બે હાથ, બે વર્ષ અને એક ચેકડેમ

- અજય કાનાણી
કાગદડી ગામમાં બે વર્ષથી મહેનત કરી રહેલા 80 વર્ષના વૃદ્ધ ખેડૂતે ટેકરા ખોદી-ખોદીને, તગારા ઉપાડી-ઉપાડીને એકલા હાથે બનાવી દીધો આખો ચેકડેમ...

તડકો ધોમ ધખી રહ્યો છે. ગામના ચોકમાં વૃક્ષોના ટાઢે છાંયડે ઓટલા ઉપર બેઠા-બેઠા વૃદ્ધો વાતો કરી રહ્યા છે. સામે જ થોડે દૂર એક શેરીમાં થોડી-થોડી વારે ધૂળ ઉડતી દેખાય છે. બરાબર સાત મિનિટ થાય એટલે એક ધૂળની નાનકડી ડમરી ઉડતી દેખાય.

શું છે આ? ત્યાં જઈને જોયું તો સમજાયું કે, ઓહો... અહીં તો એક ગજબનો યજ્ઞ થઈ રહ્યો છે અને એ યજ્ઞમાં નવરાશ, આળસ અને કંટાળાની આહૂતિ અપાઈ રહી છે. યજ્ઞમાં જે ધૂમાડો નીકળે છે એ ધૂમાડાનું પ્રતીક છે આ સાત-સાત મિનિટે ઉડતી ધૂળ... આ સાત-સાત મિનિટે ઉડતી ધૂળમાં સાત-સાત જન્મારા સાર્થક કરવાનું અનુષ્ઠાન સમાયેલું સ્પષ્ટ દેખાઈ આવે છે.

80 વર્ષના એક વૃદ્ધ કાળા તડકામાં જમીનના ટેકરા ખોદી-ખોદીને એમાંથી તગારા ભરી-ભરીને એ તગારા કાંધે ઉપાડી-ઉપાડીને પચાસ ફૂટ દૂર જઈને એક પાળામાં ઠલવી રહ્યા છે. છેલ્લાં બે વર્ષથી આ વૃદ્ધ આ જ રીતે આખો દિવસ ખોદી-ખોદીને આ પાળા ઉપર તગારા ઠલવી રહ્યા છે. પચાસ ફૂટ લાંબો અને નવ ફૂટ ઊંચો તેમ જ પંદર ફૂટ પહોળો આખો આ પાળો માત્ર પાળો નથી. હવે પૂરા બે વિઘાના વિસ્તારમાં એક આખો ચેકડેમ બની ચૂક્યો છે.

અમરેલી જિલ્લાના બગસરાની પાડોશમાં આવેલા કાગદડી ગામની આ એક અદ્ભૂત મહેનતકથા છે. ગામના વતની અરજણભાઈ ઠેસિયાની ઉંમર આજે આખા સમાજે માની લીધી છે એવી ભજન-ભક્તિ કરવાની છે. પણ આવું શું કામ કરો છો? એવા પ્રશ્નનો અરજણબાપા જે જવાબ આપે છે એ જવાબ આખા સમાજ માટે એક પ્રશ્ન થઈ પડે છે અને આખો સમાજ ઊંધેમાથે વિચારે તો પણ એ પ્રશ્ન અનુત્તર જ રહેશે. પ્રશ્નના જવાબમાં અરજણબાપા મોટા અવાજે બોલે છે કે, 'પણ શું કામ હું નવરો બેસું?' અને ભજન-ભક્તિ કરવાની જ વાત હોય તો બેઠાં-બેઠાં આરામથી ભગવાનનું નામ લેવાને બદલે થાકીને ભગવાનનું નામ લેવું વધારે સારું એવું આ વૃદ્ધ માને છે.

ઝીરો ચોપડી ભણેલા અરજણબાપાની જીભમાં જાણે અધ્યાત્મ પડઘાઈ રહ્યું છે. 'પ્રાર્થના કરવા ઊંચા થયેલાં હાથ કરતાં મહેનત કરવા નીચા નમેલા હાથ વધારે કામના છે.' એ ન્યાયે અરજણબાપાનાં કાંડાંમાં કર્મનો સિદ્ધાંત કંડારાઈ ગયો છે. ભર્યુંભાદર્યું ખોરડું અને ખેતી ધરાવતાં અરજણબાપાને ઘરમાં કોઈ કમી નથી. ચાર દીકરાઓનાં ઘેર પણ સંતાનો કલબલાટ કરી રહ્યાં છે. બધાના ધંધા-વ્યવસાય હર્યાભર્યા છે. એયને... ઢાળિયો ઢાળીને જાડા તકીયે પડખું ટેકવીને આરામ કરે તોય જિંદગીને માણી શકે. પણ આ વૃદ્ધ સવારે સૌથી પહેલાં ઉઠીને પોતાનાં કામ બીજાને ઓછા ચિંધીને દસેક વાગ્યે પોતાના ચેકડેમમાં ત્રિકમ, પાવડો અને તગારું લઈને આવી જાય. પોતાનો ઝભ્ભો (બંડી) કાઢીને બાજુમાં પથ્થરા નીચે મૂકી દે અને ખોદકામ શરૂ કરે, પછી તગારું ભરે અને એ તગારું ખભે ચડાવીને 50 ફૂટનો ઢાળ ચડીને પાળો બનાવવા ઠલવી દે. આખા દિવસમાં 60થી વધુ તગારા આ રીતે પાળા ઉપર નાખી દે.

