અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....

જે મનુષ્યની માલિકીની બધી વસ્તુઓ આંચકી લેવાઈ ગઈ હોય; જેનાં માતા-પિતા-પત્ની-ભાઈની ગેસ-ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય;જે ભૂખ અને ઠંડીમાં મજૂરી અને ક્રૂરતાભર્યા અત્યાચારો સહન કરતો હોય;દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગે ખરું?

આટલી વાત વાંચીને જ મોટાભાગના લોકો જવાબમાં ના જ પાડે.પણ આ વાત નોખી માટીના માનવીની છે. તેણે હા પાડી ! એટલું જ નહિ, જિંદગી સાચા અર્થમાં જીવી પણ બતાવી. ઉપરાંત, અન્ય લોકોને પણ જીવવા માટે બળ પૂરું પાડ્યું તે તો અલગ. અન્ય લોકો પોતાની જિંદગી માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પોતાના ભયંકર અનુભવોને તથા તેમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પુસ્તકરૂપે પ્રકાશિત પણ કરી.

શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ ક્યાંની છે તે પ્રશ્ન સહેજે થાય. જેનું નામ સાંભળતાં જ રૂવાડાં ખડાં થઈ જાય એવી જગ્યાની આ વાત છે - કોન્સ્ટ્રેશન કેમ્પ! આ શબ્દ સાંભળતાં જ હિટલર અને તેના અત્યાચારો યાદ આવી જાય. અમાનુષી અત્યાચારોમાંથી પસાર થવા છતાં માનવતાવાદી અને હકારાત્મક વલણ જાળવી રાખનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડો.વિક્ટર ફ્રેન્કલ. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવોને તેમણે ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’નામનાં પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડ્યા.જેને ’જવાબ માગે છે જિંદગી’ના નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર છે શ્રી સંજીવ શાહ.

કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો તથા ફોટાઓ ધરાવતાં આ પુસ્તકને એકીબેઠકે પૂરું કરી શકાય તે શકય નથી.કેમકે ભીની થતી આંખો આપણને સળંગ વાંચતાં અટકાવે છે. યુરોપના નામાંકિત મનોચિકિત્સક ડો. ફ્રેન્કલે પોતાની જિંદગીના એકદમ ભયાનક સમયને કઈ રીતે પસાર કર્યો અને સાથેના કેદીઓને સધિયારો આપ્યો,કેમ્પમાં લોકો ઉપર થતા અત્યાચારો - આ બધું વર્ણન વાંચનારની આંખો જ નહિ,હ્રદય પણ ભીજવી નાખે છે.

સદનસીબે તેઓ આ કેમ્પમાંથી જીવતા બહાર આવી શક્યા. અને ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’ નામનાં પુસ્તકમાં તેમણે ’લોગોથેરાપી’ નામની નવી ચિકિત્સાપદ્ધતિની રજૂઆત કરી.આ પુસ્તક્ને તેમણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે:
૧. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો
૨. લોગોથેરાપીનો ટૂંકો પરિચય.
૩.કરુણતામાં પણ આશાવાદનું મહત્વ.

’જવાબ માગે છે જિંદગી’માં મુખ્યત્વે પહેલા ભાગનો જ આધાર લેવામાં આવ્યો છે. જીવન વિશેના અભિગમોને ખૂબ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.માનવતા,જીવન પ્રત્યે આશાવાદી અભિગમ, મુશ્કેલીઓમાંથી ઉપાયના વિકલ્પો શોધવા,ગુનેગારને ક્ષમા આપવાનું ઉદારતાવાદી વલણ- જીવનના દરેક પગલે જરૂર પડે તેવા વિચાર અને વર્તનની વાત અહીં કરી છે.સહુથી આગવો વિચાર આ પુસ્તક આપે છે કે જીવન કેવી રીતે જીવવું તેની પસંદગી ખુદ વ્યક્તિના હાથમાં જ છે.પ્રેમ, ધિક્કાર, એકલતા, સભરતા, હકારાત્મકતા, નકારાત્મકતા, આશા, નિરાશા - આ બધી પરિસ્થિતિઓ આપણી સામે છે. તેમાંથી શું પસંદ કરવું તે નિર્ણય આપણો છે. તે નિર્ણય મુજબ જ આપણું જીવન ઘડાય છે.

અત્યારે ધર્મ,કોમ,વિસ્તાર એમ જાતજાતના વાડામાં માનવ પોતે માનવ છે તે સાવ ભૂલી ગયો છે.તેની સામે વાસ્તવિકતા મૂકતી એક રચના વિચારતા કરી મૂકે તેવી છે:

જ્યારે નાઝીઓ સામ્યવાદીઓને પકડી ગયા,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું સામ્યવાદી નહોતો.

જ્યારે નાઝીઓએ ડેમોક્રેટ્સને કેદ કર્યા
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું ડેમોક્રેટ નહોતો.

જ્યારે નાઝીઓએ વ્યાપારી સંઘોના સભ્યોની ધરપકડ કરી,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું આ સંઘોનો સભ્ય નહોતો.

જ્યારે નાઝીઓએ યહૂદીઓને કેદ કર્યા
ત્યારે પણ હું ચૂપ રહ્યો-કારણ કે હું યહૂદી નહોતો.

પછી જ્યારે નાઝીઓ મને પકડવા આવ્યા,
ત્યારે હું કશું કરી ના શક્યો -
કારણ કે મારો બચાવ કરનારું કોઇ બચ્યું નહોતું.

આ રચનાને ભારતના સંદર્ભમાં ધર્મો,જાતિઓ,જાતિઓના પેટાપ્રકારો વગેરેનાં નામ ગોઠવીને વાંચીએ ત્યારે એ ભયાનક વાસ્તવિકતા છતી થાય છે કે આપણને બચાવનારું પણ કોઇ બચ્યું નહી હોય. કેમ કે આપણે પણ ચૂપ રહેનારાઓમાંના જ છીએ.

’જવાબ માગે છે જિંદગી’
-સંજીવ શાહ.
પ્રકાશક : ઓએસિસ સેલ્ફ લીડરશીપ એજ્યુકેશન ફોર કોમ્યુનીટી ડેવલપમેન્ટ,
વડોદરા.
કિમત : રૂ. ૧૬૪/-