ખારાશ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે પાણી રિચાર્જ કર્યા વગર હવે કોઈ આરો નથી

ખારાશ અંગે થઈ રહેલું મોનિટરિંગ અપૂરતું છે, ખરેખર તો તેનો વ્યાપ અને પ્રમાણ વધારવાની જરૂર છે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની ખારાશ અંગે થયેલો અભ્યાસ
- સંજય દવે
આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતનો દરિયા કિનારો દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. 1600 કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા દરિયા કિનારાનાં ગામોમાં પાણીની ખારાશને કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવેલી જોવા મળે છે. ખાસ કરીને, સતત ભૂગર્ભ જળ ખેંચવાની આપણી વૃત્તિના કારણે દરિયાનાં પાણી 8થી 12 કિલોમીટર અંદર ધસી આવ્યાં છે. છેલ્લા દાયકા દરમ્યાન જળસંગ્રહની પ્રવૃત્તિઓને સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વેગ મળ્યો હોવાં છતાં પાણી ઉલેચવાનું પ્રમાણ જારી રહેવાથી સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં આને કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણની દૃષ્ટિએ વિપરીત અસરો થઈ છે. ખારાશ નિવારણ માટે થઈ રહેલા નોંધપાત્ર પ્રયાસોને કારણે દરિયાકાંઠાનાં ગામોમાં ખાસ્સી જાગૃતિ આવી છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કેટલીક જગ્યાએ તો અમલમાં મૂકવા જેવા અસરકારક અને અદ્ભુત મૉડેલ ઊભાં થયાં છે. ક્યાંક કોઈકે વેલસિલિંગનો પ્રયોગ કર્યો છે તો ક્યાંક કોઈક ખેડૂતે સંસ્થાની મદદથી ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી છે. તેમાં ક્યાંક સજીવ ખેતીનું પ્રમાણ ઉમેરાતાં પાણીનો બચાવ કરવાનું મહત્ત્વ પણ સમજાયું છે.

આવી સ્થિતિ વચ્ચે ખારાશ નિવારણ માટે થયેલા પ્રયત્નોનું પરિણામ શું આવી રહ્યું છે તે જાણવાના હેતુથી તાજેતરમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. 'આંતરરષ્ટ્રીય ભૂગર્ભજળ સંસાધન સમીક્ષા કેન્દ્ર' (આઈજીઆરએસી), 'ટીએનઓ', 'ડેલ્ટરેસ યુનિવર્સિટી ઑફ ટેક્નોલૉજી' અને 'ઇન્સ્ટિટ્યુટ ફૉર રિસોર્સ એનાલિસિસ એન્ડ પૉલિસી' (આઈઆરએપી)ના સહિયારા પ્રયત્નરૂપે હાથ ધરવામાં આવેલા અભ્યાસનાં તારણો રસપ્રદ છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાંથી ફલિત થાય છે કે વસતિ વધારો થવાની સાથે સાથે વર્ષ 2025 સુધીમાં પાણીનો ઉપાડ પણ સાત ટકાના દરે વધશે. વળી, ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે છે તેના કારણે ઉદ્યોગો પોતાની પાણીની માંગને પહોંચી વળવા માટે બહોળા પ્રમાણમાં ભૂગર્ભજળ ઉલેચશે. અધુરામાં પૂરું, ગ્લોબલ વૉર્મિંગને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણીની તંગી સજાર્ઈ શકે. પરિણામે, હાલમાં કુદરતી રીતે થતા પાણી રિચાર્જનું પ્રમાણ પણ ઘટવાની સંભાવના છે. એક એવો અંદાજ છે કે હાલમાં 2000 મિલિમીટર જેટલું પાણી કુદરતી રીતે રિચાર્જ થાય છે તે ઘટીને વર્ષ 2050 સુધીમાં માત્ર 400 મિલિમીટર થઈ જશે. તે બતાવે છે કે આજે આપણે જાગીશું નહીં તો ભવિષ્યમાં બદતર સ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે. અભ્યાસકર્તા ટીમના સભ્યો શ્રી દિનેશકુમાર અને શ્રી અલકાબહેન પાલરેચા કહે છે કે, 'અમારું એવું માનવું છે કે, આ નિરીક્ષણ અપૂરતું છે, તેનો વિસ્તાર અને તેનું પ્રમાણ વધારવું ખૂબ જરૂરી છે.

