સ્ત્રીઓ ઉપર થતી હિંસા ગુજરાતની શરમ છે

- સંજય દવે
અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં રહેતી એક દલિત સગીર છોકરીનું બાવળાની કન્યા શાળામાંથી મહોબ્બત ખાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું. છોકરીના માતા-પિતાએ પોતાની દીકરી ગૂમ થયા અંગે તાત્કાલિક બાવળા પોલીસ સ્ટેશનમાં જઇને અરજી આપી, પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં.

દરમ્યાન આરોપી મહોબ્બત ખાન એ સગીર છોકરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે લઈ ગયો. ત્યાં છોકરીને છ મહિના સુધી ગોંધી રાખવામાં આવી અને તેની ઉપર અનેક વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો. મહોબ્બત ખાને એ માસૂમ છોકરીને લોખંડની ચેનથી વારંવાર શારીરિક ઇજાઓ પહોંચાડી. મહોબ્બત ખાનના ઘરની બાજુમાં રહેતા ડફેર જ્ઞાતિના લોકોએ એ છોકરી ઉપર જુલમ થતો જોયો એટલે ગામના સરપંચને તેની જાણ કરી. છોકરીને રક્ષણ પૂરું પાડવાને બદલે સરપંચ હિયાત ખાને પોતે પણ તેને ગેરકાયદેસર રીતે ચાર દિવસ પૂરી રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો. એટલું ઓછું હોય એમ હિયાત ખાને એ છોકરીને રૂ. 17,000માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જોધપુરા ગામની વિહલા નામની એક વ્યક્તિને વેચી દીધી. હજુ એ છોકરી ઉપર જુલમ વરસવાનું જાણે બાકી હતું. વિહલાએ ત્રણ મહિના સુધી તેને પૂરી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો. ત્યાર પછી ચોરીનો આરોપ મૂકીને તેને હિયાત ખાનને એ છોકરી પાછી આપી દીધી. હિયાત ખાને છોકરીને બે-ત્રણ દિવસ પોતાની પાસે રાખ્યા પછી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જેતાપુર ગામમાં રહેતા જીગ્નેશ દવે નામના વ્યક્તિને રૂ. 7000માં વેચી દીધી. જીગ્નેશે પણ જુલમનો સીલસીલો જારી રાખ્યો.

આખરે બાવળા શહેરમાં રહેતી એક દલિત સ્ત્રી જેતાપુર ગામમાં એ છોકરીને જોઈ ગઈ. એટલે એણે એના માતા-પિતાને જાણ કરી. છોકરીના માતા-પિતાએ તાત્કાલિક બાવળા પોલીસને જાણ કરી તેમ છતાં, પોલીસે કોઈ પણ પ્રકારની મદદ કરી નહીં. એ ખરેખર ખૂબ દુઃખદ આશ્ચર્ય છે. અનેક પ્રયત્નો પછી એ છોકરીના મા-બાપને પોતાની દીકરીની ભાળ મળી. આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નહોતી. આ આરોપીઓ સગીર અને જુવાન છોકરીઓને વેશ્યાવૃત્તિના વેપારમાં ધકેલવામાં સંડોવાયેલા હતા. આ કેસમાં બાવળા પોલીસે ઇરાદાપૂર્વક જેતાપુર ગામમાં મોડેથી જવાનું નક્કી કર્યું અને ફરિયાદ પણ મોડી લીધી. વળી, ભોગ બનનાર અને તેના વાલીના નિવેદન લેવામાં પણ પોલીસે વિલંબ કર્યો. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ફરિયાદના સાત-સાત મહિના પછી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં ફરિયાદમાં પણ ભારતીય ફોજદારી ધારાની અનુરૂપ કલમો અને એટ્રોસિટી ઍક્ટની કલમ-3(2)(4)નો ઉલ્લેખ પણ કર્યો નહોતો. ભલું થજો 'નવસર્જન સંસ્થા'નું, કારણ કે સંસ્થાએ દરમ્યાનગીરી કરીને આ છોકરીને હૂંફ અને ટેકો પૂરાં પાડ્યાં છે. હાલમાં આ વ્યક્તિઓ સામે અમદાવાદ સેસન્શ કૉર્ટમાં કેસ ચાલે છે અને બધા આરોપીઓ જ્યુડિશિયલ અટકાયતમાં છે.

ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ બનવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્પાદન અને મૂડીરોકાણમાં ભારતનાં પ્રથમ ત્રણ રાજ્યોમાં સ્થાન ધરાવતુ ગુજરાત માનવ વિકાસ અને સ્ત્રી સમાનતા ક્ષેત્રમાં તમામ રાજ્યોમાં છેવાડાના નંબરે છે. આપણે માનવ વિકાસના લક્ષ્યાંકોમાંથી માત્ર 48 ટકા લક્ષ્યાંકો જ સિદ્ધ કરી શક્યા છીએ. 'નેશનલ ફૅમિલિ હેલ્થ સર્વે'ના આંકડા મુજબ વર્ષ 2005-06માં ગુજરાતનાં પાંચ વર્ષથી નાનાં બાળકોમાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધીને 47 ટકા થયું છે. આરોગ્ય અને શિક્ષણમાં 1996થી 2000 દરમ્યાન ગુજરાત છઠ્ઠા નંબરેથી પાછળ પડીને દસમા નંબરે આવી ગયું છે. ગરીબીમાં થતા ઘટાડા બાબતે પણ આપણે બીજા રાજ્યો કરતાં પાછળ છીએ. 30 ટકાથી વધુ લોકોને બે ટંકનું પૂરતું ખાવાનું પણ મળતું નથી. વળી, સ્ત્રી-પુરુષ સમાનતા (જેન્ડર ઇક્વાલિટી) બાબતે પણ 15 મોટાં રાજ્યોમાં ગુજરાતનો નંબર અગિયારમો છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, સલામત ગણાતા ગુજરાતમાં વર્ષ 2001થી 2008 દરમ્યાન પોલીસ ચોપડે સ્ત્રી-હિંસાના કુલ 1,05,166 બનાવો નોંધાયા છે. જોકે, પોલીસ ચોપડે નહીં નોંધાયેલા આવા બનાવો કેટલા હશે? એની કલ્પના જ કરવી રહી.

પોલીસ આંકડા મુજબ 2008માં કુલ 359 એટલે કે રોજની એક સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોવાનું નોંધાયું છે. કામના સ્થળે, ઑફિસોમાં, કારખાનાં, ખેતરો અને શિક્ષણ સંસ્થાઓમાં જાતીય શોષણનો ભોગ બનતી સ્ત્રીઓની સાચી સંખ્યા પણ બહાર આવતી નથી. કારણ કે તેમને ન્યાય મળે તેવા તંત્રની વ્યવસ્થા નથી. સ્ત્રીઓના અપમૃત્યુ બાબતે પણ આપણે શરમજનક સ્થિતિમાં છે. વર્ષ 2001માં 4,709 સ્ત્રીઓના અપમૃત્યુ થયાં હતાં તે વધીને 2008માં 5,318 થયાં છે. એટલે કે ગુજરાતમાં રોજની 15 સ્ત્રીઓ કમોતને ભેટે છે.

ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 'મહિલા અધિકાર અભિયાન-ગુજરાત'ના નેજા હેઠળ 8મી ડિસેમ્બરે અમદાવાદના ટાઉન હૉલમાં સ્ત્રીઓ ઉપર થતી હિંસાના મુદ્દે જાહેર સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણી દરમ્યાન ગુજરાતભરમાંથી આવેલી 1000થી વધુ મહિલાઓએ સ્ત્રી-હિંસા વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્ત્રી-હિંસા રોકવા માટે સરકારને આવેદન-પત્ર આપીને કેટલીક માગણીઓ કરી છે. જો સ્ત્રીઓ ઉપરની હિંસાના તમામ પ્રકારના કેસ ચલાવવા માટે ખાસ અલાયદી ફાસ્ટ ટ્રેક કૉર્ટો સ્થપાય તો સ્ત્રીઓને ઝડપી ન્યાય મળે. વળી, કાયદો અને ન્યાયની વ્યવસ્થા જાળવવાના તંત્રમાં 50 ટકા અધિકારીઓ-કર્મચારીઓ સ્ત્રી હોવા જોઈએ એવી પણ એમની માગ છે. જ્યાં સુધી સ્ત્રીઓ ઉપર થતી હિંસા રોકાય નહીં ત્યાં સુધી ગુજરાત સાચા અર્થમાં વિકસિત રાજ્ય કહેવાય નહીં.