આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો

ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધારે આદિવાસીઓએ તેમાં ભાગ લઈને
પોતાના કળા-કૌશલ્યની અભિવ્યક્તિ કરી

આદિવાસી સંસ્કૃતિ કલા-કૌશલ્ય-ઓળખને જીવંત રાખવા અને આદિવાસીઓના અધિકારો બાબતે જાગૃતિ લાવવાના હેતુથી તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મેળો યોજાઈ ગયો. તા. 16-17 જાન્યુઆરી, 2010 દરમ્યાન યોજાઈ ગયેલા આ મેળામાં ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધુ આદિવાસીઓએ ભાગ લીધો.

પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી ભાઈઓ-બહેનો અને બાળકોએ મેળામાં ગૌરવભરી આદિવાસી સંસ્કૃતિની ઓળખ ઊભી કરી. મેળા દરમ્યાન તીરકામઠાં, ગીલોલ, પાવરી, વાંસળી, ઢોલ, ડોવડું, નાચણું તેમ જ પહેરવેશ જેવી હરિફાઈઓ યોજાઈ.

આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘો તેમ જ શક્તિ ટ્રસ્ટ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર-સોનગઢ દ્વારા યોજનારા આ મેળામાં આદિવાસી સમાજના જુદા જુદા પ્રશ્નોને વાચા આપવા એક નાટક પણ ભજવાયું. વૈવિધ્યસભર નાચ, જુદાજુદા પ્રકારના ઢોલ-વાદન તેમ જ લોકગીતોથી મેળામાં ઉત્સવનો માહોલ સજાર્યો.
મેળા દરમ્યાન શેરડી કામદારોના પ્રશ્નો અંગે શક્તિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એક નાટકની રજૂઆત થઈ હતી. ઉપરાંત, કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોને આદિવાસી વિસ્તારના મહત્ત્વના વિકાસલક્ષી મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારના આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે તાપી જિલ્લાના કલેક્ટરશ્રી સી. એમ. બલાત ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, સ્થાનિક સરકારી તંત્રના અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રજાપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.