બી.ટી. રીંગણઃ હવે નિર્ણય પ્રજાએ લેવાનો છે

બી.ટી.નું ઝેર જમીનને બગાડે છે એવું દિલ્લીની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિજ્ઞાનીનું તારણ
મોન્સેન્ટો કંપનીના જ અખતરામાં સાબિત થયું છે કે, બી.ટી. પાક ખાવાથી પ્રાણીઓને નુકસાન થાય છે
- જગત જતનકર

બી.ટી. કપાસના કડવા-મીઠા-કડવા અનુભવો પછી હવે વારો આવ્યો છે, બી.ટી. રીંગણનો. આમ તો છેલ્લાં પાંચેક વરસથી બી.ટી. રીંગણ ચર્ચાનાં ચગડોળે ચઢેલાં છે. વિશેષ ચર્ચા એટલે થાય છે કે તે ભારતમાં મંજૂરીની વાટ જોઈને ઊભેલો પહેલો ખાદ્ય પાક છે અને બીજું દુનિયામાં હજી સુધી ક્યાંય બી.ટી. રીંગણને મંજૂરી અપાઈ નથી. વળી, માત્ર બી.ટી. રીંગણ જ શું કામ? તેની પાછળ આવી રહી છે, જનીન રૂપાંતરિત પાકોની મોટી લંગાર, જેમાંના મોટા ભાગના નફાખોર કંપનીઓએ વિકસાવ્યા છે. કેટલાંક રાષ્ટ્રિય સંશોધન કેન્દ્રો અને વિશ્વવિદ્યાલયો પણ આવા પાકો અંગે સંશોધનો કરી રહ્યાં છે.

ભારતમાં જનીન રૂપાંતરણ(જીનેટિક મોડિફિકેશન)ના કામને આખરી મંજૂરી આપી સરકારને ભલામણ કરવાનું કામ કરે છે, જીનેટિક એન્જિનિયરીંગ એપ્રુવલ કમિટી (જીઈએસી). નાના સૂક્ષ્મ જીવોથી માંડી કોઈ પણ પાક-વનસ્પતિ કે પ્રાણીના જનીનોમાં ફેરફાર કરવા, તેવા સજીવો કે તેની પેદાશો વિદેશથી મંગાવવી, તેના પર સંશોધનો કરવાં, તેના પરિણામો પર નજર રાખવી અને આખરે લોકવપરાશમાં મૂકવાની મંજૂરી આપવાનું કામ તેને સોંપાયું છે. ગઈ તારીખ 14મી ઑક્ટોબરે દિલ્લીમાં મળેલી 'જીઈએસી'ની મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ ભારતમાં બી.ટી. રીંગણની ખેતીની છૂટ અપાઇ છે. અલબત્ત, એ આપેલી મંજૂરીને બીજે જ દિવસે કેન્દ્રના પર્યાવરણમંત્રી શ્રી જયરામ રમેશે જાહેર કર્યું કે, 'જીઈએસી'એ ભલે મંજૂરી આપી પણ દેશભરમાં આ અંગે પ્રજા સાથે સંવાદ થશે અને પછી જ આખરી નિર્ણય લેવાશે. આગામી 3-4 માસ દરમ્યાન બી.ટી.રીંગણ અંગેનો આખરી નિર્ણય લેવામાં પ્રજાએ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે. દેશભરના વિજ્ઞાનીઓ, ખેડૂતો, ગ્રાહકો, રાજકીય નેતાઓ, નીતિ-નિર્ધારકો, પર્યાવરણ અને આરોગ્યની ચિંતા સેવનારા અને દેશનો વિકાસ ઈચ્છનારા પોતપોતાના અભિપ્રાયો રજૂ કરશે. આ અભિપ્રાયોને આધારે આખરી નિર્ણય લેવાશે તેમ માનીએ. લોકશાહીમાં આવો અભિપ્રાય માહિતી અને સમજને આધારે અપાય તે જરૂરી છે. આ લેખ બી.ટી. રીંગણ અંગે સામાન્ય નાગરિકને માહિતગાર કરવાના આશયથી લખ્યો છે.

રીંગણનું ભારતમાં સ્થાન
રીંગણ ભારતભરમાં સૌથી પ્રચલિત શાકમાંનું એક છે. કહેવાય છે કે રીંગણની ઉત્ક્રાંતિ જ ભારતમાં થઈ છે. પરિણામે અહીં રીંગણની 2500 જેટલી જાતો પ્રચલિત છે. વિવિધ આકાર, રંગ, સ્વાદનાં રીંગણ જોવા મળે. વિવિધ જમીન-હવામાનને અનુકૂળ જાતો કુદરતે બનાવી છે. ભારતના લોકો તેમના પરંપરાગત ખોરાકમાં તેનો અનેક રીતે ઉપયોગ કરે છે. કહેવાય છે કે ભારતમાં 14 લાખ એકર જમીનમાં તેની ખેતી થાય છે. રીંગણના ઉત્પાદનમાં દુનિયામાં બીજા નંબરે ભારત (ચીન પછી) છે, જે દુનિયાના કુલ ઉત્પાદનનો 26 ટકા હિસ્સો ધરાવે છે. દેશનો રીંગણનો ધંધો આશરે 9600 કરોડ રૂપિયાનો છે.

