"લોકહિતો ધ્યાનમાં રખાવા જોઇએ": રોજગારી અને જમીન અંગેની લોકસુનાવણીમાં પેનલ નિષ્ણાંતોએ રજૂ કરેલો અભિપ્રાય

વિકાસની નીતિ થોડાકને નહીં, પરંતુ બહુધા સમાજને ફાયદો થાય તે રીતે ઘડાવી જોઇએઃ લોકસુનાવણી બાદ નિષ્ણાતોએ લોકહિત માટે કરી ભલામણો.
- મમતા સોલંકી

કુદરતી સંસાધનો પર લોકોને-પ્રજાને માલિકી આપવાના બદલે પોતે જ તેને હસ્તગત કરીને તેને ઉદ્યોગોના હવાલે કરી દેવાની સરકારની નીતિઓ સામે અમદાવાદની ગૂજરાતની વિદ્યાપીઠ ખાતે એક લોકસુનાવણી યોજાઇ. સાતમી ફેબ્રુઆરીના રોજ જુદાંજુદાં સંગઠનોના ઉપક્રમે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ગ્રામવાસીઓ અને આગેવાનોએ આ લોકસુનાવણીમાં રજૂઆતો કરી હતી. આ સંગઠનોમાં મુંદ્રા- કચ્છના માછીમાર અધિકાર સંગઠન, બંધારો અને ગૌચર બચાવો લોક આંદોલન- મહુવા- ભાવનગર, ભૂમિ સુરક્ષા આંદોલન- માળિયા મિયાણા-રાજકોટ તથા ભાવનગરના ભાવનગર જિલ્લા ગ્રામ બચાવો સમિતિ અને રહેઠાણ અધિકાર મંચનો સમાવેશ થતો હતો.

લોકસુનાવણીમાં સરકાર દ્વારા પોતાની જમીનો ઉદ્યોગોને સોંપી દેવાયા બાદ છિનાવઇ જતી જમીનો અને રોજગારીની વિતક કથા અસરગ્રસ્ત લોકો પાસેથી સાંભળ્યા બાદ પેનલ નિષ્ણાતોએ પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. નેશનલ પ્લાનિંગ કમિશનના સભ્ય ડૉ.સાયેદા હમીદે પોતાનો અભિપ્રાય આપતા ત્યાં બેઠેલા લોકોને ઉદ્દેશીને કહ્યું કે, "મેં ઘણી લોકસુનાવણીઓમાં ભાગ લીધો છે પરંતુ પહેલી વાર આ એક એવી સુનાવણી છે જેમાં તમે લોકોએ પદ્ધતિસર એક-એક મુદ્દો અમારી સાથે ચરચ્યો તે બદલ તમને અભિનંદન આપું છું." જંગલ, જમીન, જળ, અને અન્ય કુદરતી સંસાધનોની માલિકી માત્ર અને માત્ર લોકોની છે. યોજનાઓ નીચેના સ્તરથી ઉપરના સ્તર સુધી જવી જોઇએ એવું તેમણે કહ્યું. યોજનાઓ બનતી હોય તેમાં કંઇ મહત્ત્વનું હોય તો તે લોકોનો અવાજ છે અને લોકોના અવાજ વગર કોઇ પણ યોજના નિર્જીવ બની જાય છે તેવું સાયેદાબહેને કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, "તમારા લોકઆંદોલનમાં મહિલા, પુરુષ, આદિવાસી બધા જ છે અને આ બધા જ હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો છે. તમારા લાભને બદલે સરકારનું ધ્યાન બીજે જઇ રહ્યું છે તે અયોગ્ય છે." લોકસુનાવણીમાં રજૂ થયેલી સમસ્યાઓ અંગે તેઓ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે અને ત્યારબાદ ગુજરાત સરકાર સુધી તેની વાત પહોંચાડશે તેવું વચન પણ સાયેદાબહેને લોકોને આપ્યું હતું.

