અહીં વરસાદી પાણીને ગામની હદ વટાવવાની મનાઈ છે...

ફાળા, પાળા, અને નાળાથી પાણીવાળા થયા દુધાળાવાળા!
- અજય કાનાણી
અમરેલી જિલ્લાના આ નાનકડાં દુધાળા ગામમાં આ વરસે માત્ર 8 ઈંચ જ વરસાદ પડ્યો છે, પરંતુ આ ગામ આ વખતે 'ઈઝરાયલવાળી' કરવાનું છે. કારણ કે, લોકફાળાથી બનેલા 90 ચેકડેમોને લીધે ગામના તળમાં પાણીનો સંગ્રહ થયો છે. આને કારણે તળમાંથી પાણીનું આઉટગોઈંગ એકદમ 'ફ્રી' જેવું થઈ રહ્યું છે...

આ વખતે મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને રાજધાની બનાવી હતી. આથી સમગ્ર જિલ્લો વરસાદની બાબતમાં રામરાજ્ય બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં ડેમ અને તળાવો ભરાયેલાં છે, નદીઓ ખળભળે છે. જમીનો ઉપર લીલોત્તરીનો યુનિફોર્મ છે. વરસાદની કૃપા માત્ર જૂનાગઢ જિલ્લામાં જ હતી... પણ અમરેલી જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલાં દુધાળા ગામમાં પણ પાણીની આવી જાહોજલાલી દેખાય છે... નવાઈની વાત તો એ છે કે આ વિસ્તામાં સિઝનનો માત્ર 8 કે 10 ઈંચ વરસાદ જ પડ્યો છે. તોય ખેતરે ખેતરે પાણીની ધારાઓ વહે છે, કારણ કે આ ગામમાં કોદાળી-પાવડાનો ચમત્કાર થયો છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આ નાનેરા દુધાળા ગામને મહેનતનું અધ્યાત્મ સમજાઈ ગયું અને ગામની ફરતે ચેકડેમોના સૈનિકો ગોઠવી દીધાં છે. આજે આ સિઝનમાં માંડ 8 ઈંચ વરસાદની સામે દુધાળામાં ખેતીનું વર્ષ 12 આની જશે એવું ગામલોકો કહે છે.

આજથી પાંચ વરસ પહેલાંની આ વાત છે. ગામમાં ચોમાસા સિવાય લગભગ દુષ્કાળિયો માહોલ જ રહેતો. આ વખતે ભાવનગર જિલ્લામાં ખોપાળા ગામમાં ચેકડેમોત્સવ ઉજવાયો. 'જલધારા ટ્રસ્ટ'ના મથુરભાઈ સવાણી પ્રેરિત આ અભિયાનના કાર્યક્રમ પ્રસંગે દુધાળા ગામના વતની દાતા અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા (ભગત) તથા બીજા ગ્રામજનો પણ ખોપાળામાં જળદેવના દર્શને ગયા. તેમને ચેકડેમોનું મહત્ત્વ સમજાયું. બીજા જ દિવસે તેમણે ગામમાં સભા બોલાવી. 'જલધારા ટ્રસ્ટ'ના મથુરભાઈ સવાણી પણ હાજર રહ્યા. વાતવાતમાં આખા ગામે સંકલ્પ કર્યો અને ચેકડેમો બનાવવાનું શરૂ પણ થઈ ગયું.

દાનવીર ગોવિંદ ભગતના ભત્રીજા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાને આ વાત ગમી ગઈ. તેમણે ગોવિંદભાઈને બોલાવી સુરતમાં બીજી મિટિંગ ગોઠવી. મિટિંગમાં ગોવિંદભાઈએ કહ્યું કે, 'જેટલો ફાળો ગામ આપશે તેટલો હું આપીશ.' પણ સવજીભાઈએ કહ્યું કે, 'ના...કાકા! ગામ જેટલા કાઢશે એથી ડબલ આપણે કાઢીશું.' અને વાત આગળ વધી. ગામ પણ જોરદાર નીકળ્યું. રૂપિયા 27 લાખ અને 50 હજારનો ગામફાળો થયો. એમાંય, સાડા સાત લાખ તો ગામના શ્રી ધીરૂભાઈ પટેલે એકલાએ જ આપ્યા. હવે ધોળકિયા કુટુંબે પણ વચન મુજબ 55 લાખનું દાન કર્યું. આમ 82 લાખ 50 હજારના ફાળાથી દુધાળાના હોકળામાં પાળા (ચેકડેમો) બંધાવા લાગ્યા. આઠ-આઠ જેસીબી મશીનો દિવસ રાત ધમધમવા લાગ્યા. ત્રણેક મહિનામાં તો 90 ચેકડેમો તૈયાર થઈ ગયા. આ ઘટનામાં મહત્ત્વની ઘટના એ છે કે આ 90 ચેકડેમો માટે ગામલોકોની 360 વીઘા ખેતીલાયક જમીન વપરાઈ. ખેડૂતોએ આ તમામ જમીન ચેકડેમો માટે દાન કરી દીધી. એટલું જ નહીં, પોતાનો એક વીઘો વપરાશમાં જાય તો એક વીઘા દીઠ રૂપિયા 300નું દાન પણ દેવાનું. પાણી માટે દુધાળાના ગ્રામજનોનું આ બલિદાન આજે રંગ લાગ્યું છે.

