ભણતર પાંચ ચોપડીનું અને ગણતર પાંચ હજાર પુસ્તકોનું ચોરણી ઝભ્ભાના પોશાકમાં જીવતી-જાગતી લાઈબ્રેરી જેવા ઉકાભાઈ વઘાસિયા

આ વાચનવીરને વાંચતા કરનાર 'હીટલર'
- અજય કાનાણી
બેએક વર્ષ પહેલાંની આ વાત છે. મહુવામાં યોજાયેલા અસ્મિતા પર્વનો પહેલો અધ્યાય પૂર્ણ થઈ ચૂક્યો હતો. સાહિત્યકારો એકબીજાને મળી રહ્યા હતા. ભાવકો પોતાના પ્રિય સાહિત્યકારોને મળવા, એમના ઑટોગ્રાફ, ફોટોગ્રાફ લેવા પડાપડી કરી રહ્યા હતા. સભા મંડપમાં મેદનીનો પાર નથી. એવામાં કવિઓ, લેખકોનું ધ્યાન 70 વર્ષના વડીલ જેવા દેખાતા એક વૃદ્ધ પર પડે છે. એમને તરત જ આવકારતા કહે છે, 'ઓહોહોહો... આવો ઉકાબાવા, આવો આવો, બોલો શું ચાલે છે? હમણાં કેમ દેખાતાં નથી? ત્યાં ઉપસ્થિત ભાવકો આ ઘટના જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. જેના હસ્તાક્ષરો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા એ સાહિત્યકારો સામેથી આ બાપાને બોલાવી રહ્યા છે?

થોડીક ખણખોદ કરતાં માલૂમ પડ્યું કે, આ 'બાપા' તો વાચનપ્રેમી માણસ છે. એ ખૂબ જ વાંચે છે. તો પણ વાંચ્યા કરવાથી કંઈ સાહિત્યની સેલિબ્રિટીઓ સાથે ઘરોબો થોડો બંધાય? ના, આ વડીલ માત્ર વાંચતા નથી. વાંચેલું જીવનમાં પણ ઉતારે છે. પોતે કલમ નથી ચલાવતાં એટલો જ ફરક છે. બાકી આ માણસ 'સાહિત્ય પરિષદો'માં સ્ટેજમાં સ્થાન ભોગવે એમ છે.

આવું બધું જાણીને મેં પણ ઉકાબાપાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આથી હું અને મારો સામાન ઉકાબાપાને મળવા નીકળી પડ્યા. જૂનાગઢ જિલ્લાના છેવાડાના માંડ-માંડ જડે એવા આંબાવડ ગામમાં તેમના ઘરે ગયો. બાપા નજરે ન ચડ્યા તેથી પૂછ્યું, ક્યાં ગ્યા ઉકાબાપા? ઘરમાંથી જવાબ મળ્યો કે, 'ઉને(ઉના) હટાણું કરવા ગયા છે, તમે બેસો...' ચાલો, બાપા મળી જશે એવા હરખમાં ઉકાબાપાનું ઘર નિરખવા લાગ્યો. ચારેબાજુ પુસ્તકો. ઉકાબાપા પોતે મોટા ખેડૂત છે. તો પણ એમનાં ઘરમાં ખેતીનો સામાન ઓછો અને પુસ્તકો વધુ દેખાય છે. બારી, ખાનાં બધે જ પુસ્તકો છે, પથારી ઉપર પુસ્તકો, ઓશિકા ઉપર અને ઓશિકા નીચે પુસ્તકો. થોડીવારમાં ઉકાભાઈ આવ્યા. તેમના હાથમાં એક ભરેલી થેલી દેખાઈ. ત્યારે અમે સવાલ કર્યો કે, તમે તો હટાણું કરવા ગયા હતા, તેનો સામાન કેમ દેખાતો નથી? પડછંદ અને ઊંચા શરીરવાળા માત્ર પાંચ જ ચોપડી ભણેલા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયાએ થેલી ખોલીને બતાવ્યું કે, આ રહ્યું હટાણું? ખરેખર મને વિશ્વાસ ન બેઠો. એ થેલીમાં પુસ્તકો હતાં!