બી.ટી. રીંગણ શું છે?
અમેરિકન બહુરાષ્ટ્રિય બીજ કંપની મોન્સેન્ટોની ભાગીદારીથી ચાલતી ભારતીય કંપની મોન્સેન્ટો-મહિકો બાયોટેક દ્વારા તૈયાર કરાયેલા બી.ટી. રીંગણમાં એવું જનીન (જીન) દાખલ કરાયું છે કે રીંગણનાં આનુવાંશિક લક્ષણોના ભાગરૂપ બની ગયેલા આ જનીન સતત ઝેર પેદા કરી આખા છોડને ઝેરી બનાવે છે. આ જનીન એક જમીનજન્ય જીવાણુ 'બેસીલસ થુરિંજિએન્સિસ' (બીટી)માંથી લેવાયો છે. બી.ટી. કપાસમાં પણ આ જ ટેકનોલૉજી વપરાઈ છે.

બી.ટી. રીંગણનો વિવાદ
બી.ટી. રીંગણની તરફેણ કરનારા (ખાસ કરીને મોન્સેન્ટો-મહિકો બાયોટેક કંપની) કહે છે કે, આ રીંગણથી જંતુનાશકોનો વપરાશ ઘટશે અને ખેડૂતોને દર વરસે 4000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. તેની સામે પર્યાવરણ, આરોગ્ય અને દેશની ખેતીના સાર્વભૌમની ચિંતા કરનારાની દલીલો પણ સમજવા જેવી છે.

બી.ટી. રીંગણની જરૂર ખરી?
સવાલ લાખ રૂપિયાનો છે. બી.ટી. કપાસથી કમાઈ લીધેલા અને જેની રીંગણની ખેતી પેલી ઈયળ બગાડે છે તે ખેડૂતને તો બી.ટી. રીંગણ વહાલાં લાગે તેવું બને. પણ ગુજરાતના અનેક ખેડૂતો જંતુનાશકો વાપર્યા સિવાય અને રીંગણની ઈયળના ઉપદ્રવ વિનાની અસરકારક ખેતી કરે છે, તે હકીકત છે. જીવાતોને મારવા વિવિધ રસાયણો અને ઝેર છોડવાની સમજ - તેનું વિજ્ઞાન અને પદ્ધતિઓ હવે ગઈ સદીની વાત છે. તંદુરસ્ત જમીન, વિવિધતાસભર પાક-પસંદગી, અને ધીંગા ક્ષેત્ર-પર્યાવરણ (ફાર્મ ઇકોલૉજી)ની વચ્ચે આ ઈયળનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રાથી નીચો રહે છે તે હકીકત છે. ગુજરાતની જ આણંદ કૃષિ યુનિવર્સિટીએ તે બાબતે અસરકારક ટેકનોલૉજી વિકસાવીને ફિલ્મ તૈયાર કરી છે. સર્વદમન પટેલ જેવા સજીવ ખેતી કરનાર ખેડૂતોની રીંગણની ખેતી જોવા જેવી છે. જો આવા સલામત-બિન ખર્ચાળ વિકલ્પો ઉપલબ્ધ હોય તો તેનો પ્રચાર કરવાને બદલે ઝેર ઓકતી, મલ્ટીનેશનલને પોષતી, જોખમી અને ખર્ચાળ ટેકનોલૉજી શા માટે ફેલાવવી?

શું તેનાથી જંતુનાશકોનું પ્રમાણ ઘટશે?

આ સવાલનો જવાબ પણ ખેડૂતોએ જ આપવો જોઈએ. બી.ટી. કપાસમાં શું થયું? શરૂઆત શી હતી? આજે શા હાલ છે? ગુજરાતની કેટલીક સંસ્થાઓએ 7 વર્ષના બી.ટી. કપાસના અનુભવને નોંધવા રાજ્યના 7 જિલ્લાના 14 તાલુકાના 280 ખેડૂતોની મોજણી કરીને તારવ્યું છે કે, બી.ટી. કપાસની ખેતીથી જંતુનાશકોના વપરાશમાં ઝાઝો ઘટાડો થયો નથી. ઊલટું, નવા નવા રોગ-જીવાતો વધ્યાં છે અને પાક-સંરક્ષણનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે. અલબત્ત ટૂંકા ગાળાનો ક્ષણિક-થાગડથીગડ ફાયદો જરૂર થયો છે. સવાલ, કાયમી ચાલે તેવો ઉકેલ શોધવાનો છે.