અભ્યાસ દરમ્યાન જોવા મળ્યું છે તે મુજબ જૂનાગઢ જિલ્લાના કોડિનાર વિસ્તારમાં ખારાશ અટકાવવાના પ્રયાસો વ્યાપક પ્રમાણમાં થયા હોવા છતાં ભૂગર્ભ જળ ઉલેચવાનું બંધ ન થવાથી ખારાશ નિવારણના પ્રયાસો એળે ગયા છે. કોડિનાર વિસ્તારમાં આગામી 50 વર્ષના સમયગાળામાં અંદાજીત જમીન અને જળ વપરાશની અસરો ચકાસવા માટે અભ્યાસ દરમ્યાન ખારાશના પરિમાણોનું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલના પરિણામો જોતાં સ્પષ્ટ જણાય છે કે પાણીની બચત કરે એવા ટપક સિંચાઈના પ્રયોગો જેવા અન્ય સંભવિત પગલાં અને રિચાર્જ માળખાની હકારાત્મક અસરો થાય છે. ખેતઉત્પાદનમાં વૃદ્ધિ થવાના કારણે, દરિયાની સપાટીમાં વધારાને કારણે, પર્યાવરણમાં થતા ફેરફારોને લીધે તેમ જ વધતી જતી દુષ્કાળની સ્થિતિમાં ખારાશનું પ્રમાણ વધતુ જોવા મળ્યું છે. દરિયાકાંઠાના અંદરના ખેતીલાયક વિસ્તારમાં પણ દરિયાઈ વનસ્પતિનું પ્રમાણ વધી રહેલું દેખાયું છે. અલબત્ત, દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓમાં રાજ્ય સરકારના 'ખારાશ નિયંત્રણ વર્તુળ'ના વ્યાપક પ્રયાસોથી ખારાશને સાચા અર્થમાં નિયંત્રણમાં લાવી શકાઈ છે. જોકે, ખારાશનું મોનિટરિંગ કરવા માટે હાલમાં જે વપરાશમાં હોય એવા કૂવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેના બદલે ખારાશનું અસરકારક મોનિટરિંગ કરવા વિશેષ બોરવેલ કરવા જોઈએ કારણ કે, વપરાશમાં હોય એવા કૂવામાંથી વારંવાર પાણી ઉલેચવાને કારણે ખારાશની એક ધારી સાચી પરિસ્થિતિ મળે નહીં.

અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવેલા છ જિલ્લાઓમાં સૌથી વધારે 178 મિલિમીટર ભૂગર્ભ જળનો ઉપાડ જૂનાગઢ જિલ્લાના કોડિનારમાં થાય છે. જોકે, કોડિનાર, ઉના, માળિયા(હાટિના), વેરાવળ-પાટણ જિલ્લામાં કુદરતી રીતે 73થી 80 મિલિમીટર પાણી લોકો દ્વારા રિચાર્જ થાય છે. જૂનાગઢના માંગરોળ તેમ જ ભાવનગરના ઘોઘા તાલુકામાં 9થી 23 મિલિમીટર પાણી લોકો દ્વારા રિચાર્જ થતું હોવાનું નોંધાયું છે. જામનગર જિલ્લાના જોડિયા, લાલપુર, ખંભાળિયા, ઓખોમંડળ તાલુકામાં તેમ જ પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું 7થી 23 મિલિમીટર જેટલું ભૂગર્ભ જળ ઉપાડ થાય છે.

જોકે, તેની સામે આ તાલુકાઓમાં લોકો દ્વારા માત્ર 0થી 4 મિલિમીટર જેટલું જ માનવસર્જિત રિચાર્જ થાય છે. કુદરતી અને માનવસર્જિત રિચાર્જ અને ઉપાડનું પ્રમાણ જોતાં જૂનાગઢ જિલ્લાના કોડિનાર તાલુકામાં ભૂગર્ભ જળની સમતુલા બાબતે સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે. કોડિનાર તાલુકામાં દર વર્ષે 37 મિલિમીટર જેટલું પાણી લોકો દ્વારા રિચાર્જ થાય છે. વળી, 80 મિલિમીટર જેટલું પાણી કુદરતી રીતે રિચાર્જ થતું જોવા મળે છે. તેમ છતાં પાણીના 81 મિલિમીટર જેટલા ઉપાડને કારણે પાણીની સમતુલા જોખમાઈ છે. એ જ રીતે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટીડીએસનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે.

અભ્યાસનાં તારણો મુજબ ભવિષ્યમાં પાણીની માંગ વધશે તેના કારણે તેમ જ ગ્લૉબલ વૉર્મિંગને પરિણામે દરિયાની સપાટી વધવાથી ખારાશની સ્થિતિ વધુ વકરવાની સંભાવના છે. ખારાશને રોકવાના પ્રયત્નો બાબતે આપણે મરણિયા પ્રયાસો કર્યા વગર હવે ચાલવાનું નથી. ખેતીના પાકોની ફેરબદલી, ભૂગર્ભ જળ ઉપાડ પર રોક અને યુદ્ધના ધોરણે પાણી રિચાર્જ કર્યા વગર હવે કોઈ આરો નથી.