ગાંધી પીસ ફાઉન્ડેશનના અધ્યક્ષા રાધા બહેન ભટ્ટ જેઓ પોતે ઉત્તરાખંડમાં આવાં જ લોકઆંદોલનો ચલાવે છે તેમણે લોકસુનાવણીમાં આવેલા લોકોને કહ્યું કે, "તમારી જાણકારીનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. દરેક જગ્યાએ વિકાસના નામે લોકો સાથે છેતરપીંડી જ થાય છે. સરકાર પ્રાકૃતિક સંસાધનોની દેખભાળ કરે તેના બદલે આપણે પોતે જ આવાં સંસાધનોની જાળવણી કરવી જોઇએ" સુપ્રિમ કૉર્ટના સિનિયર ઍડવોકેટ સંજય પરીખે પણ આ પ્રકારે જમીનો છિનવાઇ જતા લોકોના કેસો અંગે ઉલ્લેખ કર્યો હતો.

જાણીતા અણુવિજ્ઞાની સુરેન્દ્ર ગાડેકર કહ્યું કે, "સરકાર કાયદા બનાવે છે અને સરકાર કાયદા તોડે છે. લોકોને શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સ્થાને ઉદ્યોગો માટે કામ કરે છે. સરકારને લોકોની માલિકીની જમીન વેચવાનો કોઇ અધિકાર નથી." તેમણે મીઠી વીરડીના અણુ ઉજાર્ પ્લાન્ટનો ઉલ્લેખ કરીને તેના જેવા પ્લાન્ટથી સ્થાનિકોને થતાં નુકસાન બાબતે પણ ઉલ્લેખ કર્યો હતો. સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઉભું થાય છે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી.

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે ચુનીભાઇ વૈદ્યની વાતનો પુનઃઉલ્લેખ કરતાં કહ્યું કે, "સરકાર સંસાધનોની ટ્રસ્ટી છે, માલિક નથી. કોઇ પણ સરકાર ખરાબ વહીવટ કરે તો એ વહીવટ આપણે લઇ લેવો જોઇએ. ગ્રામ સભાની મંજૂરી વગર સરકાર જમીન આપી ન શકે." લોકસુનાવણીમાં આવેલા લોકોને તેમણે કહ્યું કે ગ્રામ સભાઓમાં નિયમિત હાજરી આપવી જોઇએ અને કોઇ પણ લોભ લાલચમાં ફસાયા વિના સચ્ચાઇનો સાથ આપવો જેથીપોતાની જમીનો ગુમાવવાનો વારો ન આવે.આ લોકસુનાવણીમાં મુંદ્રા-કચ્છના અમીનાબહેન અને મહમ્મદભાઇ, મહુવા-ભાવનગર જિલ્લાના જસપરાનાં ગીતાબહેન શક્તિસિંહ ગોહિલ તથા રહેઠાણ અધિકાર મંચ ગુજરાતનાંજોહરાબહેન અને ડેનીભાઇએ પોતપોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆતો કરી હતી.

લોકસુનાવણી દરમિયાન રજૂઆતો સાંભળ્યા બાદ મુંદ્રા-કચ્છ, વેરાવળ-જૂનાગઢ, વડોદરા ઝાલા-જૂનાગઢ, મહુવા-ભાવનગર, માળિયા-મિયાણા-રાજકોટ, મીઠી વીરડી-ભાવનગર અને અમદાવાદના ગરીબ ઝુંપડાવાસીઓને ઔદ્યોગિક વિકાસથી સામાજિક-આર્થિક રીતે થતા નુકસાન અંગે પેનલના નિષ્ણાંતોએ ભલામણો કરી હતી. પેનલે કહ્યું કે કચ્છ પર્યાવરણની દ્દષ્ટીએ સંવેદનશીલ વિસ્તાર છે. જ્યાં અદાણી ગૃપને જમીનો આપી દેવાઇ છે ત્યાં નોટિફેકેશનનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રોજેક્ટ દરિયાઇ જીવ સૃષ્ટીને મોટાપાયે નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે. અહીં પર્યાવરણ વિભાગની મંજૂરી મળે એ પહેલા જ બાંધકામ શરૂ કરી દેવાયું છે, જે કાયદાની ઉપરવટ જઇને કરવામાં આવ્યું છે. પગડિયા માછીમારોની જૂની પરંપરાઓ અને માછીમારીના વ્યવસાયને મોટા પાયે નુકસાન થશે. આ 1000 કુટુંબોના વ્યવસાયને પણ અસર થશે. આ અવલકોનની સાથે ભલામણ કરવામાં આવી કે દરિયાઇ જીવસૃષ્ટી તેમજ માછીમારોના વ્યવસાય સચવાવવા જોઇએ. માછીમારોને વિવિધ સરકારી યોજનાઓના લાભ મળવા જોઇએ અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવવી જોઇએ. ગૌચર તેમ જ પડતર જમીનોને ગ્રામ સભાની મંજૂરી વિના કોઇ કંપની કે ખાનગી માળખાને આપવા નહીં.

