પત્રકારને 'જીવતો' રાખતું 'ચરખા'નું ચક્કર

- અજય રામી, પત્રકાર
1999-2000ના વર્ષની વાત. સરકાર જળસંચયનું મહત્ત્વ સમજે તેના બહુ પહેલા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેના અમલ શરૂ કરી તેના લાભ અપાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પત્રકાર જગત પણ તેનાથી લગભગ અજાણ હતું. તે સમયે 'ચરખા'ના સંજય દવે પત્રકારોને જળ સંચયની સક્સેસ સ્ટોરીનું નિદર્શન બતાવવા ગઢડા લઈ ગયા. ત્યાંના ગામોમાં ચેકડેમ અને ઘરે-ઘરે પાણીના ટાંકા જોઈને આશ્ચર્ય સાથે નવાઈ લાગી અને આત્મભાન પણ થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે એક શિક્ષક માધુભાઈ અને તેમની નવજ્યોત સંસ્થા જાગૃતિ લાવીને કેટલું સુંદર કામ કરી રહી છે. નવાઈ એ વાતની હતી કે નાનકડા ફેરફાર કરવાથી કેટલો લાભ મળતો હતો. અને આત્મભાન એ વાતનું થયું કે આટલા વિકાસલક્ષી પરિણામ છતાં એક મીડિયા પર્સન તરીકે એ વાતની જાણ નથી. આ 'આત્મભાનથી પરિચિત કરાવવાની જ્યાં વાત આવે છે તે જ 'ચરખા'નો પરિચય છે.

જેમ ચૂલાનું લાકડું સળગતું બંધ થઈ જાય તો ફૂંકણીથી ફૂંક મારીને તેનો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે તેમ પત્રકારની સંવેદનશીલતાને લકવો થવાનું શરૂ થાય ત્યારે તેમાં નવો સંચાર કરવાનું કામ વિવેકથી ચેતનવંતી કરવાનું કામ 'ચરખા'એ કર્યું હોવાનો અનેક સ્વઅનુભવ છે.

સ્ત્રી-ભ્રૂણ હત્યાના મામલે જાગૃતિ ઝુંબેશના 'સંદેશ'માં અહેવાલો આવે તે માટે પત્રકાર સાથે ભરબપોરે ગામડા ખૂંદીને વિગતો અપાવવાનું કામ 'ચરખા'એ કરેલું છે.

વિકલાંગોને આવાગમનના વિકલ્પોની વાત હોય કે બાળમજૂરો અથવા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોને જાગૃત કરવાના મુદ્દા હોય જેમાં પત્રકારને જાણ ન હોય તેમાં વિશેષ પ્રવેશ કરાવી તે વિશે અનાયાસે ખુદ પત્રકાર લખતો શરૂ થઈ જાય એટલે 'ચરખાનું ચક્કર' ફરતું થઈ જાય.

'ચરખા' સાથેના આટલા અનુભવ અને કાર્યપદ્ધતિ નજીકથી જોયા પછી મારું એવું નિરીક્ષણ છે કે 'ચરખા'ની શક્તિઓનો પૂરેપૂરો લાભ તેના ટ્રસ્ટીઓ કે સંચાલકો લઈ શક્યા નથી. સંજય દવે જે 'ચરખા' માટે પત્રકાર સાથે લાયઝન કરીને તેને અંગત સંબંધ વિકસાવવા સુધી લઈ જઈ શકવાની આવડત ધરાવે છે, જેથી તેનો ઉપયોગ તો છેવટે 'ચરખા' માટે જ થાય છે. આ જ પ્રકારે પત્રકારોના તંત્રીઓ સાથે પણ સંવાદ હાથ ધવામાં આવે તો 'ચરખા' કે વિકાસલક્ષી પત્રકારત્વને પૂર્ણ સ્વરૂપે વિકસવામાં જે ખોટ પડે છે અથવા તેના સાતત્યમાં જે ખોટ આવે છે તે કદાચ નિવારી શકાય. 'ચરખા'ના ટ્રસ્ટીઓ કે એનજીઓના મોભીઓએ માતબર અખબારના તંત્રીને મળીને વિકાસલક્ષી પત્રકારત્વ વિશે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મોભીઓ કદાચ ભૂતકાળાના કોઈ કડવા અનુભવથી પીડાતા હશે તેમ માની લઈએ. પરંતુ, તેમણે અખબારોનાં તંત્રીઓ કે 'ચરખા' સાથે સંકળાયેલા પત્રકારને સામેથી ફોન કરીને કે દિવાળી જેવા પ્રસંગોએ 'હેપ્પી ન્યુ યર' કહીને શુભેચ્છાઓ પણ પાઠવવી જોઈએ. 'ચરખા'નો વ્યાપ, અલગ સ્વીકાર્ય હોવા છતાં સીધો પ્રભાવ નહીં હોવા પાછળ આવાં આડકતરાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે.

વિનાશક ભૂકંપ પછીની પ્રેરણાદાયી સ્ટોરી હોય કે રમખાણો વખતે કોમી એકતાના ઉદાહરણ પ્રસંગો એક પત્રકારના મંત્રવત થતા જતા કે બીબાઢાળ બનતા જતા મગજમાં પત્રકારને જીવંત રાખવાનો અંકૂર ઉગાડી દે છે. એક પત્રકારને પોતે પત્રકાર છે તે ભૂલાઈ જતું અટકાવે તે સંસ્થા એટલે જ 'ચરખા'.