એમનો આ રોજિંદો ક્રમ છે. વળી, ખાલી તગારા ઠલવી દેવા એવું પણ નહીં. પૂરી ઈજનેરી વિદ્યા કામે લગાવીને આ પાળાનું નિર્માણ તેમણે કર્યું છે. પાળા ઉપર જેમ-જેમ ધૂળ અને ગારો ઠલવતાં જાય એમ-એમ એના ઉપર પાણીનો પણ છંટકાવ કરતાં જાય. પૂરા નવ ફૂટ ઊંચો આ પાળો આવી રીતે જ બનાવ્યો છે. આ પાળામાં એક મુઠ્ઠી સિમેન્ટ પણ નથી નાંખી તેમ છતાં આ પાળો 'ટકે વરસો વરસ' જેવો મજબૂત પણ છે. બે વરસ પહેલાં જ આ ચેકડેમની સાથે ગામમાં સરકારી યોજનામાં બીજો એક આર.સી.સી. પાળો પણ બનવાનો શરૂ થયો. નવાઈની વાત એ છે કે આજે એ આર.સી.સી.નો પાળો તૂટીને ધૂળ ભેગો થઈ ગયો છે. જ્યારે આ ધૂળનો પાળો હાજરાહજૂર ઊભો છે.

ગામના ઉપસરપંચ રામભાઈ ધાધલ કહે છે કે, 'સિમેન્ટ તો શું, અરજણબાપાએ આ પાળા માટે જ્યાંથી જમીન ખોદી છે ત્યાં આજસુધીમાં ટ્રૅક્ટરનું પૈડું પણ નથી પડ્યું...' અર્થાત્ આ સમગ્ર ખોદકામ ટ્રૅક્ટર કે જેસીબીની મદદ વગર માત્ર ત્રિકમ અને પાવડા દ્વારા જ કર્યું છે. 'એટલું જ નહીં, અરજણબાપાને કેટલીય વખત અમે પોતાના આંગળાથી પણ ખોદતા અને ગારો કાઢતાં અમારી આંખે જોયા છે.' ઉપસરપંચ રામભાઈ આગળ જણાવે છે.

તો, ગામના ખેડૂત બાબુભાઈ કાનાણી સહિત સમગ્ર ગામનું કહેવું છે કે, 'આજથી બે વર્ષ પહેલાં આ કેડીએ સાઇકલ પણ ચાલી ન શકતી. અને આ સીમનો રસ્તો હોઈ ઢાંઢાઓને ખૂબ બળ પડતું...'

બસ, ઢાંઢાઓની આ તકલીફે જ અરજણબાપાને આ મહેનત તરફ વાળ્યા છે. પરંતુ, ગામ માટે મહેનત કરવી એ તો અરજણબાપાના સ્વભાવમાં જ છે. ગામના વડીલો જણાવે છે કે, 'અરજણભાઈએ ભલે નવાં કપડાં પહેર્યાં હોય, એની સાથે મહેમાન ભલે ચાલતાં હોય, પણ રસ્તામાં પથ્થર-કાકરાં જુએ એટલે આ માણસ પોતાના ઝભ્ભાની ઝોળીમાં પથ્થર અને કાંકરા ભેગા કરીને દૂર નાંખી આવે.' આવું નાનું-મોટું કામ કરી-કરીને એમણે છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં ગામથી સીમનો બે કિ.મી.નો રસ્તો પણ બરાબર કરી દીધો છે.

ગત વર્ષે આ 'મેઈડ બાય હૅન્ડ' ચેકડેમ પાણીથી ભરાયો ત્યારે અહીં મંદિરની જેમ લોકો રોજ આવતા. એટલું જ નહીં, ગામમાં અવેડો છે તે છતાં ગામના તમામ ઢોર અને ચેકડેમમાં છેલ્લે કાદવ બચ્યો તો પણ અહીં જ પાણી પીવા આવતાં. કદાચ એ જ બતાવે છે કે 'મહેનતમાં જ સાચી મીઠાશ હોય છે, ભ્રષ્ટાચારમાં નહીં...' આ ચેકડેમને હિસાબે આજુબાજુનાં કૂવાઓમાં આજે એપ્રિલ મહિનામાં પણ 33 ફૂટે તળમાં પાણી છે.

જિંદગીની ફરજ પૂર્ણપણે બજાવી ચૂકેલા આ નિઃસ્વાર્થ અને પરોપકારી માનવીએ પોતાના પરિવારને પોતાના મરણ પાછળ ખોટાં વિધિવિધાનો ન કરવા અને તેને બદલે શાળામાં દાન કરવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે. એકદમ નિર્વ્યસની આ વૃદ્ધને બસ મહેનતનું જ વ્યસન છે. ગામ લોકો કહે છે કે, એના માથે મહેનતના આશીર્વાદ છે. દર વર્ષે આખા ગામના તમામ જ્ઞાતિનાં બાળકો માટે જમણવારનું આયોજન કરતાં અરજણબાપા પ્રત્યે આખા ગામને વંદનીય આદર છે. પરંતુ ગામમાં સપ્તાહ કે ગમે તે ધાર્મિક કાર્યક્રમ હોય, અરજણબાપા ક્યારેય ત્યાં સાંભળવા નથી જતા અને સતત આ ચેકડેમમાં મહેનત કરતા રહે છે.

આ ચેકડેમ જ્યાં બન્યો છે તે જમીન પણ આ વૃદ્ધની નથી, કે નજીકમાં તેમનું વાડી-ખેતર પણ નથી, બસ ગામ માટે જ આ મહેનત થઈ રહી છે એ વાત ખૂબ નોંધપાત્ર છે.