હા, 72 વર્ષીય ઉકાભાઈ પુસ્તકોનું હટાણું કરવા જાય છે, નિયમિત. એ તો કંઈ નથી. ઉકાભાઈએ 15 બાય 18 ફૂટનો એક ઓરડો ખાસ આ પુસ્તકો માટે ફાળવ્યો છે. એમાં આખી એક મીની લાઈબ્રેરી વિકસાવી છે. પાંચસો-હજાર નહીં પણ પૂરાં આઠ હજાર પુસ્તકો સમાવ્યાં છે. એટલું જ નહીં, આમાંનાં નેવું ટકા પુસ્તકો ઉકાભાઈએ વાંચી નાખ્યાં છે, તેમ જ બે હજાર પુસ્તકો ઉપર તો ઉકાભાઈની બેથી ત્રણ વખત નજર ફરી હશે. પોતે સતત વાંચતા રહે છે. એમ તો એમને મોટી ખેતી પણ છે. પરંતુ વાચનની વાવણી એટલી ગમે છે કે પાણી વાળતાં-વાળતાં પણ વાંચતા હોય છે. એક કેરામાં પાણી પહોંચી વળે ત્યાં સુધી દસેક પાનાં વાંચી નાખે. દિવસમાં વ્યસ્ત કામમાં પણ તેઓ બે-ત્રણ કલાક વાચનને ફાળવી લે છે. અરે, દરરોજ રાતે તેઓ દોઢ-બે વાગ્યા સુધી વાંચતા રહે છે. એમના પાડોશમાં રહેતા મંજુલાબહેન સાવલિયા કહે છે કે, 'કદાચ અમારો દરવાજો ખુલ્લો રહી જાય તો પણ અમારે રાતે કોઈ ચિંતા નથી રહેતી. ઉકાબાપાના ઘરમાં લાઈટ ચાલુ જ હોય છે...'

આમેય, જે દિવસે ઉકાભાઈ વાંચી ન શકે એ દિવસે એમને ઊંઘ આવતી નથી. પુસ્તકો ઉપરાંત, તેઓ અનેક સામયિકો, મુખપત્રો પણ મંગાવે છે. આંબાવડ ગામમાં છાપાં આવી નથી શકતા એટલે તેઓ અખબાર વાંચી શકતા નથી. બાકી, ગુજરાતનું કોઈ એવું સામયિક નહીં હોય કે જેને આ બાપાએ વાંચ્યું ન હોય! પુનરુત્થાન, પરબ, શબ્દ સૃષ્ટિ અને અખંડ આનંદ જેવાં ઉમદા સામયિકો તો ઉકાભાઈના ઘરે વીસ-ત્રીસ વરસથી આવી રહ્યાં છે. એટલું જ નહીં, તમામ જ્ઞાતિનાં મુખપત્રો પણ તેઓ મંગાવે છે.

પણ આટલું બધું જ વાંચી શકો છો? ઉકાભાઈ કહે છે કે, બધું તો વાંચી ન શકું, પણ નજર ફરી ન હોય એવું એકેય પાનું ન હોય. આ ઉપરાંત, લાઈબ્રેરીઓમાં પણ દુર્લભ હોય એવા ગ્રંથો અને પુસ્તકો આ ખેડૂતની લાઈબ્રેરીમાં મોજૂદ છે. વળી, વાંચવાનું એટલે વાર્તાઓ જ વાંચવી એવું નથી. ઉકાભાઈ હરેક ક્ષેત્રનું વાચન કરે છે. એમને અધ્યાત્મનીય ખબર હોય તો વિજ્ઞાનની વાતો પણ એટલા જ રસથી કરી શકે. એટલું જ નહીં, માત્ર તેમનો પહેરવેશ જ ગામડાંના ભાભા જેવો છે, પણ તેમને હોમીભાભા વિશેય પ્રચુર જ્ઞાન છે. એક વખત તો તેઓએ ગુજરાતના એક ઇતિહાસકારના પુસ્તકમાંથી ભૂલ શોધી કાઢી અને એ લેખકને પણ કાન પકડવો પડ્યો હતો. તેમનાં સાત હજાર પુસ્તકોનાં વાચનની અસર પણ હવે તેમની આભામાં દેખાઈ આવે છે. ભલે ગામડિયા લાગે પણ શિસ્ત, સંસ્કાર, વિવેક અને ભાષાશુદ્ધિવાળી બોલી બોલતા હોય ત્યારે લાગે કે આ કોઈ મોટા ગજાના સારસ્વત છે! અને તેઓ છે પણ ખરાં, ગુજરાતના પ્રબુદ્ધ લેખકો, સાહિત્યકારો અને કવિઓ સાથે તેમને ઘનિષ્ઠ સંપર્કો છે. કેટલાક સાથે પત્રના તો કેટલાક સાથે કંકોતરીના પણ સંબંધો છે. વળી, એ મહાનુભાવો ઉકાબાપાના મહેમાન પણ બનતા રહે છે.

