જ્યારે કોઈ બાળક ખોવાય છે ત્યારે લોકો આ યુવાનને શોધે છે

- અજય કાનાણી
ફિલ્મોમાં માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-બહેન કે પ્રેમી-પ્રેમિકા બચપણમાં ખોવાઈ જાય છે અને અંતમાં એકબીજાને મળી જાય છે. આ ચમત્કાર, ફિલ્મના ડિરેક્ટર કરે છે. પણ હકીકતમાં, અસલી જિંદગીમાં આવા જ એક અસલી ડિરેક્ટર છે સુરતના યુવાન પ્રવિણ ભાલાળા! આ યુવાને આજ સુધીમાં ખોવાયેલાં ચાલીસ જેટલાં બાળકોને પોતાના મૂળ સરનામે પહોંચાડ્યાં છે.

ત્રણેક વર્ષ પહેલાંની આ વાત છે. સુરતનાં પૂણાં ગામના રહેવાસી દિલીપભાઈ પટેલ એ વખતે લગ્નમાં સહપરિવાર મશગૂલ હતા. એમનો ચાર વર્ષનો દીકરો રોહીત રમતાં-રમતાં ક્યાંક નીકળી ગયો. થોડીવાર સુધી રોહીત ક્યાંય ન દેખાતાં સૌએ દોડાદોડ કરી મૂકી. રોહીત ચારેક કિ.મી. દૂર પહોંચી ગયો હતો. કોઈક રાહદારીને ખબર પડી અને એ રાહદારીએ એ બાળકને સુરતના સેવાભાવી યુવાન તરીકે જાણીતા પ્રવિણ ભાલાળા પાસે પહોંચાડી દીધો. પ્રવિણભાઈએ બાળકને શાંત કરી ટી.વી. ચેનલમાં સમાચાર આપ્યા. બાર કલાક પછી તેના પિતા દિલીપભાઈને ખબર પડતાં તે રોહીતને લેવા પ્રવિણભાઈ પાસે ગયા. રોહીતને જોઈને દિલીપભાઈ દોટ મૂકવાના હતા, પણ પ્રવિણભાઈના હાથે દિલીપભાઈને અટકાવી પૂછ્યું કે, 'તમારી ઓળખાણ?' આ સાંભળીને દિલીપભાઈ ધુવાંપુવાં થઈ ગયાં અને પ્રવિણભાઈ સાથે બાથંબાથી કરવા વિચારવા માંડ્યા. જોકે, પછી તરત એમને સમજાયું કે આ યુવાન મારા બાળક માટે કેટલો ચિંતિત છે! પછી તો દિલીપભાઈએ પરિવારનો ફૉટોગ્રાફ બતાવી ખોવાયેલું બાળક પોતાનું જ હોવાની ખાતરી કરાવી. ત્યારપછી તેઓ ખુશીથી રોહીતને તેમના ઘરે લઈ ગયાં.

બસ, યુવાન પ્રવિણ ભાલાળા ઉપર સાચી રીતે ગુસ્સે થનારા આ દિલીપભાઈ પહેલા અને છેલ્લા વ્યક્તિ હતા. આજ સુધી આ યુવાન ઉપર કોઈ માણસ ગુસ્સે જ નથી થયું, તેનું કારણ એ છે કે આ પ્રવિણભાઈ તો લોકોને ખુશીઓ આપવાનું કામ કરે છે. 45 લાખની વસ્તી ધરાવતાં સુરત શહેરમાં કોઈ ખોવાયેલું કે બિનવારસી બાળક મળે તો પ્રવિણભાઈ તેને તેનાં માતા-પિતા પાસે પહોંચાડી દે છે. જ્યાં સુધી માતા-પિતા ન મળે ત્યાં સુધી બાળકને સાચવવા તથા ખવડાવવાનો ખર્ચ પણ જાતે જ કરે.