ગામના નાના ખેડૂત રાજુભાઈ રાદડિયા જણાવે છે કે, 'પહેલા મારે વીઘા દીઠ કપાસનો પાંચ-સાત મણ ઉતારો આવતો, આજે પંદર-વીસ મણ સુધી ઉપજ આવે છે.' પાંચ વરસ અગાઉ ગામમાં પાણીના ટેન્કરો આવતાં, હવે ચેકડેમથી દુધાળાવાળા લોકો પાણીવાળા થયાં છે. દાતા સવજીભાઈ ધોળકિયા જણાવે છે કે 'ચેકડેમ બન્યા પછીનાં જ વર્ષોમાં ગામની ખેતીમાં રૂપિયા એક કરોડનું વધુ ઉત્પાદન આવ્યું.' દુધાળાને દુઃખના દહાડામાંથી કાઢીને સુખના સિમાડા સુધી લઈ જનાર આ ચેકડેમો તો સિક્કાની પહેલી બાજુ જ છે.

હકીકતમાં ગામમાં જે તળાવ બન્યાં છે તે અદ્ભૂત છે. દાતા સવજીભાઈના સહયોગથી ગામમાં 20 વીઘાનું 'નારણ સરોવર' તથા 'અમૃત સરોવર' નામે વિશાળ તળાવ હમણાં જ બન્યું છે. આ તળાવમાં પાણી પહોંચાડવા માટે 45 કિલોમીટરની નહેરો (નાળા) બનાવવામાં આવી છે. આ નહેર (કેનાલ) દસ ફૂટ ઊંડી અને 20થી 60 ફૂટ સુધી પહોળી છે. ગામના ખેડૂત રવજીભાઈ રાદડિયા કહે છે કે, 'અમારા ગામમાં એક જ વખત આ તળાવ કે ચેકડેમો ભરાઈ જાય તો પછી અમારે ભગવાન પાસે પણ હાથ લાંબો કરવો પડે એમ નથી. અમારા દાતાઓ અહીં ઈન્દ્રને ઉતારે એમ છે.'

દાતા સવજીભાઈના પિતાશ્રી ધનજીભાઈ ધોળકિયા કહે છે કે, 'જો નર્મદાનાં પાણીથી અમારું સરોવર ભરી દેવામાં આવે તો અમારી આજુબાજુનાં 10 ગામડાંઓને ફાયદો થાય એમ છે...'

આ વિશિષ્ટતા ઉપરાંત ગામમાં પાંચ-પાંચ વીઘાના અન્ય ત્રણ તળાવો પણ બન્યાં છે. ગામની સીમમાં 80 વીઘાનું સાગનું વન ઉગાડવામાં આવ્યું છે. તેમ જ 20 વીઘામાં લીમડાંવન ઊભું છે. ગામની શેરીઓમાં ચોખ્ખાઈ અને રસ્તાઓ જોતાં જ ઊભું રહેવાનું મન થઈ જાય છે. દાતા પરિવારોએ અદ્ભૂત શાળા પણ નિર્માણ કરી દીધી છે. માત્ર 2000ની વસ્તીવાળું આ દુધાળા ગામ આવા સહિયારા કાંડાબળને કારણે સુખી અને આદર્શ થઈ શક્યું છે.

ગામના ખેડૂત ભીખાભાઈ ભીમાણી ખૂબ સરસ વાત કરે છે, 'જ્યાં સુધી પાણી માટે પરસેવો નથી પડતો ત્યાં સુધી પાણી ઝાંઝવાના જળ સમાન જ રહે છે...'

1 ટીપ્પણી:

અજ્ઞાત કહ્યું...

verry good story cong.