ઉકાભાઈ કહે છે કે, 'વાચનથી મારી સંકૂચિત દૃષ્ટિ છૂટી છે. હું કંઠીમુક્ત થયો છું અને સમાનદૃષ્ટિ આવી છે.' વધુમાં ઉકાભાઈ કહે છે કે, 'હું ધાર્મિક કથા કદીય સાંભળતો નથી, પરંતુ સાહિત્યનો કાર્યક્રમ હોય તો હું પાંચસો કિલોમીટર દૂર પણ જાઉં છું.'

ઉકાબાપા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના આજીવન સભ્ય છે અને એવી જ બીજી કેટલીય સભાઓમાં તેઓ એક અચ્છા વિવેચક તરીકે કળાઈ આવે છે. તમે વાંચવાનું શરૂ ક્યારથી કર્યું? ઉકાભાઈનો જવાબ છે કે, 'હું સમજણો થયો ત્યારથી વાંચુ છું, કે હું વાંચીને સમજણો થયો એ મને યાદ નથી..' પણ વાચનનો આટલો જ શોખ હતો તો પછી ભણ્યા કેમ નહીં? 'કારણ કે, હું મારી માતા દૂધીબાના પેટમાં હતો ત્યારે જ બાપુજી ગુજરી ગયા. કાકા મોહનભાઈએ મારો ઉછેર કર્યો. વિધવા મા અને ગરીબી. એટલે બાળપણથી જ ખેતીમાં જોડાઈ ગયો અને પાંચ ધોરણ તો માંડ ભણી શક્યો.'

પરંતુ આ વાચનવીરને વાંચતા કરનાર કોઈ હોય તો તે 'હીટલર' છે. ઉકાભાઈ આગળ જણાવે છે કે, એ વખતે વાડીએ મારા બાપુજીના અભ્યાસ વખતની હીટલરની ચોપડી મળી. જેવું-તેવું વાંચતા આવડે તોય મજા પડી અને આજે તેઓએ સાત હજાર પુસ્તકો વાંચી નાખ્યાં છે. તેઓ ભણ્યા ભલે ઓછું હોય, પણ તેમની લાઈબ્રેરીમાં અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ છે. ઉકાભાઈ આ પુસ્તકો પણ વાંચે છે. સમજવા જેવું સમજી પણ જાય છે. આ પુરાવો તેમની લાઈબ્રેરીમાં પડેલાં પુસ્તકોમાં જોવા મળે છે. લગભગ તમામ પુસ્તકોમાં લગભગ દરેક પાના પર તેમણે કરેલી અન્ડરલાઈન હોય છે તેમ જ ઠેર-ઠેર નોંધો જોવા મળે છે.

આમ, આજે જીવનના આઠમા દસકમાં પણ તેઓ ભરપૂર વાંચી રહ્યા છે. તેમણે આ વાચનમાં લાખો રૂપિયાનું રોકાણ કરી નાખ્યું છે. તેમનો પરિવાર પણ ઉકાભાઈના આ શોખથી ખભેખભો મીલાવી રહ્યો છે. મતલબ કે, એમના ધર્મપત્ની સવિતાબહેનને પણ વાચનનું ઘેલું છે. સવિતાબહેન પણ વાંચતા રહે છે. એમના બે પુત્ર વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈને પણ વાચનનો શોખ છે. વલ્લભભાઈ તો ક્યારેક અખબારોમાં લઘુવાર્તાઓ લખતા પણ રહે છે. તો વિઠ્ઠલભાઈની ચાર વરસની દીકરી મુન્નીને તો 'વાંચવાની ના પાડવી પડે છે.' આ ઘરનાં બાળકો પુસ્તકોના સાનિધ્યમાં ઉછરી રહ્યાં છે. પુસ્તકોના ઘેઘુર વડલા જેવા ઉકાભાઈને મળ્યા પછી એક વખત તો તેમને વંદન થઈ જ જાય છે.