું છે. ગ્રામવિકાસ મંડળ મારફત ગામના 144 જેટલા ખેડૂતોનું પાકધિરાણ માટે બૅંકો સાથે જોડાણ કરીને રૂ. 1.5 કરોડ જેટલું ધિરાણ આપવામાં આવ્યું છે. આ સફળતાનો યશ ગામની સંગઠનશક્તિ અને સમાજ કલ્યાણ કેન્દ્રના માર્ગદર્શનને જાય છે.

1 ટીપ્પણી:

અજ્ઞાત કહ્યું...

without doubt i can say its model vilage of gujarat . very informative, inspiring story.