'સેવા' દ્વારા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનો પ્રારંભ

સંગીતા સોલંકી મહિલાઓને સ્વાશ્રયી બનાવતી સંસ્થા 'સેવા'ના કૉમ્પ્યુટર વર્ગમાં જોડાઈ એ પહેલાં ઘરમાં જ રોકાયેલી રહેતી હતી. જો કે, 'સેવા'માં જોડાયા પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને હવે એ એડિટિંગ ટેબલ પર બેસી રેડિયો કાર્યક્રમનું સંકલન કરે છે. 'રૂડીનો રેડિયો' નામના આ રેડિયોમાં સંગીતા કાર્યક્રમની ગુમવત્તા સુધારવા પ્રયાસો કરે છે.

અમદાવાદ પાસેના મણિપુર વિસ્તારમાં 'સેવા' દ્વારા સંચાલિત આ રેડિયોમાં સંગીતા કામ કરે છે. શિક્ષણની સાથે મનોરંજન આપતા આ રેડિયોને એના વડા મથક મણિપુરની આસપાસનાં કેટલાંક ગામડાંમાં સાંભળી શકાય છે. અગાઉ આ ગામની મહિલાઓ ઘરે અથવા તો ખેતરમાં મજૂરી કરતી અથવા તો ગોબરથી છાણાં બનાવતી હતી. 'સેવા'નો 'રૂડીનો રેડિયો' શરૂ થતાં જ અનેક મહિલાઓ એની નિર્માત્રીઓ બની છે તો કેટલીક એની સેવામાં પણ જોડાઈ છે. આ મહિલાઓને રેડિયો જોકી બનવાની પણ તક મળી છે. મણિપુરના એના વડા મથકમાં ગુરુવારે 'રૂડીનો રેડિયો'ની સત્તાવાર શરૂઆત કરાઈ હતી. સેંકડો મહિલાઓ માટે એ રિડીયો તેમને સ્વાશ્રય, રોજગારી, કારકિર્દી વિકલ્પ અને નાગરિક સમસ્યા અંગે જાણવાનો મંચ આપશે. તેઓ આ રેડિયાને સાંભળશે અને એમના વિસ્તારની જાહેર કલ્યાણની, માર્ગ, પાણી વિતરણ વગેરે યોજનાઓનો કેટલા લોગોને લાભ મળ્યો એ પણ જાણી શકશે. જો કોઈને વધામણાં આપવાં હોય તો આ રેડિયો મારફત એ પણ કરી શકાય છે. એ માટેનો ખાસ કાર્યક્રમ છે 'વધામણાં'.

'સેવા'એકેડમીનાં મેનેજિંગ ડાયરેક્ટર નમ્રતા બાલીએ કહ્યું હતું કે 'અમે રોજ આઠ કલાક કાર્યક્રમોનું પ્રસારણ કરીશું. આ કાર્યક્રમોને અમે આઠ વિભાગમાં વહેંચીશું. આ કાર્યક્રમોમાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓની સમસ્યાઓ સહિતની અન્ય બાબતો આવરી લઈશું. ખોરાકમાં સાત્વિક તત્વો કયાં હોય, ગામડાંના વડીલોના અનુભવો કેવા કામ આવે છે વગેરે બાબતોને પણ અમે અમારા રેડિયો મારફતે લોકો સુધી પહોંચાડીશું.' આ રેડિયોને આસપાસનાં 20 ગામડાંમાં સાંભળી શકાય છે. (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)