સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે

શહેરમાં ગોઠવેલી વિવિધ સ્ટ્રીટલાઈટનું બિલ ઘટાડવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સક્રિયદા દાખવી છે અને લગભગ 60 ટકા જેટલું બિલ ઘટાડવા માટે તેઓ પ્રયાસ કરશે. એએમસીના વીજળીના કુલ બિલમાં 40 ટકા રકમ તો સ્ટ્રીટલાઈટની હોય છે. જો આ બિલમાં ઘટાડો કરાય તો લોકોના કરરૂપે ભરાયેલાં નાણાંનો યોગ્ય ઉપયોગ થશે.

એક અંદાજ મુજબ એએમસીની હદમાં આવેલી તમામ સ્ટ્રીટલાઈટનું એકલાનું જ બિલ દર મહિને રૂ. એક કરોડ આવે છે. જો એએમસીની યોજના સારી રીતે પાર પડે તો તેઓ રૂ. 40 લાખ બચાવી શકશે. લાઇટિંગ ડિઝાઈનનો વેપાર કરતી કંપની ફેડકો ઇન્ડિયાના મુફદલ દારૂખાનાવાલાએ કહ્યું હતું કે અમે એએમસીના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી રહ્યા છીએ. અમે શહેરમાં પાઇલોટ પ્રોજેક્ટના એક ભાગરૂપે શહેરમાં લાઈટો ફિટ કરીશું. હાલની લાઈટ સિસ્ટમના પ્રમાણમાં અમારી લાઈટ સિસ્ટમ વધુ કરકસરયુક્ત અને વધુ રોશની ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે શહેરના માર્ગો પર સોડિયમ લાઈટ જ નાખવામાં આવે છે. 40 વોટના બલ્બમાંથી 150 વોટના બલ્બ જેટલો પ્રકાશ આવે છે.
એએમસીના અધિક કમિશનર એ. સી. શાહે કહ્યું હતું કે હાલની જાહેર વીજપદ્ધતિને બદલે અમે જે નવી લાઈટો નાખીશું તે વધુ કરકસરયુક્ત અને વધારે પ્રજ્જવલિત હશે. અમે સૌરઊર્જાનો ઉપયોગ કરીને એએમસીના વીજબિલને ઘટાડીશું. વિશ્વના તમામ નિષ્ણાતો પણ માને છે કે વીજળીનું ભવિષ્ય સૌરઊર્જામાં જ છે. હવે 'લેડ' લાઈટથી લોકોએ કામ ચલાવવું પડશે.
દારૂખાનાવાલાએ કહ્યું હતું કે હવે તો મોટા મોટા બિલ્ડરો અને રિયલ્ટી એસ્ટેટ પણ આ જ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 'આ સિસ્ટમ અને ટ્ક્નોલોજી અમારા આગમી પ્રોજેક્ટમાં ખૂબ જ કામ લાગશે.' એમ જાણીતા બિલ્ડર જક્ષય શાહે કહ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ યતીન પંડ્યાએ કહ્યું કે ઘરો, ઓફિસો અને જાહેર માર્ગો પર વપરાતી વીજળીને ઘઠાડવાના બે ઉપાય છે. એક તો યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને બીજું કે આપણી ટેક્નોલૉજીમાં સુધારો કરાય. જો આપણે સુધારો કરી શકીશું તો વીજબચત કરાશે. (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)