ચરખા પત્રકારો માટે દીવાદાંડીનું કામ કરે છે!

- દેવસી બારડ

મને પત્રકારત્વમાં પ્રવેશ્યાને જેટલાં વર્ષો થયાં છે તેટલા જ સમયથી ચરખાના સંપર્કમાં રહ્યો છું. આ સાડા ચાર વર્ષમાં વિકાસલક્ષી મુદ્દા ઉપર અનેક વાર લખવાનું બન્યું છે. પર્યાવરણ, હૅલ્થ, પાણી, આદિવાસી કે પછી વાત હોય દૂર-સુદૂર ગામડાના અજાણ્યા ખૂણામાં આકાર લેતી જીવતી વાર્તાની... વિકાસલક્ષી પત્રકારત્વની સીડીનાં કેટલાંક પગથિયાં 'ચરખા'ને ટેકે ટેકે ચડવાનું બન્યું છે. અનેક વાર બન્યું છે કે આર્ટિકલની ચર્ચા સંજયભાઈ સાથે પણ કરી હોય.

ગુજરાતમાં વિકાસલક્ષી પત્રકારત્વની વાત કરવી હોય ત્યારે 'ચરખા'ની નોંધ લીધા વગર વાત અધૂરી લેખાય. ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી, દલિત કે દબાયેલા-કચડાયેલા સમાજની સમસ્યા અને તેના સમાધાનની વાત હોય કે પર્યાવરણની જાળવણીની. દરેક મુદ્દે 'ચરખા'ની ઑફિસમાંથી મેઈલ અથવા ફોન આવ્યા વગર રહેતો નથી. ત્યારે સંજયભાઈ કહેઃ 'તમે આ વાત સમાચાર પત્રમાં લખો તો સારું. ન લખો તો પણ વાંધો નહીં, પરંતુ જે-તે વાત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. 'ચરખા' ગુજરાતમાં કેટલાક પત્રકારો માટે દિવાદાંડીનું કામ કરે છે તેમ કહેવું મારા માટે જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 'ચરખા'ની સહાયથી છાપાવાળાઓ અનેક વિકાસલક્ષી મુદ્દાઓને વધારે ન્યાયી રીતે લખી શક્યા હોય એવા અનેક દાખલા મળી શકે.

'ડેડ લાઈન'ને ભગવાન માનવામાં આવે છે તેવા પત્રકારત્વનાં ક્ષેત્રમાં સોર્સ અને કન્સર્ન વ્યક્તિનો કૉેન્ટેક, સૌથી મહત્ત્વનું જમા પાસું છે. તમારી પાસે મજબૂત વિષય રૂપી હાડપિંજર હોય, પણ હાડ-માંસ રૂપી સોર્સ અને કૉન્ટેકનો અભાવ હોય તો ગમે તેવી વિસ્ફોટક સ્ટોરીનું સૂરસૂરીયું થઈ જતા વાર નથી લાગતી. અધૂરામાં પૂરું ડેડલાઈન રૂપી તલવાર હંમેશાં માથે લટકાયેલી હોય ત્યારે તો નહીં જ. 'ચરખા' તે હાડપિંજરમાં હાડ-માંસ પુરવામાં અને ડેડ લાઈનની લટકતી તલવારને ખાળવામાં અનેકવાર મદદરૂપ બની છે. 'ચરખા'ને વિકાસલક્ષી મુદ્દાની જીવતી જાગતી ડિક્સનરી કહી શકાય.

સૌરાષ્ટ્રના કોઈ અંતરિયાળ ગામના માણસનો કૉન્ટેક્ટ નંબર જોઈતો હોય કે ડાંગના કોઈ મુદ્દાને લઈને વાત કરવી હોય. ઉતરનું ખેડ બ્રહ્મા કે વિજયનગર હોય, મધ્યમાં દાહોદ, લીમખેડા કે જાંબુઘોડાની વાત, દક્ષિણમાં માંડવી, વ્યારા કે નિઝર વગેરે વિસ્તારની કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય ત્યારે બીજી જ સેકન્ડે મગજનાં જ્ઞાન તંતુઓ હાથને ઑર્ડર આપી દે કે 'ચરખા'ની ઑફિસમાં ફોન લગાવો. ભલે સીધો નંબર ન મળે, વાયા-વાયા આપણું મિશન પૂરું થાય તેની ગેરંટી ખરી!

અનેક એવી સ્ટોરી છે જેમાં 'ચરખા'ની મદદ લીધી હોય. પાંચ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાનમાં 'કળશ'માં પર્યાવરણની જાળવણી માટે પોતાનું જીવન ખર્ચી નાંખનાર ગુજરાતના ટોચના પાંચ લોકોની વાત લખી હતી. ગુજરાતમાંથી અમે અંદાજે વીસેક લોકોનું લીસ્ટ બનાવ્યું હતું. તે સ્ટોરીમાં ચરખાનો ફાળો પણ હતો. ગુજરાતનાં સૌથી ગરીબ તાલુકા ધાનપુરની મુલાકાત પહેલા સંજયભાઈ સાથે પણ ચર્ચા કરી હતી. 'કળશ'ની વધુ એક કવર સ્ટોરી 'પરિવર્તનઃ સ્વથી સમાજ સુધી'માં એવા યુગલની વાત હતી જેમણે સમાજના વિકાસમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાંખી હોય. તે વિષય ઉપર લખતા પહેલાં ગુજરાતભરમાંથી એક લીસ્ટ બનાવી તેમાં ટોપ રેન્ક મુજબ માત્ર ચાર યુગલને સ્થાન આપ્યું હતું. આ ઘટનામાં પણ 'ચરખા'નો ફાળો હતો. આ બધાં તો માત્ર થોડાક ઉદાહરણો છે. પત્રકારત્વમાં ડગલેને પગલે ચરખા પાસેથી કંઈક નવું શીખવા મળે છે, જાણવા મળે છે.

'ચરખા'એ પોતાની વેબસાઈટ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. કેટલીક માહિતી માટે હવે 'ચરખા'ની ઑફસમાં પૂછવાની જરૂર રહેતી નથી. સાઈટમાં આપેલી માહિતીના માધ્યમથી અનેક નવી વાત લખવાની પ્રેરણા પણ મળે છે. આજના સમયમાં પત્રકારત્વની કેટલીક ઉધાર બાજુ પણ ખરી. બજારતંત્રને ધ્યાનમાં રાખી પત્રકાર ભલે દરેક મુદ્દે લખી ના શકે, પરંતુ સમયાંતરે 'ચરખા'નું રિમાઈન્ડર તે મુદ્દાઓને જીવંત રાખે છે.