આગવો આદમી અનિલભાઇ

ઘણીવાર કોઇ વ્યક્તિની પ્રતિભા વિશે જાણવા મળે અને આપણને એને મળવાનું મન થઈ જાય. પણ, અફસોસ એ વાતનો હોય કે એ વ્યક્તિ હયાત ન હોય. સદેહે આપણી વચ્ચે ન હોય છતાં એ વ્યક્તિને મળી શકાય તેવું બની શકે? હા,શ્રી અનિલભાઇ શાહ માટે આ વાત સાચી છે.આપણે તેમને અક્ષરદેહે મળી શકીએ છીએ.અને તે પણ માત્ર એક પુસ્તક્નાં માધ્યમથી.

’પહેલ અને પુરૂષાર્થ’ - અનિલભાઈ શાહ અધ્યયન ગ્રંથ. શ્રી મનસુખભાઇ સલ્લા સંપાદિત આ પુસ્તકનું દરેક પાનું અનિલભાઇની બહુમુખી પ્રતિભા અને વ્યાપક વ્યક્તિત્વનો પરિચય આપણને કરાવે છે.અનિલભાઇ એટલે આમ તો ’ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’ના સ્થાપક. પણ, તેની સાથે કેટલું બધું બીજું હતા તે પુસ્તકમાં આપેલી તેમની જીવનરેખા દ્વારા જાણવા મળે છે. તેમનાં સ્વજનો, મિત્રો, સહકાર્યકરો વગેરે અનેક લોકોએ તેમની સાથેના પોતાના અનુભવો આલેખ્યા છે. કોઈ વ્યક્તિ જિંદગીને આટલી બધી ઉપયોગમાં લઈ શકે તે બાબત જ આશ્ચર્ય પમાડે છે. કેમ કે આપણે તો ’ટાઈમ નથી’ની ફેશનવાળા. અનિલભાઇ પાસે પણ ચોવીસ કલાક જ હતા.ફરક માત્ર તેના ઉપયોગથી પડે છે.
સાચા અર્થમાં ગામલોકોના બની રહેલા અનિલભાઈની રોજનીશીનાં પાનાં સમજાવે છે કે ખરેખર સામાજિક કાર્યકર કોને કહેવાય,ફીલ્ડમાં જવું એટલે શું, લોકભાગીદારી કેવી રીતે લેવાય. સરકારી અધિકારી તરીકે પણ અનિલભાઇ ખૂબ જ નિષ્ઠાવાન.પોતાના સિધ્ધાંતોમાં ચુસ્ત.એટલા જ શિસ્તબધ્ધ તાલીમકાર.પ્રેમાળ સ્વજન, સમજુ પિતા.... એક જ વ્યક્તિનાં એવાં કેટલાંય પાસાંઓ અને તે તમામ વચ્ચે પાછી અદભૂત સમતુલા !
કામ કરતેકરતે શીખવી શકાય અને તે પણ સહજ રીતે, ભાર વિના. આ બાબત અહીં દરેક સ્મરણમાં જોવા મળે છે. આ પુસ્તક્ને શરૂ કરતાં પહેલાં તેની અનુક્રમણિકા જ અનિલભાઈ વિશે ઘણું કહી જાય છે. કેટલાક લેખનાં શીર્ષક જોઇએ તો : સ્વજન સદાય, પપ્પા મારા મિત્ર, અનન્ય મિત્ર, અજોડ સાથી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, ગ્રામવિકાસના અનન્ય ઉપાસક,પાયાના કામના પાયાના પથ્થર, વણજંપ પ્રયોગવીર, લોકહિતના મોભી,સાહેબ અમારા ભાઇ,સિત્તેર વર્ષના યુવાન વ્યવસાયી, વહીવટમાં કરૂણામય હ્રદયના માનવી,વંચિતોના વિકાસના આજીવન ભેખધારી, જાતે જ એક સંસ્થા,’મારે જ ગરજ છે’નો મંત્ર આપનાર,મૂલ્યોના માણસ.... કેવો વૈવિધ્યસભર છે આ એક આગવો આદમી !
અનિલભાઈએ જીવનમાં કેટલીય ભૂમિકા સુપેરે નિભાવી છે,જે પરસ્પરથી સાવ અલગ જ હતી. તે દરેક ભૂમિકા નિભાવતાં થયેલા અનુભવોને બીજી ભૂમિકામાં સારી રીતે વણી લીધા છે તે તેમની ખાસિયત અને હંમેશાં શીખતા રહેવાની ઉત્સુકતા બતાવે છે.
આ પુસ્તક સામાજિક કાર્યકરોએ તો વાંચવું જ રહ્યું પણ જે પોતાની જિંદગીને ચાહે છે,કદર કરે છે તેવી દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ.

પ્રકાશક :
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર,
મારુતિનંદન વિલા,વિભાગ - ૧,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ, અમદાવાદ.
૩૮૦ ૦૫૮
કિંમત : ૩૦૦.૦૦ રૂ.