એક વખત તો પ્રવિણભાઈને રેલવે સ્ટેશનેથી ત્રણ નાની-નાની બાળકીઓ મળી આવી. એ બાળકીઓને પોતાનાં ઘરે પહોંચાડવા પ્રવિણભાઈ પોતાની મોટર સાઈકલ ઉપર આખું શહેર ફર્યા. અંતે તે બાળકીઓનું ઘર મળ્યું. આમ કરતાં-કરતાં પ્રવિણભાઈએ ચાલીસ જેટલાં ખોવાયેલાં બાળકોને પોતાના પરિવાર સુધી પહોંચાડ્યાં છે. પણ આ રીતે ખોવાયેલું બાળક કોઈ ખોટાં હાથમાં ચાલ્યું જાય તો? પ્રવિણભાઈ જણાવે છે કે, બસ એટલે જ હું આ કામમાં પાડોશીઓ, આગેવાનો તથા પોલીસની પણ મદદ લઉં છું.

સુરત શહેર એટલે કમાણીનું શહેર અને પૈસાનું શહેર! ગમે તે ધંધામાં રળીને લાખોપતિ થઈ શકાય. પણ તમને આવું સેવાભાવનું કામ કરવાનું કેમ સૂઝ્યું? એનો જવાબ પ્રવિણભાઈના જીવનમાંથી મળે છે. જિંદગીની તમામ મુશ્કેલીઓમાંથી આ યુવાને પોતાની જાતને હેમખેમ બહાર કાઢી છે. બાળપણથી જ છતે મા-બાપે પ્રવિણભાઈ અનાથ હતાં. કિશોર થયાં ત્યાં સુધી બાળમજૂરી કરી અને પછી પણ મજૂરી ચાલુ રહી. જિંદગીમાં એમનો હાથ પકડનારા ખૂબ ઓછા મળ્યાનો એકરાર તે ખુદ કરે છે અને એટલે જ આજે તે બીજાનો હાથ પકડે છે, એવું પ્રવિણભાઈ ખુમારી સાથે જણાવે છે. ઘણાં વરસ હીરા ઘસ્યા પછી આજે બે પાંદડે થયેલા આ યુવાને પોતાના સુખનાં બન્ને પાંદડાં સમાજને અર્પી દીધાં છે.

એક વખત તો નિરાધાર બનેલાં એક વૃદ્ધા અને પૌત્ર મંદિરમાં ભીખ માંગી રહ્યાના સમાચાર કમ ટહેલ છાપામાં અપાયાં. શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ ઓફર મૂકી. પણ એ બધામાં સેવાની ઊંચી બોલી લગાવીને એક વ્યક્તિ આ નિરાધારો પોતાના ઘરે લઈ ગઈ અને દિવસો સુધી તેની સેવા કરી. આ વ્યક્તિ એટલે આ પ્રવિણ ભાલાળા જ સ્તો...

હાલ આ યુવાનની ઉંમર માંડ 26 વર્ષની છે. પણ તેમનાં આવાં વિવિધ સેવાલક્ષી કાર્યો જોઈને શહેરની 22 સંસ્થાઓએ તેમને વિવિધ હોદ્દે બેસાડ્યા છે. સુરતમાં 'ગૌ સંવર્ધન સેવા સંઘ'ના તેઓ પ્રમુખ છે અને તેના માધ્યમે છેલ્લાં દસેક વર્ષથી તે સર્વજ્ઞાતિના સમૂહલગ્નો પણ ઉજવે છે. તેમાં આજ સુધીમાં ત્રણસોથી વધુ યુગલોને પરણાવી શક્યા છે. ઉપરાંત, સુરતના કે સમાજના કોઈ પણ પ્રશ્ન અંગે ન્યાય અપાવવા માટે લડત કરવા હંમેશા તૈયાર રહેતા આ યુવાનને આખું સુરત શહેર ઓળખતું થયું છે. સુરતમાં પૂરનો પ્રશ્ન હોય કે ગૌહત્યાની વાત હોય કે હીરાઉદ્યોગની મંદી હોય, યુવાન પ્રવિણભાઈએ હંમેશા કાંઈક રસ્તો તો શોધ્યો જ છે.

દુઃખીને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એનું દુઃખ તો ઘટાડી શકાય ને, એવી તાત્વિક વાત કરતાં આ યુવાન કોઈ બીનવારસી લાશનો અંતિમ સંસ્કાર પણ કરે છે.