દેશ 'સેવા' એટલે આ...

દેશ માટે જીવ આપી દેનારા શહીદોના બલિદાનનું ઋણ ચૂકવવાનું આખા દેશે કરવા જેવું કામ સુરતના આ દેશસેવકો કરી રહ્યા છે
- અજય કાનાણી
સરહદે લડદો-લડતો કોઈ વીર સુપુત્ર દુશ્મનની ગોળી કે બૉમ્બના હુમલાથી શહીદ થાય છે ત્યારે દેશને મોટી ખોટ જાય છે. એથીય મોટી ખોટ એના પરિવારને જાય છે. દેશ માટે તો એકની સામે એક હજાર લડનારા તૈયાર હોય છે, પણ જે પરિવારનો સપુત શહીદ થયો છે એ પરિવારને 'સંભાળનારો' બીજો કોઈ સપુત એ પરિવારમાં નથી હોતો.

અત્યાર સુધી મોટેભાગે એવું જ જોવા મળ્યું છે કે, દેશ માટે શહીદ થનારા સૈનિકો એના પરિવારના એક માત્ર સંતાન હોય છે. એટલું જ નહીં, એ સૈનિકનો પરિવાર અતિ ગરીબ પણ હોય છે. ત્યારે એ પરિવારનું કોણ? એનો જવાબ 'સરકાર' જ હોય છે. તેમ છતાં, શહીદોના પરિવારોને સરકારી સહાય માટે દર-બદર ભટકવું પડે છે એય ક્યાં અજાણ્યું છે? વર્ષો વીતી જાય છે, બધા ભૂલી જાય છે અને માત્ર દેશભક્તિનાં ગાણાં કે સ્મૃતિચિહ્નોથી પેટ નથી ભરાતું એ પણ એટલું જ જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં 'જય જવાન નાગરિક સમિતિ' નામની એક સંસ્થા છેલ્લા એક દસકાથી શહીદોના નોંધારા પરિવારજનોને સંભાળવાની નક્કર દેશ સેવા કરી રહી છે.

સુરતમાં વધુ સક્રિય અને સેવાભાવી 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સંચાલિત આ સમિતિ દર વર્ષે ગુજરાતના વતની અને દેશમાં ગમે ત્યાં ફરજ દરમ્યાન શહીદ થનારા સૈનિકો તેમ જ ગુજરાતની ભૂમિમાં રક્ષા કાજે લોહી રેડી દેનારા કોઈ પણ રાજ્યના જવાનના પરિવારને નક્કર નાણાકીય સહાયથી સન્માને છે. સરેરાશ દરેક પરિવારને દોઢથી બે લાખની રોકડ સહાય આપવામાં આવે છે.

સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'સમિતિ દ્વારા અત્યાર સુધીમાં 124 શહીદ સૈનિકોના પરિવારોને રૂપિયા 1 કરોડ, 83 લાખ, 80 હજાર અને ત્રણસો રૂપિયાની રોકડ સહાય અર્પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં શહીદ થનારા દરેક જવાનની અમે જાતે શોધખોળ કરીએ છીએ. શક્ય હોય તો તેને સમિતિના ખર્ચે સુરત બોલાવીએ છીએ અથવા તો અમે સૌ ટ્રસ્ટીઓ રૂબરૂ જઈને ત્યાં સહાય આપીએ છીએ.' આ કાર્ય તો આખા દેશ માટે ગર્વરૂપ છે. ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ તથા દેવચંદબાઈ કાકડિયા જણાવે છે કે, 'કમનસીબે, આ કાર્યની રાષ્ટ્રીય સ્તરે જેટલી લેવાવી જોઈએ તેટલી નોંધ નથી લેવાઈ.' અત્યાર સુધીમાં શહીદોના પરિવારોને આપવા માટે કોઈ દાતા પાસેથી દાન પણ લેવામાં નથી આવ્યું.

સરકારથી પણ કદાચ વધુ કામ આ 'જય જવાન નાગરિક સમિતિ' કરી રહી છે. પરંતુ આ કાર્ય કરવામાં સરકારની કોઈ સહાય મળે છે ખરી? જવાબમાં કાનજીભાઈ ભાલાળા કહે છે કે, 'હજુ સુધી એવી કોઈ પરોક્ષ સહાય પણ મળી નથી.' નવાઈની વાત તો એ છે કે, સરકાર તરફથી આ સમિતિને કોઈ પ્રોત્સાહનનો બે લીટી લખેલો પત્ર પણ નથી મળ્યો. એટલું જ નહીં, જે-જે સૈનિકો શહીદ થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ સમિતિના સભ્યો જહેમત ઉઠાવીને શોધી લાવે છે. ત્યારે સવાલ એ થાય છે કે, રાજ્ય અને જિલ્લાના 'સૈનિક કલ્યાણ બૉર્ડ' કરે છે શું? નાગરિક સમિતિ, આ બૉર્ડના અધિકારીઓને દસ વર્ષથી આમંત્રણ પણ આપે છે, એ લોકો દર્શકો થઈને આવે છે અને ચાલ્યા જાય છે. આ સમિતિના દરેક કાર્યક્રમોમાં નિયમિત હાજર રહેતા સુરતના રત્નકલાકાર મનસુખભાઈ હિરપરા સરકારને મેણું મારતાં કહે છે કે, 'રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડ'નું પાટિયું ખરેખર તો નાગરિક સમિતિના દરવાજે લાગી જવું જોઈએ.

