બીઆરટીએસમાં બસ હંકારતી મહિલા કલ્પના સોની

અમદાવાદની બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)માં અમદાવાદીઓ એક મહિલાને બસને ચલાવતાં નિહાળશે. કલ્પના સોની નામની મહિલા હાલમાં ચાર્ડર્ટ લોજિસ્ટિક લિમિટેડમાં બસ ડ્રાઈવરની તાલીમ લઈ રહ્યાં છે. આ કંપનીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં બસો ચલાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદમાં વિધિવત્ આ બસસેવાની શરૂઆત થયા પછી કલ્પનાબહેને પુરુષ ડ્રાઈવરો સાથે બસ દોડાવવી પડશે. તેઓ બસના કોરીડોરમાં બસ ચલાવશે.

ચાર્ટર્ડ લોજિસ્ટિકના પંકજ ગાંધીએ કહ્યું કે આ બસને ચલાવવા અમે એક મહિલા બસ ડ્રાઈવરની શોધમાં હતા. લાંબી શોધખોળને અંતે અમને કલ્પનાબહેન મળ્યાં છે. મેં જ્યારે ચીનમાં મહિલાઓને બસ ચલાવતી જોઈ હતી ત્યારે પ્રભાવિત થયો હતો. તેમને જોઈને મને પણ ભારતમાં મહિલા ડ્રાઈવરો રાખવાનો વિચાર આવ્યો હતો. હજી વધારે મહિલાઓને નોકરીએ રાખવા માટે હું વિચારી રહ્યો છું. જો બધું જ સારી રીતે પાર પડશે તો અમદાવાદ સમગ્ર દેશમાં એક નવો જ ચીલો શરૂ કરશે.

પુરુષ ડ્રાઈવરોથી વિપરીત કલ્પના સોની ખૂબ ઝડપથી નવી વાતો શીખી રહ્યાં છે. કલ્પનાબહેન અગાઉ એક મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતાં હતાં. અત્યાર સુધી તેમણે મહિલાઓ સહિત એક હજાર લોકોને ડ્રાઇવિંગ શીખવાડ્યું છે. શરૂઆતમાં તો સ્ટિયરિંગ પકડતાં હું પણ ખૂબ હતાશા અનુભવતી હતી. કલ્પના સોની સમગ્ર ગુજરાતમાં પ્રથમ મહિલા ડ્રાઈવર બનતાં ભારે આનંદિત છે.
(જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)