વેરાવળ-જૂનાગઢ અંબુજા સિમેન્ટ બાબતે પેનલે કહ્યું કે અહીં પર્યાવરણના ઘણા નિયમોનું ઉલ્લંઘન થયું છે. સરકારે આપેલી પરવાનગીને કેન્સલ કરવાને બદલે વધારે માઇનિંગની મંજૂરી આપી દીધી છે. લોકો તરફથી ફરિયાદો મળી કે રોકડ વળતર મળ્યું, પરંતુ પુનઃ વસનના કોઇ પ્રયત્નો થયા નથી. કંપનીને પાંચ કરોડ દડ થયો છે તેની રકમ વિસ્થાપિતોને મળવી જોઇએ.
મહુવા-ભાવનગર અંગે પેનલે કહ્યું કે અહીં સરકારે પોતે જ બંધ બનાવ્યો છે. તેનાથી 15,0000 કુટુંબોને સીધો લાભ થયો છે અને એગ્રો પ્રોસેસિંગમાં પણ 40,000 ખેડૂતોને રોજગારી મળી છે. જ્યારે સરકાર હવે ઉદ્યોગોની તરફેણમાં કામગીરી કરી રહી છે. લોકોને પર્યાવરણીય લોકસુનાવણીમાં હાજર રહેવા દેવાતા નથી અને કંપનીને પર્યાવરણીય મંજૂરી હજી મળી નથી. 100 હૅક્ટરની જમીન જે ખેતી માટે ઉપયોગી છે તે કંપનીને આપવાને બદલે ખેતીના ઉપયોગ માટે જ આપી દેવી જોઇએ. કંપની સાથેનો આ કરાર રદ્દ થવો જોઇએ. પીવાનાં પાણીની સુવિધાઓ અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ લોકો માટે જરૂરી છે. તેથી આ જમીન કંપનીને આપવી નહીં. માળિયા મિયાણા-રાજકોટ અંગે પેનલે કહ્યું કે સરકારે ત્યાનાં લોકોને જમીન માલિકીના હક્કો અંગેના કાગળો કરવાના છે તે કાર્યવાહી જલદી કરવી જોઇએ.

વડોદરા-ઝાલા, વાસણા,વટવા તથા અન્ય ગામોના અવલોકનો કરતાં કહ્યું કે સેઝ તથા ઔદ્યોગિક પ્રવૃતિઓ માટે ગૌચર અને પડતર જમીનો ખાનગી કંપનીઓના નામે કરી દેવાઇ છે. આ જમીનો કંપનીઓના ઉપયોગના સ્થાને ત્યાંના સ્થાનિક ગ્રામવાસીઓના ઉપયોગ માટે આપી દેવી જોઇએ. સરકારે આ જમીનો બાબતે નિર્ણય લેવાની સત્તા ગ્રામ સભાઓને આપી દેવી જોઇએ. મીઠી વીરડીના અણુમથક પ્લાન્ટ બાબતે તેમણે જણાવ્યું કે, આ વિસ્તાર ખૂબ જ ફળદ્રુપ છે. જેની પર હજારો કુટુંબો નભે છે તેથી તેના પર અણુઉજાર્ પ્લાન્ટ સ્થાપી ન શકાય. આ આખીય લોકસુનાવણી બાદ પેનલના અવલોકનોનો સાર એ રહ્યો કે પડતર, ખરાબા કે ગૌચરની જમીન પર બધાનો હક છે. આ જમીનોને આખા ગામના હિત માટે ઉપયોગ કરી શકાય,જો તેનો ઉપયોગ અન્ય કોઇ હેતુ માટે થાય તો તેનો સંતોષકારક જવાબો અને દલીલો સરકારે રજુ કરવા જોઇએ.અને ગ્રામસભામાં મંજુરી મેળવવી જોઇએ.

1 ટીપ્પણી:

vishwadeep કહ્યું...

very good site. welcome to Gujarati blog world..