વિકાસલક્ષી આલેખન કરનારાઓનું એક જ્ઞાન-વર્તુળ રચાય તે જરૂરી

અપૂર્વ ઓઝા
સમાજના ગરીબોની સ્થિતિ વિશે સમાજનો બહોળો વર્ગ અજાણ છે. ગરીબોના પ્રશ્નો, તેમની આવડતો અને વાસ્તવિકતાઓ વિશે લોકો પાસે ખૂબ ઓછી જાણકારી હોય છે. સમાજના વંચિતોનો વિકાસ થાય અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે ખૂબ જરૂરી છે. ગરીબો અને વંચિતો વિશે સમાજને જાણકારી હોય તો જ વંચિતોનો સ્થાયી વિકાસ સારી રીતે થઈ શકે. માત્ર સરકાર જ વંચિતોની સ્થિતિ અને તેમની આવડતોથી વાકેફ થાય એટલું પૂરતું નથી. સમાજના દરેક વર્ગે એકબીજા વિશે વાકેફ રહેવું જોઈએ. જો મહિલાઓ, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, બાળકો અને લઘુમતી સહિતના વંચિતોની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સમાજને જાણકારી મળે તો તેના આધારે સમાજનો તેમના તરફનો વ્યવહાર હકારાત્મક બની શકે. જો આમ થાય તો જ વિકાસથી વંચિત રહેલા એ વર્ગને વિકાસની તક મળે. જો આપણે આવું ઇચ્છતા હોઈએ તો એક વિકાસલક્ષી કાર્યકર તરીકે કલમ ઉપાડવી જ રહી. આપણાં વિકાસકાર્યોના અનુભવોનું આલેખન કરીને એ વ્યાપક જનસમાજ સુધી પહોંચાડીએ તો વંચિત સમુદાયની સ્થિતિમાં પરિવર્તન લાવી શકીએ.

સમાજના વિવિધ વર્ગના લોકો, ખાસ કરીને શહેરી નાગરિકો, ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ શકવાના નથી. દરેક વ્યક્તિ પોતાના રોજબરોજના જીવનમાં વ્યસ્ત હોય છે. દરેકને કોઈ ને કોઈ જવાબદારી હોય છે તેથી ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો જાણવા માટે તેઓ ગામોમાં જશે નહીં અને એ રીતે ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોને વાચા મળશે નહીં તેથી વિકાસ-કાર્યકરે વંચિતોને વાચા આપવા માટે આલેખન કરવું જોઈએ. કૉર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને કે પછી ઔદ્યોગિક એકમોના કર્મીઓને પોતાના અનુભવો વિશે આલેખન કરવાનું કહેવામાં આવતું નથી, પરંતુ વિકાસલક્ષી કામગીરી સાથે જોડાયેલા સામાજિક કાર્યકરોએ તો પોતાની ફરજના ભાગરૂપે લખવું જ પડશે. આપણે આપણા અનુભવોને આલેખીને ગ્રામીણ નાગરિકોની 'ગામડિયા' તરીકેની છબી બદલી શકીએ.

આજે આખા ગુજરાતમાં અનેક ગામોમાં વિકાસકાર્યોની આગેવાની લેનારા અનેક નાગરિકો મોજૂદ છે. તેમણે પોતાના વિસ્તારના પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ લાવી બતાવ્યો છે. ખૂબ સંઘર્ષ કરીને વિકાસ માટે મથ્યા કરતી આ સાહસિક વ્યક્તિઓ વિશે આલેખન કરીએ તો તેમનું પણ માન વધે અને તેમનો આત્મવિશ્વાસ પણ બેવડાય. આત્મસન્માન એ વિકાસનું પહેલું પગથિયું છે. તેથી જો વ્યક્તિનું આત્મસન્માન જળવાય અને સમાજમાં તેનાં સારાં કાર્યોની નોંધ લેવાય તો વિકાસકાર્યો કરવાનો તેનો ઉત્સાહ બમણો થઈ જાય છે. આ કારણે જ એક વિકાસ-કાર્યકર તરીકે આપણે લખવું જોઈએ.

આજે ટેક્નોલૉજી, મેનેજમેન્ટ અને વેપાર અંગે ઘણું લખાયું છે. વળી, આપણા દેશમાં એક હજારથી વધારે મેનેજમેન્ટ અને બિઝનેસ સ્કૂલો, કૉલેજો કે યુનિવર્સિટીઓ હશે, પણ ગ્રામીણ યુનિવર્સિટીઓ કેટલી? આપણા દેશમાં ગ્રામીણ ટેક્નોલૉજી કે ગ્રામીણ વિકાસ અંગેની કૉલેજો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. પરિણામે, તે અંગેની માહિતી અને જ્ઞાનનો પ્રચાર-પ્રસાર ખૂબ ઓછો થઈ રહ્યો છે. માત્ર ગુજરાતનું જ ઉદાહરણ લઈએ તો, દરેક જિલ્લાના જુદા જુદા પ્રશ્નો, પ્રયાસો અને વૈવિધ્ય છે. એ બધાનું દસ્તાવેજીકરણ કરનારું 'જ્ઞાન-વર્તુળ' (બૉડી ઑફ નૉલેજ) રચાય તે અત્યંત જરૂરી છે. તેથી જ પ્રશ્નો અને પ્રયાસોનું તથા અનુભવોનું આલેખન કરવું આવશ્યક બની જાય છે. જો આવું કોઈ દસ્તાવેજીકરણ હોય તો તેની ઉપર ટીકા-ટિપ્પણ થઈ શકે અને એ રીતે જ્ઞાનનો પ્રસાર થાય. સમાજનો બહોળો વર્ગ અન્ના હજારે, બાબા આમ્ટે, સુંદરલાલ બહુગુણા, નારાયણ દેસાઈ, એમ. એસ. સ્વામીનાથન, ડૉ. કુરિયન વગેરે જેવા મહાનુભાવો વિશે શું અને કેટલું જાણે છે? મારા મતે ખૂબ નાના વર્ગને આવા મહાનુભાવો વિશે જાણકારી હશે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોનાં સાચાં રત્નો વિશે જાણકારી હોય એવી અપેક્ષા તો વધુ પડતી જ ગણાય. સામાજિક કાર્યકરે, પત્રકારે અને જુદી જુદી ફૅકલ્ટીના વિદ્યાર્થીઓએ આવાં સાચાં રત્નો અને તેમના ઉમદા પ્રયાસો વિશે લખવું રહ્યું. આપણા ભણેલાગણેલા સમાજ તથા આપણા બહોળા મધ્યમ વર્ગની વિચારધારા બદલવા માટે સમાજે ઉપરોક્ત બાબતો વિશે જાણકારી મેળવે તે જરૂરી છે. આવી જાણકારી વાચનથી મળશે અને જો વિકાસલક્ષી મુદ્દાઓ અને કાર્યો વિશે આલેખન થશે તો તેમના માટે વાચન-સાહિત્ય ઉપલબ્ધ થશે.

(શ્રી અપૂર્વભાઈ ઓઝા, 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)'-અમદાવાદના વડા છે.)