આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ

રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં 100થી વધુ લોકોએ ભાગ લીધો
આદિવાસી વિસ્તારમાં પણ આવી યાત્રા યોજવી જોઈએ: તિવારી

આવાસ નિર્માણની સ્થિતિને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવાના હેતુથી પશ્ચિમ ભારતના પસંદ કરાયેલા ક્ષેત્રોમાં તાજેતરમાં એક લોક આવાસ યાત્રા યોજાઈ ગઈ. રાજસ્થાન તેમ જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં આવાસ નિર્માણ ક્ષેત્રે વપરાતી બાંધકામ સામગ્રી કેટલે અંશે ઓછું કાર્બન ઉત્પન્ન કરે છે તે સમજવા, આવાસ તેમ જ વસવાટ અંગે શુદ્ધ પાણી અને સ્વચ્છતા જાળવણીના અસરકારક ઉપાયો શોધવા, ભૂકંપ કે વાવાઝોડા જેવી આપદાઓ સામે ટકે તેવી બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને, ઈન્દિરા આવાસ, સરદાર આવાસ, જેવી સામાજિક આવાસ યોજનાઓમાં થઈ રહેલી નમૂનારૂપ કામગીરી, મકાન બાંધકામમાં સ્થાનિક કારીગરોની ભૂમિકા અને તેમનું ક્ષમતાવર્ધન તેમ જ આવાસ નિર્માણ પ્રક્રિયા દરમ્યાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું થતું નિર્માણ સમજવાનો પણ આ યાત્રાનો હેતુ હતો.

બેઝીન સાઉથ એશિયા નેટવર્ક, ઉન્નતિ અને સેવા સંસ્થાના સંયુક્ત પ્રયાસથી તા.17 થી 21 જાન્યુઆરી, 2010 દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાઈ ગયેલી યાત્રામાં સરપંચો, પંચાયત પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને બચતજૂથનું નેતૃત્વ કરનારી મહિલાઓ વગેરે મળીને 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
લોક આવાસ યાત્રાના અનુભવોની આપ-લે માટે તમામ યાત્રીઓ જાન્યુઆરી 21, 2010ના રોજ અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. અહીં ખાસ વિશેષજ્ઞ વ્યક્તિઓએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. સેપ્ટના ડાયરેક્ટર શ્રી આર. એન. વકીલ સાહેબે આ પ્રયત્નની પ્રશંસા કરી હતી અને સેપ્ટને આ પ્રક્રિયામાં જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આદિવાસી વિભાગના સેક્રેટરી શ્રી એ. એમ. તિવારી (આઈએએસ)એ હાજર રહીને આદિવાસી વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા દસ મુદ્દાના કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમણે આદિવાસી પ્રજાના વિકાસ માટે આવાસની ભૂમિકા તથા આવાસની સહાય પૂરી પાડવા માટે સરકારે ઘડેલા નીતિનિયમો તથા મોનિટરિંગ પદ્ધતિની વિગતવાર સમજ આપી હતી. તેમણે આવી યાત્રા આદિવાસી વિસ્તારમાં કરવા અંગે પણ સૂચન કર્યું હતું. એનસીપીડીપી સંસ્થાના વડા અને ટેક્નોક્રેટ શ્રી રાજેન્દ્ર દેસાઈ તથા શ્રી સુરેખાબહેને બાંધકામ ક્ષેત્રે 'ઊજાર્ બચાવનો કન્સેપ્ટ' કઈ રીતે લાગુ પાડી શકાય અને તે કેટલો સુસંગત છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.
સેવા પ્રેરિત 'સેવા નિર્માણ'ના શ્રી નીતાબહેન પટેલે, સેવાની સહાયથી ભૂકંપ પછી પુનર્વસન માટે આવાસ નિર્માણ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના જે પ્રયત્નો કરવામાં આવેલા તે અંગે અમલીકરણ દરમ્યાન ઊભા થયેલા પ્રશ્નો અને તેનાં નિરાકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી અનઘા મહાજનીએ કારીગરોની બાંધકામ પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા માટે થયેલા સંસ્થાકીય પ્રયત્નો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉન્નતિ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બિનોય આચાર્યએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી અને આગળની દિશા કેવી હોઈ શકે તે અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. યાત્રા દરમ્યાન લોકોની મુલાકાતની એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ યાત્રાના અનુભવો અને જાણકારીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી 'ગ્રામીણ આવાસ નીતિ'માં ફેરફારો સૂચવવા માટે ખૂબ ઉપયોગી થશે. પરંપરાગત બાંધકામ પદ્ધતિઓમાં થોડોક સુધારો કરી તેનો વ્યાપ વધારવાની જરૂર છે એમ યાત્રામાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું મંતવ્ય હતું.