કારગીલ યુદ્ધમાં ગુજરાતના જે બાર સૈનિકો શહાદત વહોર્યા હતા, તેને આ સમિતિએ વિશિષ્ટ રીતે બિરદાવ્યા હતા. એ તમામ 12 પરિવારોના ઘરે સમિતિના સભ્યોએ રૂબરૂ જઈને તમામને ચાર-ચાર લાખની સહાય અર્પણ કરી હતી. આવી જ બીજી ઘટનામાં કચ્છના ભૂકંપમાં ભુજ ખાતેના ઍરફોર્સ ભવન ધરાશયી થતાં કુલ 32 જવાનો ચગદાઈ ગયા હતા. આ 32 જવાનો દેશનાં 22 રાજ્યોના હતા. સમિતિએ એ તમામને પોતાના ખર્ચે સુરત તેડાવી એ તમામને દોઢ-દોઢ લાખની સહાય આપીને દુઃખમુક્ત કર્યા હતા. અક્ષરધામ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વાત હોય કે અન્ય કોઈ, અનેક ઘટનાઓમાં દેશ કાજે શહીદ થનારા જવાનોના પરિવારોને આ સમિતિ બિરદાવે છે, કદર કરે છે.

પરંતુ નોંધારા પરિવારને અઢળક પૈસા આપી દેવા ખાતર આપી પણ નથી દેવાતા. સમિતિની સેવા કરવાની 'સ્ટાઈલ' પણ હટકે છે. કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'મોટેભાગે શહીદ થનારા સૈનિકો યુવાન હોય છે. મોટેભાગે તેમના લગ્ન અને શહાદત વચ્ચે લાંબો ગાળો પણ નથી હોતો. આથી શક્ય છે કે, શહીદની પત્ની પુનઃલગ્ન કરી લે.' કાનજીભાઈ આગળ કહે છે કે, '.. અને આમેય બીજા લગ્ન કરી લે કે પિયર ચાલી જાય તો શહીદના ગરીબ મા-બાપનો આધાર શું? કાનજીભાઈ ઉત્સાહ સાથે કહે છે કે, 'આથી જ અમે સૈનિક દીઠ બે લાખની સહાયમાં એક લાખનો ચેક શહીદની વિધવાને આપીએ છીએ અને એક લાખ રૂપિયા સૈનિકના મા-બાપને આપીએ છીએ. સમિતિ, શહીદના પરિવારને સ્ટેજ ઉપર દસ મિનિટ સુધી સાથે રાખીને એમનો સંપૂર્ણ પરિચય, સૈનિકના બલિદાન અને વર્તમાન સ્થિતિની વિગતો લોકોને જણાવે છે. એટલું જ નહીં, પરિવારને શાલ, પુસ્તક અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવે છે. સુરત અને સૌરાષ્ટ્રમાં લગભગ મોટા સમારોહોનું સ્ટેજ સંચાલન કરતા કાનજીભાઈ ભાલાળા પોતાની વિશિષ્ટ શૈલીથી જે રજૂઆત કરે છે તેનાથી હાજર કોઈની પણ આંખ આંસું વગરની રહેતી નથી. એટલું જ નહીં, આ કાર્યક્રમનો માહોલ પણ સંપૂર્ણપણે દેશભક્તિમય હોય છે. શહીદોની તસવીરો સામે શહીદો જેટલા દીવડા પેટાવેલા હોય છે. આવનારા દરેક તેને સલામ-નમન કરતા જાય છે. આવનારા અને આયોજકો તમામ માટે સફેદ રંગનો ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવે છે. તમામ પરિવારોને રોકાણ-જમવાની પણ સુંદર વ્યવસ્થા હોય છે.

પોતાને કાર્યકરો તરીકે ખપાવતા આ બધા જ આયોજકો સુરત શહેરના મોટા-મોટા ઉદ્યોગપતિઓ છે. તેઓ સમય અને નાણું આપીને આખા દેશે કરવા જેવું કામ એકલે હાથે કરી રહ્યા છે એ વંદનીય છે. આ ફંડ માટે પોતાના આખા દિવસની કમાણી આપી દેનારા સામાન્ય રત્નકલાકારોને પણ સૈનિકો જેવી જ સલામ મારવી રહી...!!!