શું બી.ટી. રીંગણ ખાવાં સલામત છે?
આ મુદ્દે પણ વિવિધ મત પ્રવર્તે છે. કંપનીનો દાવો છે કે ઈ.સ. 2002થી પર્યાવરણીય અને ખોરાક સલામતી અંગેની 25 જેટલી કસોટીઓ કરવામાં આવી છે અને ખાવા માટે તે 'સંપૂર્ણ સલામત' છે. જ્યારે જે અખતરાઓને આધારે 'જીઈએસી' એ પરવાનગી આપી છે, તે અખતરાનાં પરિણામોનું સ્વતંત્ર પૃથ્થકરણ કરીને એક ફ્રેંચ વિજ્ઞાનીએ તારવ્યું છે કે, બી.ટી. રીંગણ ખાવાથી....
- બકરાંની ભૂખ ઘટી ગઈ છે.
- બકરાં અને સસલાંમાં ઈજા પછી લોહી જામી જતાં વધુ સમય લાગે છે.
- માનવ ઉપયોગમાં આવતી એન્ટિબાયોટિક કેનામાયસીન સામે પ્રતિકાર કરે તેવું પ્રોટિન, છોડ પેદા કરે છે અને કેનામાયસિન એન્ટિબાયોટિકની અસરકારકતા ઘટવા સંભવ છે.

પર્યાવરણીય સલામતી વિચારાઈ છે?
આ ઉપરાંત પર્યાવરણીય સલામતીનો મુદ્દોય બહુ મોટો છે. દેશની જનિનિક વિવિધતા અત્યંત મહત્ત્વની કુદરતી સંપદા છે. રીંગણ પરંપરાગત પાક હોઈ બધી દેશી જાતો નવા જીવાણુજન્ય જનીનથી પ્રદૂષિત થશે. બી.ટી. કપાસમાંથી નીકળતું બી.ટી.નું ઝેર જમીનને બગાડે છે તેવું દિલ્લી સ્થિત 'ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ' (આઈએઆરઆઈ)ના વિજ્ઞાનીએ તારવ્યું છે. બી.ટી.ના ઝેર સામે ઈયળો પ્રતિકારશક્તિ કેળવી લે છે તેવું દુનિયાભરનાં સંશોધનો તારવે છે અને ગુજરાતભરના ખેડૂતોનોય અનુભવ છે. આ બાબતોની ચકાસણી કેવી થઈ છે તે જોવું જોઈએ.

નિર્ણય પ્રજાએ કરવાનો છે
હકીકતો આંખ સામે છે. એક તરફ ટૂંકા ગાળાનો આર્થિક ફાયદો થવાની શક્યતા છે, બીજી તરફ અનેક જોખમોની શક્યતા છે. દેશભરમાં આજે બે સ્પષ્ટ મત ઊભરતા જાય છે. એક તરફ કેટલાક રાજકારણીઓ, નીતિનિર્ધારકો, કહેવાતા વિજ્ઞાનીઓ અને કંપનીઓના માલિકો યેનકેન પ્રકારેણ બી.ટી. રીંગણ મંજૂર કરાવવાની તૈયારીમાં છે. બીજી તરફ અનેક રાજ્યોમાંથી ખેડૂત સંગઠનો, સજીવ ખેતી મંડળો, પર્યાવરણપ્રેમીઓ, જાગૃત ગ્રાહક મંડળો, વિજ્ઞાનીઓ અને દાક્તરોએ બી.ટી. રીંગણનો વિરોધ કર્યો છે. આપણા ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન ડૉ. અંબુમણી રામદાસે રાજ્યસભાના સભ્ય અને ચિકિત્સકને નાતે વડા પ્રધાનને વિરોધનો પત્ર લખી 'જીઈએસી'એ આપેલ મંજૂરી સામે આંદોલન જ છેડ્યું છે. કેરાલાના 'સ્ટેટ બાયોટેકનોલૉજી બૉર્ડે' વિરોધ કર્યો છે. આંધ્ર પ્રદેશની સરકારે સ્વતંત્ર નિષ્ણાત સમિતિ રચી છે. મહારાષ્ટ્રની બે કૃષિ-યુનિવર્સિટીઓએ જનીન-રૂપાંતરિત પાકોના ફેલાવા અંગે ચિંતા-નિસ્બત વ્યક્ત કર્યા છે. ઓરિસ્સા, કેરળ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારે બી.ટી. રીંગણનો પોતાના રાજ્યમાં પ્રવેશ સામે વિરોધ નોંધાવ્યો છે.

એટલું સારું છે કે, વિવિધ દબાણોની વચ્ચે આખરી નિર્ણય લેતાં પહેલાં દેશના પર્યાવરણમંત્રીએ આ અંગે પ્રજાને પૂછવાનું નક્કી કર્યું. આશા રાખીએ કે લોકશાહીમાં લોકોના મત પ્રમાણે નિર્ણય લેવાય અને આ પ્રક્રિયા માત્ર ફારસ અને ઔપચારિકતા નહીં પણ સાચી તટસ્થતાથી થાય. વાચકો પોતાનો મત બાંધવા તૈયાર રહે. આગામી મહિનાઓમાં આપણા ખોરાક અને ખેતીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. બી.ટી. રીંગણને મંજૂરી મળી તો તે પછી છપ્પન પાકોની હાર તૈયાર જ છે.